Final Up to date:
sugarcane worth addition: રાસાયણિક ખેતીથી થતી નુકસાનકારક અસરોને ધ્યાનમાં રાખીને હવે દિવસેને દિવસે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને આરોગ્યદાયક ખેતપેદાશોની વધતી માંગ પ્રાકૃતિક ખેતીને નવી ઓળખ આપી રહી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખેડૂત દિનેશભાઈ વઘાસિયાએ પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન દ્વારા સફળતાની અનોખી મિસાલ ઊભી કરી છે. શેરડીનું મૂલ્યવર્ધન કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.
બોટાદ: હાલ જોવા જઈએ તો દિનપ્રતિદિન ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોવાથી, ઉત્પાદન સારું મળી રહે છે. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીમાંથી મળતી ખેતપેદાશની માંગ પણ સતત વધી રહી છે. કેટલાક ખેડૂતો તૈયાર થયેલા પાકોનું સીધું વેચાણ કરતા નથી, પરંતુ તેનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરે છે, જેનાથી તેઓ બમણું ઉત્પાદન મેળવી શકતા હોય છે.
બોટાદ જિલ્લાના ગઢડામાં સ્થિત વૃંદાવન ફાર્મ પ્રાકૃતિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ છે. ખેડૂત દિનેશભાઈ વઘાસિયા કુદરતી સંસાધનો વડે ઉત્પાદન કરેલ જામફળ, સીતાફળ, આમળા, લીંબુ, કેરી અને અંજીર જેવા બાગાયતી ફળોનું મૂલ્યવર્ધન કરે છે. તેઓ શેરડીમાંથી જાતે જ ગોળ બનાવી વેચે છે. વર્ષમાં માત્ર 40 થી 45 દિવસ ઓર્ગેનિક ગોળ બનાવે છે, જેમાં રોજના 30 થી 35 મણ એટલે કે રૂપિયા 70 થી 80 હજારનો ગોળ બનાવે છે, જે વર્ષમાં 20 થી 22 લાખનો થાય છે. અન્ય ગોળ કરતા મોંઘો હોવા છતાં આરોગ્ય માટે લાભદાયી હોવાથી ગ્રાહકો તેને પસંદ કરે છે. સરકાર દ્વારા 33% સબસિડીની લોન હેઠળ ગોળ બનાવવાનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

ખેડૂત દિનેશભાઈએ જણાવ્યું કે તેઓ પાસે 15 એકર જમીન છે. છેલ્લા 30 વર્ષથી તેઓએ રોકડિયા પાકનું વાવેતર કે દવા છંટકાવ કર્યું નથી. તેમણે ઓર્ગેનિક ફાર્મિંગના વિચારો સાથે બાગાયત ખેતી અને ઉત્પાદન શરૂ કર્યું. હાલમાં તેઓના ખેતરમાં જમરૂખ, લીંબુડી, આંબા, આમળા, અંજીર અને સીતાફળ જેવા અનેક વૃક્ષો મોટી સંખ્યામાં છે. આ તમામ ફળોના માર્કેટમાં સીધા વેચાણથી ઓછો ભાવ મળે છે, તેથી મૂલ્યવર્ધન માટે આ ફળોમાંથી સાઈડ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. અંજીરનો જામ, જમરૂખનો પલ્પ, જામ, પાઉડર અને આઈસ્ક્રીમ બનાવી વેચાય છે. ઓર્ગેનિક કેરીનું સીધું વેચાણ થઈ જાય છે, પરંતુ આ વર્ષે કેરીનો પણ પાવડર બનાવવાનું આયોજન છે. આ રીતે સાઈડ પ્રોડક્ટથી બાગાયતી ફળોનું મૂલ્યવર્ધન થાય છે અને નફો વેપારીને નહીં, પરંતુ સીધા ખેડૂતોને મળે છે.
આ ઉપરાંત 10 એકર જમીનમાં તેઓ માત્ર શેરડીનું વાવેતર કરે છે, જેનો રસ કાઢીને પ્રાકૃતિક દેશી ગોળ બનાવી વેચાય છે. ગોળના ઉત્પાદન માટે દરરોજ 3 થી 3.50 ટન શેરડીનો રસ કાઢીને ગોળ બનાવવામાં આવે છે. દરરોજ અંદાજિત 30 મણ ઓર્ગેનિક ગોળ બનાવી વેચાય છે. 10 કિલોની પેટીમાં ગોળ પેક કરીને ઓર્ડર મુજબ અન્ય શહેરોમાં સપ્લાય પણ થાય છે. આ પ્રાકૃતિક ગોળનો માર્કેટમાં ભાવ ખૂબ સારો છે. વર્ષમાં 40 થી 45 દિવસમાં રૂપિયા 20 થી 22 લાખના ગોળનું ઉત્પાદન કરીને વેચાય છે. ફાર્મ ખાતે જ સ્ટોલ બનાવી તમામ ઉત્પાદનોનું રિટેલમાં વેચાણ થાય છે. આ ઉપરાંત, ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓર્ડરથી મંગાવવામાં પણ આવે છે.
Botad,Bhavnagar,Gujarat
Feb 09, 2026 10:29 AM IST
