નવસારીના નિવૃત્ત આચાર્ય બોમી જાગીરદાર આવા સમયમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યા છે. 61 વર્ષની ઉંમરે, તેઓ રોજ 50થી 60 કિલોમીટર સાયકલ ચલાવીને માત્ર સ્વસ્થ જીવનશૈલી જ નહીં, પણ માર્ગ સલામતીનો સંદેશ પણ ફેલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં બોમીભાઈએ 6 લાખથી વધુ કિલોમીટર સાયકલ ચલાવી છે અને સમગ્ર ભારતનું પ્રવાસન કર્યું છે. તેમની આ યાત્રા કોઈ સામાન્ય સિદ્ધિ નથી, પરંતુ શિસ્ત, સંયમ અને નિયમોના ચુસ્ત પાલનની સાબિતી આપે છે.

બોમી જાગીરદારની યાત્રા અનેક યુવાનો માટે પ્રેરણાદાયક છે. તેમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી 4000 કિલોમીટરનું અંતર માત્ર 15 દિવસમાં પાર કર્યું, દિલ્હીથી મુંબઈ 6 દિવસમાં સાયકલિંગ કર્યું, નવસારીથી નેપાળ સુધી 2000 કિલોમીટર 7 દિવસમાં પૂર્ણ કર્યું અને મનાલીથી લેહ-લદ્દાખના ખાર્દુંગલા પાસ સુધી સાયકલ ચલાવીને પોતાનું અદમ્ય સાહસ સાબિત કર્યું. આ યાત્રાઓ દરમિયાન તેમણે શરીરની ક્ષમતાનો પરિચય આપ્યો અને સલામત મુસાફરીનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમના જીવનમાં શિસ્તનો મહત્ત્વનો ભાગ છે.
બોમીભાઈ કહે છે કે રસ્તા પર ઊતરતા પહેલા મનમાં એક જ સંકલ્પ રાખવો જોઈએ, “હું અને મારા કારણે બીજું કોઈ પણ સલામત રહે.” આ વિચાર સાથે હેલ્મેટ ફરજિયાત પહેરે છે, સાયકલના આગળ અને પાછળ લાઇટ લગાવે છે અને રાત્રે રિફ્લેક્ટરનો ઉપયોગ કરે છે. તેમના બૂટ પર પણ રિફ્લેક્ટર અથવા લાઇટ હોય છે, જેથી પાછળથી આવનાર વાહન ચાલકોને સમયસર સંકેત મળે. તેઓ હંમેશા પાણીની બોટલ, પ્રાથમિક સારવારનો સામાન અને જરૂરી દસ્તાવેજો સાથે રાખે છે.
માર્ગ સલામતી અંગે બોમી જાગીરદારનું માનવું છે કે સાયકલિંગ કે વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવો સૌથી મોટો ખતરો છે. ઇયરફોનમાં ઊંચા અવાજે ગીત સાંભળવાથી આસપાસના અવાજો સંભળાતા નથી, જેનાથી અકસ્માતની સંભાવના વધી જાય છે. તેઓ હંમેશા યોગ્ય સિગ્નલ આપીને જ વળાંક લે છે અને ક્યારેય અચાનક બ્રેક કે વળાંક નથી લેતા. તેમનું માનવું છે કે રસ્તા પર ધીરજ રાખવી એ જ સાચી બુદ્ધિમત્તા છે.
તેમણે તણાં સૂત્રો સતત યાદ અપાવે છે, “ઓવરટેક નહીં, ઉતાવળ નહીં અને બેદરકારી નહીં.” આ ત્રણ નિયમો જીવન બચાવનારા મંત્ર સમાન છે. કારણ કે એક ક્ષણની ઉતાવળ માત્ર એક વ્યક્તિને નહીં, પરંતુ આખા પરિવારને જીવનભર માટે દુઃખ આપી શકે છે. તેઓ કહે છે કે નિયમો આપણને રોકવા માટે નથી, પરંતુ આપણને બચાવવા માટે છે. જો દરેક નાગરિક આ વાત સમજી જાય, તો માર્ગ અકસ્માતોના આંકડા આપમેળે ઘટી શકે.
