Amreli Information: લાઠી તાલુકામાં જળક્રાંતિ, 52 કિમી ગાગડિયો નદી પુનઃજીવિત થઈ, ખેડૂતોની કિસ્મત બદલાઈ

Amreli Information: લાઠી તાલુકામાં જળક્રાંતિ, 52 કિમી ગાગડિયો નદી પુનઃજીવિત થઈ, ખેડૂતોની કિસ્મત બદલાઈ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Water Conservation: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ અને આસપાસના વિસ્તારોમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરાયેલ જળક્રાંતિએ વર્ષોથી પાણીની તંગીથી પીડાતા ગામડાંઓને નવજીવન આપ્યું છે. સરોવર નિર્માણ અને 52 કિલોમીટર લાંબી ગાગડિયો નદીના પુનઃજીવનથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવ્યું છે, ખેતીમાં ક્રાંતિ સર્જાઈ છે અને ગામડાંઓમાંથી સ્થળાંતરની પ્રવૃત્તિ અટકી છે.

+

ધોળકિયા

ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નદીમાં પાણીનો સંગ્રહ

અમરેલી: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ અને આસપાસના વિસ્તારોમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરાયેલ જળક્રાંતિ આજે સમગ્ર વિસ્તારમાં આશાનું નવું પ્રતીક બની છે. વર્ષો સુધી પાણીની અછતથી પીડાતા આ ગામડાંઓમાં આજે સરોવર, પુનઃજીવિત નદી અને ઊંચા આવેલા ભૂગર્ભ જળસ્તરને કારણે ખેતી, પર્યાવરણ અને ગ્રામિણ જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. 52 કિલોમીટર વિસ્તારમાં વહેતી ગાગડિયો નદી આજે ઘૂઘવાટા કરતી વહે છે અને ત્રણ તાલુકાના 50થી વધુ ગામોના ખેડૂતો માટે જીવનદાયી સાબિત થઈ છે.

દુધાળા ગામ અને આજુબાજુના વિસ્તારોમાં અગાઉ પાણીની સ્થિતિ અત્યંત ગંભીર હતી. વરસાદી પાણીનો સંગ્રહ થતો ન હતો અને નદી-નાળા યોગ્ય રીતે વિકસિત ન હોવાથી મોટાભાગનું પાણી દરિયામાં વહી જતું. પરિણામે ખેતી માત્ર ચોમાસા પર આધારિત રહી જતી. એક જ સિઝનનો પાક લેવાતો, તે પણ અનિશ્ચિત. ખેતી ઉજ્જડ બનતી જતી અને ખેડૂતોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. આ પરિસ્થિતિના કારણે ગામડાંમાંથી મોટા પ્રમાણમાં લોકો રોજગાર માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં સ્થળાંતર કરવા લાગ્યા. ખેતરો ખાલી પડતા ગયા, જમીનો વેચાવા લાગી અને ગામડાં ધીમે ધીમે ખાલી થવાની દિશામાં આગળ વધી રહ્યાં હતા.

કનક પટેલે જણાવ્યું કે ફાઉન્ડેશન સાથે છેલ્લા 20 વર્ષથી સંકળાયેલા પાણી વગર ગામડાં ટકી શકે નહીં, આ સત્યને સમજતાં 2008માં જળક્રાંતિની શરૂઆત કરવામાં આવી. આ વિચાર સાથે લાઠીના દુધાળા ખાતે પ્રથમ સરોવર બનાવવામાં આવ્યું. આ સરોવર માત્ર પાણી સંગ્રહનું સાધન નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં બદલાવની શરૂઆત સાબિત થયું. શરૂઆતમાં સ્થાનિક લોકોમાં શંકા હતી, પરંતુ સમય જતાં સરોવરના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવા લાગ્યું. આસપાસના કૂવા અને બોરવેલોમાં પાણી વધવા લાગ્યું અને ખેતીમાં ફરી જીવ આવ્યો છે.

ધોળકિયા ફાઉન્ડેશનના પ્રેરણાસ્ત્રોત સવજીભાઈ ધોળકિયા સ્પષ્ટ શબ્દોમાં કહે છે, “જો પાણી હશે તો લોકો ગામ છોડીને નહીં જાય.” ભારત કૃષિપ્રધાન દેશ છે અને ગામડાં એ તેની રીડ છે. જો ગામડાં ખાલી થશે તો ખેતી, ઉત્પાદન અને આખું અર્થતંત્ર અસરગ્રસ્ત થશે, જે અંતે મોંઘવારી અને અન્ય સામાજિક સમસ્યાઓ ઊભી કરશે. આ દૃષ્ટિ સાથે ફાઉન્ડેશન દ્વારા માત્ર સરોવર નહીં, પરંતુ નદી પુનઃજીવન અને પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખીને વ્યાપક આયોજન હાથ ધરાયું છે.

માર્ચ 2017થી લાઠી તાલુકામાં પસાર થતી ગાગડિયો નદીના પુનઃજીવનનું મહત્ત્વાકાંક્ષી કાર્ય શરૂ થયું. 300 ફૂટ પહોળી, 25 ફૂટ ઊંડી અને લગભગ 52 કિલોમીટર લાંબી આ નદી ત્રણ તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાંથી પસાર થાય છે. નદીનું કામ શરૂ થયું ત્યારે પાણીનું TDS લગભગ 2000 હતું, જે ઉપયોગ લાયક ન હતું. સતત સફાઈ, યોગ્ય પહોળાઈ-ઊંડાઈ અને પાણી સંગ્રહના આયોજનથી નદીનું સ્વરૂપ બદલાયું. કામ પૂર્ણ થતાં TDS ઘટીને 400 સુધી આવ્યું અને નદીનું પાણી પીવા લાયક બન્યું. આજે નદીમાં પાણી ઘૂઘવાટા સાથે વહે છે અને આસપાસના વિસ્તારોમાં જીવન ફૂંકી રહ્યું છે.

ગાગડિયો નદીના પુનઃજીવનથી ત્રણ તાલુકાના લગભગ 52 ગામોને સીધો લાભ થયો છે. લાખો હેક્ટર જમીનમાં પાણીના તળ ઊંચા આવ્યા છે. જ્યાં પહેલાં પાણી માટે સંઘર્ષ હતો, ત્યાં આજે ખેતરોમાં સરળતાથી પાણી ઉપલબ્ધ છે. નદી પુનઃજીવન પહેલાં એક એકર જમીનની કિંમત માત્ર 5 લાખ રૂપિયા હતી. આજે તે જ જમીનનો ભાવ 15 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ માત્ર આર્થિક આંકડો નથી, પરંતુ પાણીના મૂલ્ય અને તેના કારણે આવેલા વિકાસનું પ્રતિબિંબ છે.

પાણીના અભાવે અગાઉ આ વિસ્તારમાં માત્ર ચોમાસામાં એક જ સિઝનની ખેતી શક્ય હતી. આજે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ત્રણ સિઝનમાં પાક લેવાઈ રહ્યા છે. ઘઉં, કપાસ, મગફળી જેવા પરંપરાગત પાકો ઉપરાંત હવે બાગાયતી ખેતી પણ શક્ય બની છે. કેળા, શેરડી, પપૈયા સહિત વિવિધ બાગાયતી અને સીઝનેબલ પાકો ખેડૂતો ઉગાડી રહ્યા છે. પરિણામે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને ગામડાંની આર્થિક સ્થિતિ મજબૂત બની છે.

આ પણ વાંચો: આ ગામના યુવાનોએ મગજનો 100 ટકા ઉપયોગ કર્યો! હવામાંથી નેટવર્ક ખેંચી લીધું, દેશી જુગાડ સામે એન્જિનિયર પણ માથું ખંજવાળે

દુધાળા ગામના પ્રગતિશીલ ખેડૂત ભુપતભાઈ મેસુરીયાએ જણાવ્યું કે, સરોવર અને નદીનું કામ શરૂ થાય તે પહેલાં તેમની પરિસ્થિતિ અત્યંત વિકટ હતી. ખેતીની જમીન હોવા છતાં પાણી નહોતું. માત્ર ચોમાસામાં એક પાક લઈ શકાતો અને આવક સીમિત હતી. સવજીભાઈ ધોળકિયા દ્વારા 52 કિલોમીટર લાંબી ગાગડિયો નદીનું પુનઃજીવન કરવામાં આવ્યું. આજે નદીમાં પાણી ઘૂઘવાટા સાથે વહે છે અને ખેતરોમાં પાણીના સ્ત્રોત ઉપલબ્ધ બન્યા છે. હવે અમે ત્રણ સિઝનમાં પાક લઈ શકીએ છીએ. આ વિસ્તાર જ્યાં પહેલાં બાગાયતી ખેતી શક્ય નહોતી, ત્યાં આજે કેળા, શેરડી, પપૈયા જેવા પાકોથી ખેતરો લીલાછમ છે. ત્રણ સિઝનની ખેતીથી લાખો રૂપિયાનું ઉત્પાદન મળી રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *