Final Up to date:
સંજુ સેમસનની 97 રનની ઇનિંગની મદદથી ભારતે સુપર 8માં વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં એન્ટ્રી કરી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 196 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
નવી દિલ્હી: સંજુ સેમસનની 97 રનની ઇનિંગની મદદથી ભારતે સુપર 8માં વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં એન્ટ્રી કરી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 196 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કરો યા મરોની આ મેચમાં ભારતે છેલ્લી ઓવરમાં 4 બોલ બાકી રાખતા જીત મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે મેચમાં ટોસ હાર્યા બાદ સ્કોરને ડિફેન્ડ કરતા ટીમ ઇન્ડિયાને બરોબરની ટક્કર આપી હતી, પરંતુ ખરાબ બોલિંગના કારણે તેઓએ મેચ ગુમાવવી પડી.
12મા ઓવર સુધી વેસ્ટ ઇન્ડિઝની ટીમ મેચમાં ભારત સાથે લગભગ બરાબરી પર હતી. પરંતુ 13મી ઓવરમાં સંજુ સેમસન અને તિલક વર્માએ મળીને ટીમ ઇન્ડિયા માટે 17 રન બનાવ્યા અને મેચ વેસ્ટ ઈન્ડિઝથી દૂર કરી દીધી. ભારતીય ટીમ માટે આ ઓવર સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી આ 13મી ઓવર શમાર જોસેફે ફેંકી હતી, જેમાં ચાર ચોગ્ગા પડ્યા હતા. 12 ઓવર પછી ટીમ ઇન્ડિયાનો સ્કોર 103/3 હતો, પણ 13મી ઓવર પછી સ્કોર 120 પર પહોંચી ગયો. ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ મેચ પર પોતાની પકડ મજબૂત જ રાખી. આ ઓવરથી વેસ્ટ ઈન્ડિઝના બોલર્સ દબાણમાં આવી ગયા, જેના કારણે તેમની લાઇન-લેન્થ બગડી અને સાથે જ ખરાબ ફિલ્ડિંગના કારણે પણ ભારતને ફાયદો થયો.
વેસ્ટ ઈન્ડિઝ સામેની રોમાંચક જીતમાં સંજુ સેમસન ઓપનિંગ કરવા આવ્યો અને અંત સુધી નોટઆઉટ રહ્યો. તેણે 50 બોલમાં 97 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. એટલું જ નહીં, સંજુએ T20 વર્લ્ડ કપમાં ચેઝ કરતી વખતે ભારતીય ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
જણાવી દઈએ કે, આ T20 વર્લ્ડ કપમાં ખરાબ ફોર્મને કારણે સંજુને તક મળી નહોતી, પણ ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે પ્લેઇંગ ઇલેવનમાં તેની વાપસી થઈ. ત્યારબાદ ઈડન ગાર્ડન્સમાં સંજુએ ટીમ મેનેજમેન્ટના વિશ્વાસને સાચો ઠેરવતા ઐતિહાસિક ઇનિંગ રમી અને ટીમ ઇન્ડિયાને જીત અપાવી.
સુપર-8માં દક્ષિણ આફ્રિકા સામે હાર પછી ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બન્યું હતું. ભારતીય ટીમને બાકી રહેલી બંને મેચ જીતવી જરૂરી હતી. પહેલી હાર પછી ભારતે પહેલા ઝિમ્બાબ્વે સામે જીત મેળવી. ત્યારબાદ વેસ્ટઇન્ડીઝ સામે પણ જીત મેળવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી. હવે ટીમ ઇન્ડિયાનો સેમિફાઇનલ મેચ 5 માર્ચે ઇંગ્લેન્ડ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
Mar 01, 2026 11:56 PM IST

