Final Up to date:
સિમર ગામમાં પતિએ પત્નીની હત્યા કરી છે, આ ઘટનાએ શોક અને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. દંપતી વચ્ચે અગાઉ મતભેદ તો થતા હતા, પરંતુ બાબત આ હદે પહોંચશે તેવી કોઈએ કલ્પના નહોતી કરી. પોલીસ દ્વારા પતિની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.
ગીર સોમનાથ : જિલ્લાના સિમર ગામે ઘરકંકાસની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. પારિવારિક વિવાદના પગલે પતિએ પોતાની પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી પતિને પોતાની પત્ની પર અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા હતી. આ શંકાને કારણે દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વારંવાર બોલાચાલી અને તણાવ રહેતો હતો. ઘટનાના દિવસે પણ આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો હતો. માહિતી અનુસાર, પત્ની ઘરનાં રસોડામાં રસોઈ બનાવી રહી હતી ત્યારે પતિ સાથે ફરી બોલાચાલી શરૂ થઈ હતી. વાત વધતા આરોપીએ લોખંડના દસ્તા જેવા તીક્ષ્ણ હથિયારથી પત્ની પર પ્રહાર કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
જોકે હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વિવિધ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અને પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સાથે સાથે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસ અને શંકાને કારણે ગુનો આચરાયો હોવાનું સામે આવ્યું છે, જોકે પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ ધપાવી છે.
આ બનાવે પગલે સિમર ગામમાં શોક અને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે અને દંપતી વચ્ચે અગાઉ પણ મતભેદ થતા હતા, પરંતુ બાબત આ હદે પહોંચશે તેવી કોઈએ કલ્પના નહોતી કરી. પોલીસ દ્વારા આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.

