Final Up to date:
આજકાલ સોશિયલ મીડિયા પર વજન ઘટાડવા માટે અવનવા પ્રયોગો વાયરલ થતા રહે છે, પરંતુ હાલમાં જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તે જોઈને ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા છે. લોકો વજન ઘટાડવા અને કેલરી ઇન્ટેક રોકવા માટે પોતાના મોઢા પર પ્લાસ્ટિક લપેટી રહ્યા છે, જેને સોશિયલ મીડિયા પર ‘માઉથ કોન્ડોમ’ જેવું વિચિત્ર નામ આપવામાં આવ્યું છે.
વજન ઘટાડવાની અને સ્લિમ દેખાવાની ઘેલછામાં લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે, હાલમાં જ તેનું એક ભયાનક ઉદાહરણ સામે આવ્યું છે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આજકાલ એક અત્યંત વિચિત્ર અને જોખમી ‘ઇટિંગ હેક’ વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ‘માઉથ કોન્ડોમ’નું નામ આપી રહ્યા છે. આ ટ્રેન્ડ હેઠળ યુવાનો પોતાના આખા મોઢા અને હોઠ પર ક્લિંગ ફિલ્મ અથવા પ્લાસ્ટિક રેપ લપેટી લે છે અને પછી તેની ઉપરથી ખોરાક ચાવવાનો નાટક કરે છે. આ ગાંડપણ પાછળનો તર્ક એ છે કે તેઓ ખોરાકના સ્વાદની મજા તો લઈ શકે છે, પરંતુ એક પણ કેલરી તેમના શરીરની અંદર જઈ શકશે નહીં. આ વિચિત્ર પ્રવૃત્તિનો આધાર એકદમ સીધો પણ ડરામણો છે. પ્લાસ્ટિક રેપ એક અવરોધ તરીકે કામ કરે છે જે ખોરાકને સીધો લાળ અથવા પાચનતંત્રના સંપર્કમાં આવતા અટકાવે છે.
લોકો ખોરાકને જોર-જોરથી ચાવે છે અને પછી તેને બહાર કાઢીને ફેંકી દે છે. તેમનો દાવો છે કે, આનાથી મગજને એવો ભ્રમ થાય છે કે શરીરને પોષણ મળી રહ્યું છે, જેનાથી ભૂખ શાંત અનુભવાય છે. જોકે, મેડિકલ એક્સપર્ટ્સ આ દાવાને સંપૂર્ણપણે નકારી રહ્યા છે અને તેને એક મોટી હેલ્થ પ્રોબ્લેમની નિશાની માની રહ્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ માત્ર વજન ઘટાડવાની યુક્તિ નથી, પરંતુ એક ગંભીર ઇટિંગ ડિસઓર્ડરને પ્રોત્સાહન આપવાની પદ્ધતિ છે. જ્યારે તમે ખોરાક ચાવીને થૂંકી દો છો, ત્યારે શરીરને તાકાત મળતી નથી, જેનાથી સમય જતાં ખાવાની ઇચ્છા વધતી જાય છે. તે મગજને એવી રીતે ‘રીવાયર’ કરી દે છે કે, તેને કેલરી વગર માત્ર સ્વાદ અને બનાવટથી આનંદ મળવા લાગે છે, જે મેન્ટલ હેલ્થ માટે જોખમી સાબિત થઈ શકે છે.

એક્સપર્ટ્સે આગળ કહ્યું કે, આ ‘માઉથ કોન્ડોમ’ ટ્રેન્ડના જોખમો પણ ઓછા નથી. પ્લાસ્ટિક રેપને સતત દાંતથી ચાવવાથી મોટી માત્રામાં માઇક્રોપ્લાસ્ટિક્સ શરીરની અંદર જવાનું જોખમ રહેલું છે. ચાવવા દરમિયાન પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો લાળ સાથે ભળી શકે છે અને અજાણતા શ્વસન અથવા પાચનતંત્રમાં પહોંચી શકે છે, જેનાથી કેન્સર અને હોર્મોનલ અસંતુલન જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ભલે પ્લાસ્ટિક રેપ સાથે ખોરાક ચાવવો એ એક નાના પ્રયોગ તરીકે શરૂ થયો હોય, પરંતુ હવે તે લાખો વ્યૂઝ મેળવનારો એક સંપૂર્ણ ઇન્ટરનેટ ટ્રેન્ડ બની ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર આને લઈને તીખી ચર્ચા છેડાઈ છે. જ્યાં કેટલાક લોકો આને કેલરી કંટ્રોલ કરવાની સ્માર્ટ રીત ગણાવી રહ્યા છે, તો ઘણા લોકો આને યુવાનોના જીવ સાથેની રમત માની રહ્યા છે. આ પહેલા પણ જડબા લોક કરનારી ડિવાઇસ અને ઓનલાઈન વેચાતા ફેટ-ડીઝોલ્વિંગ ઇન્જેક્શન જેવા જીવલેણ ટ્રેન્ડ્સે દુનિયાને હેરાન કરી દીધી હતી.

