LPG Disaster In India : એલપીજી અછત થી સામાન્ય વ્યક્તિથી લઇ હોટેલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝ અને ઉદ્યોગો ધંધા મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એલપીજી અછતના લીધે સુરતમાં રહેલા શ્રમિકો પરેશાન થઇ ગયા છે. ઓડિશાના ગંજમ જિલ્લાના બુગુડા વિસ્તારનો રહેવાસી 36 વર્ષીય સુદર્શન મહાકુંભ ગયા વર્ષે નવેમ્બરમાં સુરત આવ્યો હતો. તે એક વર્ષ પછી વતન પરત જવાનો હતો, પરંતુ દેશમાં ચાલી રહેલા એલપીજી સંકટ અને ઈરાન યુદ્ધને કારણે, સુદર્શન સમય પહેલા તેના ગામ પરત ફરી રહ્યો છે.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા સુદર્શન કહે છે, “છેલ્લા ત્રણ અઠવાડિયાથી રાંધણ ગેસની વ્યવસ્થા કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. અમારા જેવા ઘણા મજૂરો પાસે નિયમિત એલપીજી કનેક્શન નથી. અમે કાળાબજારમાં ઉપલબ્ધ 5 કિલોના સિલિન્ડર પર નિર્ભર છીએ, પરંતુ હવે તેના માટે પણ બજારમાં 500 રૂપિયાથી વધુની માંગ થઈ રહી છે. ”
દૈનિક વેતન ઓછું, ખર્ચ વધ્યો
આ કહાણી માત્ર સુદર્શનની જ નથી. ઈઝરાયલ ઈરાન યુદ્ધને કારણે પરિસ્થિતિ બગડ્યા બાદ સુરતમાં કામ કરતા ઓડિશાના ઘણા કામદારોને તેમના ઘરે પાછા ફરવાની ફરજ પડી છે. મોટાભાગના મજૂરો ગંજમ જિલ્લાના બુગુડા વિસ્તારના છે. તેમનું દૈનિક વેતન 300 થી 700 રૂપિયાની વચ્ચે છે, પરંતુ મોંઘવારી વધ્યા અને એલપીજી સંકટ પછી, તેઓ તેમની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી.
27 વર્ષના રાકેશ રાઉત કહે છે, “છેલ્લા બે-ત્રણ દિવસથી અમે ઘરની બહાર રસોઈ બનાવતા હતા, પરંતુ અમારા મકાનમાલિકે તેમ કરવાની ના પાડી. તેઓ અમને ઇન્ડક્શન સ્ટોવનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી રહ્યા ન હતા. આવી સ્થિતિમાં, ઘરે પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ નથી. ”
લોકડાઉનનો ડર, કોરોનાની યાદો
ગયા અઠવાડિયે ગંજમ જિલ્લાના ગુણધાર ગામના રહેવાસી દિલીપ કુમાર પણ તેમના પરિવાર સાથે ગામ પરત ફર્યા હતા. તે તેની પત્ની અને 7 વર્ષના બાળક સાથે ઘરે પહોંચ્યા હતા. “સિલિન્ડર રિફિલ કરાવવા માટે કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ તે જ દિવસે ગેસ ઉપલબ્ધ થશે તેની કોઈ ગેરંટી નહોતી. સુરતમાં કામ કરતા આ પ્રવાસી શ્રમિકોને પણ અફવાઓના કારણે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. સરકારે આગળ આવીને સ્પષ્ટ કર્યું છે કે કોઈ લોકડાઉન લાદવામાં આવી રહ્યું નથી, પરંતુ તેમ છતાં લોકો હજી પણ ડરી ગયા છે. ગંજામના અન્ય એક રહેવાસીએ જણાવ્યું હતું કે, “જો લોકડાઉન થયું તો કોરોના જેવી પરિસ્થિતિ ઊભી થશે. ”
