Oscars 2027 : મરાઠી થ્રિલર ફિલ્મ ‘ગોંધલ’ ને ઓસ્કાર 2027 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એફએફઆઈ)એ શુક્રવારને 18 સપ્ટેમ્બરના રોજ તેની જાહેરાત કરી હતી. આ રેસમાં નાગા ભાષાની ફિલ્મ ‘અંગ’ અને તમિલ ફિલ્મ ‘ડોરોથી’ પણ સામેલ હતી.
સંતોષ ડાવખરના નિર્દેશનમાં બનેલી ‘ગોંધલ’ 99માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફિલ્મના દિગ્દર્શક સંતોષ ડાખવરને 2025 માં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) માં સિલ્વર પીકોક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જ્યૂરીમાં કોણ-કોણ સામેલ
ઓસ્કાર માટે ભારતની એન્ટ્રી માટે પસંદ કરનાર જ્યૂરીમાં પી.શેષાદ્રી, વિજય પાટકર, હિતુ કનોડિયા, શાંતિ કુમાર, સંદીપ પારાશર, સંજય પાટિલ, સાબુ જોસેફ, અનિલ થોમસ, વિવેક વાસવાની, બિજોન દાસગુપ્તા, હાસન, વાસન અને તનિષ્ઠા ચેટર્જી સામેલ હતા. ઓસ્કારની રેસમાં કુલ 33 ફિલ્મોએ તેમની એન્ટ્રી મોકલી હતી. જેમાં 14 હિન્દી, ચાર મરાઠી, ચાર તેલુગુ, ચાર ગુજરાતી, ત્રણ તમિલ, એક મલયાલમ, એક કોન્યાક અને એક નેપાળી ભાષાની ફિલ્મનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં એક મૂંગી ફિલ્મ પણ હતી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નીરજ ઘાયવાનની કોવિડ-19 ડ્રામા ફિલ્મ ‘હોમબાઉન્ડ’ને ઓસ્કારમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. ઇશાન ખટ્ટર અને વિશાલ જેઠવા સ્ટારર ફિલ્મ ઓસ્કાર લોંગલિસ્ટમાં સ્થાન મેળવી શકી ન હતી. 99 મા એકેડેમી એવોર્ડ્સનું આયોજન 14 માર્ચ, 2027 ના રોજ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં કરવામાં આવશે.
ફિલ્મની કહાની શું છે?
મહારાષ્ટ્રની પરંપરાગત ગોંધલ વિધિ અને લોક-પ્રદર્શન કળા પર આધારિત આ ફિલ્મની કહાની સુમન નામની પરિણીત મહિલાની આસપાસ ફરે છે. તેના જીવનમાં તે સમયે અણધાર્યો વળાંક આવે છે જ્યારે તેના સંબંધો, ઇચ્છાઓ અને છેતરપિંડી વચ્ચે ટકરાવ શરુ થાય છે.
કપિલ શર્મા ના શો ની નવી સિઝનની રિલીઝ ડેટ કન્ફર્મ, જાણો ક્યારે અને ક્યાં જોવા મળશે
શરૂઆતમાં આ ફિલ્મ રોજિંદા સંબંધો અને તેમના ઉતાર-ચઢાવની કથા લાગે છે પરંતુ ધીમે ધીમે તે એક થ્રિલરનું સ્વરૂપ ધારણ કરે છે. સુમન આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ જાય છે, જ્યાંથી તેણે કોઈ રસ્તો શોધવો પડે છે. સુમનની સફર દ્વારા આ ફિલ્મ પ્રેમ, ઇચ્છા, છેતરપિંડી અને એવી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાની માનવીય પ્રયત્ન જેવા વિષયોને બહાર લાવે છે, જેમાં વ્યક્તિ પોતાને ફસાયેલા અનુભવે છે.
ગોંધલ’ મહારાષ્ટ્રની સમૃદ્ધ લોક પરંપરાને પણ કેન્દ્રમાં રાખે છે
આ સાથે ‘ગોંધલ’ મહારાષ્ટ્રની સમૃદ્ધ લોક પરંપરાને પણ કેન્દ્રમાં રાખે છે. આ ફિલ્મ આ વર્ષો જૂની લોક-પ્રદર્શન શૈલીના મહત્વ અને સમકાલીન સમાજમાં તેની સુસંગતતાને સમજવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં કિશોર કદમ, ઇશિતા દેશમુખ, યોગેશ સોહોની, નિષાદ ભોઇર, અનુજ પ્રભુ અને અન્ય કલાકારો છે. ફિલ્મનું સંગીત સુપ્રસિદ્ધ સંગીતકાર ઇલૈયારાજાએ આપ્યું છે.
ગોંધલ’ને બેંગલુરુ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને પૂણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સન્માન અને ઓળખ મળી ચુકી છે. આ ફિલ્મ 14 નવેમ્બર, 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી.
