Final Up to date:
ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના કોચ જીતેન્દ્ર સિંહે ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે. હાર્દિકના કોચે ટીમ ઇન્ડિયા ફાઈનલમાં વિજેતા બને એવી શુભેચ્છાઓ પાઠવી છે.
વડોદરા: T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ આડે હવે ગણતરીની કલાકો બાકી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચે રમાનાર ખિતાબી મેચ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ અમદાવાદમાં પહોંચી ચૂકી છે. ભારતે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને સાત રને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે. અત્યાર સુધીની ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાનું પરિણામ એકંદરે સારું રહ્યું છે. ખાસ કરીને જે રીતે ઇંગ્લેન્ડ સામે ભારતે જે પ્રદર્શન કર્યું તેના લીધે તે ફાઈનલમાં જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
ટી20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધુ પ્રભાવિત કર્યા હોય તો તે ગુજરાતી ખેલાડીઓ છે. અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે જે રીતે પ્રદર્શન કર્યું તેના લીધે જ ભારત હાલ ફાઈનલ સુધી પહોંચી શક્યું છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના કોચ જીતેન્દ્ર સિંહે ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે. હાર્દિકના કોચે ટીમ ઇન્ડિયા ફાઈનલમાં વિજેતા બને એવી શુભેચ્છાઓ પાઠવી છે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના કોચ જીતેન્દ્ર સિંહે કહ્યું કે, “ટીમ તરીકે જો તમામ ખેલાડી કેચિંગ, ફિલ્ડિંગ, બોલિંગ અને બેટિંગમાં વ્યક્તિગત રીતે સારું પ્રદર્શન કરશે તો ટીમ ઇન્ડિયાને વધારે મુશ્કેલી પડે એવું લાગતું નથી.” જો કે સાથે તેઓએ એવું પણ કહ્યું કે, “ન્યૂઝીલેન્ડની ટીમ લાંબા સમયથી ઇન્ડિયામાં છે એટલે પરિસ્થિતિઓને સારી રીતે જાણે છે, જેથી મેચમાં કાંટાની ટક્કર જોવા મળી શકે.”
હાર્દિક પંડ્યાને લઈને વાત કરતા જીતેન્દ્ર સિંહે કહ્યું કે, “હાર્દિકે આખી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેના પર સૌથી વધુ આશા છે અને ગેમ ચેન્જર છે. તે જ્યારે પણ ટીમ માટે રમે છે ત્યારે ટીમને વિજેતા બનાવે એનું ધ્યાન રાખે છે. ત્યારે આશા રાખું છું ફાઈનલમાં ટીમ સારું રમે અને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવે. “અંતે તેઓએ કહ્યું કે, “ગુજરાતનો જ છોકરો છે અને તે દેશ માટે રમે તે ગર્વની વાત છે અને અહીં આવીને તે ભારતને ચેમ્પિયન બનાવે તેનાથી ગર્વની વાત શું હોઈ શકે.”
ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં બોલ અને બેટ દ્વારા શાનદાર પ્રદર્શન કર્યું છે. ટુર્નામેન્ટમાં તે ટીમ માટે ફિનિશર તરીકે ઝડપથી રન બનાવી રહ્યો છે. સાથે સાથે જ્યારે ટીમને જરૂર હોય ત્યારે વિકેટ પણ કાઢી આપે છે. ખાસ કરીને તેણે ઇંગ્લેન્ડ સામે ડેથ ઓવરમાં શાનદાર ઓવર ફેંકી ટીમ ઇન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે હવે ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલમાં હાર્દિક પંડ્યા કેવું પ્રદર્શન કરશે તે જોવું રહ્યું.
Vadodara,Gujarat

