શ્રાવણ મહિનામાં આ ફરાળી સુખડી ખાધી કે નહિ?

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


જીવનશૈલી | રેસીપી | શ્રાવણ મહિનો શરૂ છે એમાં ઘણા લોકો ઉપવાસ કરે છે, કોઈપણ વ્રત કે ઉપવાસ દરમિયાન જો કંઈક ગળ્યું અને હેલ્ધી ખાવાનું મન થાય, તો આ ફરાળી સુખડી (Farali Sukhdi) એક ઉત્તમ વિકલ્પ છે. ઘઉંના લોટને બદલે ફરાળી લોટ (રાજગરા કે શિંગોડાનો લોટ), શુદ્ધ ઘી અને ગોળમાંથી બનતી આ સુખડી એકદમ સોફ્ટ, ટેસ્ટી અને ઈન્સ્ટન્ટ બની જાય છે.

ઉપવાસમાં શરીરમાં ઊર્જા જાળવી રાખવા માટે આ સુખડી ખૂબ જ ગુણકારી છે. માત્ર ૩ સામગ્રીમાંથી 10 જ મિનિટમાં તૈયાર થતી આ મોંમાં ઓગળી જાય તેવી ફરાળી સુખડી ઘરે બનાવો.

ફરાળી સુખડી રેસીપી 

સામગ્રી 

  • 1 કપ ઘી
  • 1 કપ ફરાળી લોટ
  • 1/2 કપ ગોળ

ફરાળી સુખડી બનાવવાની રીત

સુખડી બનાવતા પહેલા એક થાળી કે ટ્રેને થોડા ઘી વડે ગ્રીસ કરીને બાજુ પર રાખી દો. એક ભારે તળિયાવાળી કડાઈમાં 1 કપ ઘી ગરમ કરો. ઘી ઓગળે એટલે તેમાં 1 કપ ફરાળી લોટ ઉમેરો.

ધીમા તાપે ચમચા વડે સતત હલાવતા રહીને લોટને શેકો. લોટનો કલર હલકો બદામી થાય અને તેમાંથી સરસ સુગંધ આવવા લાગે (લગભગ 5 મિનિટ) ત્યાં સુધી શેકવો.

લોટ બરાબર શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરો અથવા ગેસ બંધ કરી દો, હવે તેમાં 1/2 કપ ઝીણો સમારેલો ગોળ ઉમેરો.

ગોળને ગરમ લોટ અને ઘીના મિશ્રણમાં ઝડપથી મિક્સ કરી લો જેથી ગોળ ઓગળી જાય.

ગોળ ઓગળીને મિશ્રણ એકરસ થઈ જાય એટલે તરત જ તેને ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લો. વાટકીના પાછળના ભાગે થોડું ઘી લગાવીને મિશ્રણને થાળીમાં એકસરખું પાથરીને સમતલ કરી લો.

સુખડી સહેજ ગરમ હોય ત્યારે જ ચપ્પુ વડે તેમાં ચોરસ કે કાજુ કતરી આકારના ટુકડા પાડી લો. પૂર્ણપણે ઠંડી થાય એટલે તેના ટુકડા અલગ કરી લો. 

તૈયાર છે તમારી સોફ્ટ અને પૌષ્ટિક ફરાળી સુખડી! તેને એર-ટાઈટ કન્ટેનરમાં ભરીને ઉપવાસ દરમિયાન આરામથી ખાઈ શકો છો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *