Final Up to date:
સામાન્ય રીતે બટાકાની ખેતી એટલે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો અતિરેક માનવામાં આવે છે, પરંતુ પાટણના ગોલાપુર ગામના ખેડૂત ઉમેદસિંહ સોલંકીએ આ માન્યતાને ખોટી સાબિત કરી છે. 59 વર્ષીય પ્રગતિશીલ ખેડૂતે ગાયના છાણિયા ખાતરનો ઉપયોગ કરી સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી બટાકાનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. જ્યાં ડીસા જેવા વિસ્તારોમાં કેમિકલના જોરે 70 દિવસમાં પાક લેવાય છે, ત્યાં ઉમેદસિંહે 120 દિવસનો કુદરતી સમય આપીને સ્વાસ્થ્યવર્ધક બટાકા તૈયાર કર્યા છે.
પાટણ: પાટણ જિલ્લાના ગોલાપુર ગામના પ્રગતિશીલ ખેડૂતોએ બટાકાની ખેતીમાં એક અનોખો અને પ્રેરણાદાયક પ્રયોગ કરીને નવી દિશા દર્શાવી છે. સામાન્ય રીતે બટાકાની ખેતીમાં મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ગોલાપુર ગામના ખેડૂત ઉમેદસિંહ સોલંકી અને સરપંચ દિલીપસિંહ મારુએ ગાય આધારિત સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિ અપનાવી બટાકાનું સફળ ઉત્પાદન મેળવ્યું છે. આ પ્રયોગ બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠા જેવા બટાકા ઉત્પાદક વિસ્તારોને પણ ટક્કર આપે તેવો બની રહ્યો છે.
ગોલાપુર ગામમાં સામાન્ય રીતે બટાકાનું વાવેતર થતું નથી. અહીં મુખ્યત્વે ગાજર, રાયડો અને એરંડા જેવા પાકોનું વાવેતર થાય છે. તેમ છતાં ખેડૂત ઉમેદસિંહ સોલંકીએ પ્રથમ વખત પ્રાયોગિક ધોરણે બટાકાનું વાવેતર કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે બટાકાની ખેતીમાં યુરિયા, ડીએપી અને સલ્ફેટ જેવા રાસાયણિક ખાતરોનો વ્યાપક ઉપયોગ થાય છે, પરંતુ આ પ્રયોગમાં માત્ર દેશી ગાયના છાણિયું ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખેતરમાં અંદાજે 25 થી 30 ટ્રોલી જેટલું છાણિયું ખાતર નાખીને પાક તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વાપર્યા વગર પણ બટાકાનું કદ અને ગુણવત્તા ખૂબ સારી જોવા મળી છે.

ખેડૂત ઉમેદસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા બે વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને જમીનમાં કોઈપણ પ્રકારના કેમિકલ ખાતરનો ઉપયોગ કરતા નથી. તેમની ઉંમર હાલ 59 વર્ષ છે અને ખેતીમાં લાંબા અનુભવના આધારે તેમણે આ પ્રયોગ હાથ ધર્યો હતો. બટાકાના વાવેતરમાં બિયારણ, ખેડ ખર્ચ અને અન્ય ખર્ચ મળીને અંદાજે 15000 રૂપિયા જેટલો ખર્ચ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. બજારમાં હાલમાં બટાકાનો ભાવ 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો જેટલો ચાલી રહ્યો છે, પરંતુ ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલા બટાકા માટે ગ્રાહકો વધારે ભાવ ચૂકવવા તૈયાર છે. ઉમેદસિંહ સોલંકી પોતાના ખેતરેથી જ લગભગ 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બટાકાનું વેચાણ કરી રહ્યા છે. લોકો શુદ્ધ અને ઝેરમુક્ત ખાદ્ય વસ્તુઓ મેળવવા માટે સીધા ખેતર પર આવી બટાકા ખરીદી રહ્યા છે. આથી ખેડૂતને યોગ્ય ભાવ પણ મળી રહ્યો છે અને ગ્રાહકોને પણ ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થ મળે છે.

ખેતીના આ સફળ પ્રયોગ અંગે ઉમેદસિંહ દરબારે જણાવ્યું હતું કે, કેમિકલયુક્ત ખેતીને કારણે કેન્સર જેવા ગંભીર રોગોના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જે સમાજ માટે ચિંતાજનક બાબત છે. દવાઓ પર ઝેર લખેલું હોવા છતાં તેનો અતિશય ઉપયોગ કરવામાં આવે છે, જે ધરતી માતા અને માનવ સ્વાસ્થ્ય બંને માટે જોખમી છે. પ્રથમ જ પ્રયાસે મબલખ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળતા અન્ય ખેડૂતો પણ ઝેરમુક્ત ખેતી તરફ વળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ડીસા અને સાબરકાંઠાના વિસ્તારોમાં બટાકાને વહેલા તૈયાર કરવા માટે કેમિકલનો ઉપયોગ કરીને લગભગ 70 દિવસમાં પાક લઈ લેવાય છે, જ્યારે ગોલાપુરમાં કુદરતી રીતે 120 દિવસનો સંપૂર્ણ સમય આપીને પાક તૈયાર કરવામાં આવ્યો છે. ઉત્પાદનની દ્રષ્ટિએ ઓર્ગેનિક ખેતીમાં પ્રતિ વીઘા અંદાજે 70 થી 100 કટ્ટા જેટલા બટાકા થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગોલાપુર ગામના ખેડૂતોએ કરેલો આ પ્રયોગ માત્ર ખેતી માટે જ નહીં પરંતુ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે પણ મહત્વપૂર્ણ સંદેશ આપે છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો ઓછા ખર્ચે સારી ગુણવત્તાનો પાક મેળવી શકે છે. આ સફળતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે અને ભવિષ્યમાં વધુ ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Mar 16, 2026 10:02 AM IST
