ભાજપના સિનિયર નેતા અને પૂર્વ મંત્રી બચુ ખાબડ રોજ વિધાનસભામાં આવે છે પરંતુ શું કરે છે તેની ખબર પડતી નથી. મનરેગા યોજનામાં કિરણ અને બળવંત નામના બે પુત્રોના કરતૂતોના કારણે તેમનું મંત્રીપદ છીનવાઈ ગયું હતું. આ કૌભાંડના કારણે સરકારની છબી ખરડાઈ હતી. મંત્રીમંડળના પરિવર્તન સમયે તેમને દૂર કરી દેવામાં આવ્યા હતા. પુત્રોના કૌભાંડ બહાર આવ્યા હોવા છતાં રાજ્ય સરકારે પિતા મંત્રી સામે વિલંબથી કાર્યવાહી કરી હતી. 70 કરોડ કરતાં વધુ રકમના કૌભાંડમાં બન્ને પુત્રોની ધરપકડ થઈ હતી. એક સમયે તેમના મંત્રીપદનો વિરોધ થયો હતો અને સરકારી કાર્યક્રમોમાંથી પણ તેમને પડતા મૂકવામાં આવ્યા હતા. આશ્ચર્યની બાબત એવી હતી કે બન્ને પુત્રોની ધરપકડ થયા પછી તેઓ સંપર્ક વિહોણાં થઈ ગયા હતા. જોકે હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે તેઓ હાજરી આપે છે પરંતુ કોઈ એક્ટિવિટી જોવા મળતી નથી. મંત્રીપદ ગુમાવેલા આ ધારાસભ્ય વિધાનગૃહમાં આવીને કરે છે શું તે સચિવાલયના કર્મચારીઓ અને મંત્રીમંડળના સભ્યોને સમજાતું નથી.
ગુજરાતમાં સામાન્ય રીતે પોલીસ ઉપર માછલાં ધોવાતા હોય છે. પોલીસ કરપ્ટ છે અને લોકોને હેરાન કરે છે. પોલીસ ફરિયાદ લેતી નથી. આરોપીઓને છાવરે છે. આવા આક્ષેપો અવારનવાર થતાં હોય છે પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓ ઘણાં સંવેદનશીલ જોવા મળે છે. પોલીસની નોકરીમાં આઇપીએસ અધિકારી દીપક મેઘાણી અને નિર્લિપ્ત રાય પછી હવે એક મહિલા આઇપીએસ અધિકારી લેખક અને કવિ બની રહ્યાં હોવાની વાત સામે આવી છે. દીપક મેઘાણીએ ઘણી કવિતાઓ લખી છે અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ વંચાઈ રહી છે. નિર્લિપ્ત રાય પણ શબ્દભંડોળના શોખીન જીવ છે. હવે મહિલા અધિકારી એક પુસ્તક બહાર પાડવા જઈ રહ્યાં છે જેમાં એક કવિતાનો સંગ્રહ છે અને એક રોમાન્ટિક નવલકથા છે. સાહિત્યપ્રેમી પોલીસ અધિકારીઓ ફરજમાં ભલે કડક છાપ દેખાડતા હોય પરંતુ મન અને દિલથી તેઓ મૃદુભાષી હોય છે અને તેનો પરિચય તેમના લખાણથી થાય છે. સાહિત્યરસિક માનસ હોય તો કોઈપણ પોલીસ અધિકારી સામાન્ય નાગરિકનું ખોટું કરી શકે નહીં, કારણ કે તેમના દિલમાં કરુણા અને સંવેદનશીલતા સમાયેલી હોય છે.
ગુજરાત સરકારના સિવિલ લિસ્ટમાં ઘણાં લાંબા સમય પછી ઓથોરાઇઝ્ડ સ્ટ્રેન્થમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યને નવા 15 આઇએએસ અધિકારીઓ મળવાના છે જેમાં સીધી ભરતી દ્વારા લેવામાં આવતા અને રાજ્ય સેવામાંથી બઢતી મેળવતા અધિકારીઓનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે આઇએએસ કેડરમાં પ્રમોશન મેળવ્યું છે તેવા અધિકારીઓને હાલ યથાવત સ્થાને રાખવામાં આવેલા છે. રાજ્યમાં ગમે તે સમયે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત થવાની છે ત્યારે સરકારે આઇએએસની સાથે આઇપીએસ અધિકારીઓના નવા પોસ્ટિંગ વિચારી રાખ્યા છે, જે માર્ચ મહિનામાં થવાની શક્યતા છે. રાજ્યના વહીવટી તંત્રમાં અધિકારીઓની ઘટને કારણે એક ડઝન કરતાં વધુ એવી સિનિયર પોસ્ટમાં એડિશનલ ચાર્જ સુપરત કરવામાં આવેલા છે. કેટલાક અધિકારીઓને બે થી ત્રણ વિભાગના ચાર્જ સોંપવામાં આવેલા છે. પોલીસ વિભાગમાં પણ પ્રમોશન પછી બદલીના ઓર્ડરની મહિનાઓથી રાહ જોવાઈ રહી છે. આ સંજોગોમાં એવું જાણવા મળ્યું છે કે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડરની પ્રક્રિયા શરૂ થશે.
ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અને વડાપ્રધાન તેમજ ગૃહમંત્રીના નજીકના વિશ્વાસુ ગણાતા કે. કૈલાસનાથન અત્યારે પુડુચેરીમાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુડુચેરીમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. એક સમયે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં દોઢ દસકાની સેવાઓ પછી કૈલાસનાથન પુડુચેરીના વિકાસમાં સામેલ થયાં છે ત્યારે પુડુચેરીથી કેરળ અને સાઉથ ઇન્ડિયામાં ભાજપનો માર્ગ મોકળો બન્યો છે. 20 લાખથી ઓછી વસતી ધરાવતા આ કેન્દ્રશાસિત પ્રદેશમાં એપ્રિલ મહિનામાં ચૂંટણી થવાની છે. આ પહેલાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. પુડુચેરી સાથે પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ અને કેરળમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. કૈલાસનાથનનો પ્રભાવ અત્યારે પુડુચેરીમાં છે પણ તેની અસર કેરળ વિધાનસભાની ચૂંટણીમાં પણ થઈ શકે છે.
ભારત સરકારે લોકસભા, રાજ્યસભા અને દેશની વિવિધ વિધાનસભા માટે નેવા નામની વેબસાઇટ અને એપ્લિકેશન લોન્ચ કરી છે. અત્યારે નેવા મારફતે ગુજરાત વિધાનસભાની ગતિવિધિઓ ખબર પડે છે પરંતુ વિધાનસભાની એક સમયની સમૃદ્ધ લાયબ્રેરીના સર્વરનો બધો ડેટા ક્રેશ થયો હોવાની માહિતી છે. જૂના અને જર્જરિત થયેલા ફિઝિકલ ડેટા સચવાયેલા પડ્યા છે પરંતુ રિનોવેશન પછી કી-વર્ડથી શોધી શકાય તેવો તમામ ડેટા ક્રેશ થઈ ગયો છે. આ સ્થિતિ વિધાનસભાના રિનોવેશન પછી બહાર આવી છે. આશ્ચર્ય એ બાબતનું છે કે વિધાનસભાની આ લાયબ્રેરીનું કામ સંભાળતો મોટાભાગનો સ્ટાફ નિવૃત્ત થઈ ગયો છે અને નવા સ્ટાફને ડેટાની સ્થિતિ અંગે કોઈ જ્ઞાન નથી. તેથી હવે આ ડેટા પાછો કેવી રીતે આવે તે અંગે ટેકનિકલ નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આ પરિસ્થિતિથી અજાણ છે કે તેઓ જાણે છે કે કેમ તેની જાણ નથી પરંતુ હાલ ડેટા પાછો મેળવવાની કસરત ચાલી રહી છે.
ગુજરાત અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલની અવધિ ઘણાં સમય પહેલાં સમાપ્ત થઈ ચૂકી છે. હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલનો ચાર્જ પણ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળી રહ્યાં છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ રાજ્યપાલ છે. નવી નિયુક્તિ થશે નહીં ત્યાં સુધી આ બન્ને રાજ્યપાલ ફરજ પર ચાલુ રહી શકે છે. જો કે સચિવાલય અને વિધાનસભામાં એવી વાતો ઊડી રહી છે કે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહને કોઈ રાજ્યમાં રાજ્યપાલ બનાવવામાં આવશે. આ નામ કેવી રીતે સામે આવ્યું અને કોણે આ નામ વહેતું કર્યું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતના રાજ્યપાલની નિયુક્તિને છ વર્ષ અને 221 દિવસનો સમય થયો છે જ્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલને છ વર્ષ 214 દિવસ થયાં છે. પુડુચેરીના એલજી તરીકે કૈલાસનાથનની નિમણૂક 7મી ઓગષ્ટ 2024ના રોજ થઈ હતી.
ગુજરાતમાં ચૂંટાયેલી પાંખનું વર્ચસ્વ છે કે વહીવટી તંત્રમાં બેઠેલા અધિકારીઓનું તે સમજી શકાતું નથી, કારણ કે વધુ એક વખત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોના અવમાન અને દુર્વ્યવહાર અંગે પ્રશ્ન ઉઠાવી પ્રજાના પ્રતિનિધિઓનો આદર કરવા માટે આદેશ કરવો પડ્યો છે. સરકાર સમક્ષ આવેલી સંખ્યાબંધ ફરિયાદો પછી ઉચ્ચકક્ષાએ નિર્ણય કરીને આવો પરિપત્ર કરવાની નોબત આવી છે. પ્રોટોકોલ વિભાગના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીએ આદેશમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર તરફથી યોજાતા કાર્યક્રમો, બેઠક વ્યવસ્થા અને આમંત્રણ પત્રમાં નામ ઉલ્લેખ જેવી બાબતોમાં ધ્યાન રાખવા કહેવાયું છે.
વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ પણ આ બાબતે સરકારને ફરિયાદ કરી છે. ખાસ કરીને એવું જણાવાયું છે કે મંત્રીઓ જિલ્લામાં પ્રવાસ કરતાં હોય ત્યારે ગરિમાપૂર્ણ આવકાર આપવો પડશે. જાહેર કાર્યક્રમો અને સરકારી કચેરીની મુલાકાત સમયે જનપ્રતિનિધિઓનું માન જળવાય તેવો વ્યવહાર કરવાનો રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી કાર્યક્રમોના આયોજન વખતે જે તે જિલ્લાના પ્રભારી મંત્રીને સંકલનમાં રાખીને કાર્યક્રમોનું આયોજન કરવાનું રહેશે. અધિકારીઓને એવી સૂચના આપવામાં આવી છે કે વીઆઇપી મુલાકાતીઓને રાહ જોવડાવ્યા વિના તુરંત સાંભળવાના રહેશે.
પ્રાથમિક શિક્ષકો અંગે શિક્ષણ વિભાગે કરેલો આદેશ અધૂરો છે, કારણ કે શિક્ષકોને બિન શૈક્ષણિક કામ નહીં કરવા અંગે હજી સરકારની વિચારણા ચાલી રહી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે આદેશ તો કર્યો છે પરંતુ ડિઝાસ્ટર સિચ્યુએશન, ચૂંટણીઓ અને વસતી ગણતરી સિવાય શિક્ષકોને અન્ય કોઈ કામગીરી નહીં સોંપવા અંગે વિચારણા ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે એકાદ મહિનામાં આ મુદ્દે સત્તાવાર નોટિફિકેશન આવશે.
અત્યારે ડીઇઓને લેખિત સૂચના આપવામાં આવી છે. શિક્ષક મંડળો અને એસોસિયેશન તરફથી આવેલી રજૂઆત બાદ સરકાર એવું ઈચ્છે છે કે શિક્ષકોને રાષ્ટ્રીય હિત સિવાયની કામગીરી કરવા ફરજ પાડી શકાશે નહીં. આ મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે સરકારે શિક્ષકોને રખડતાં શ્વાનની ગણતરી કરવાનો આદેશ કર્યો હતો અને ત્યારપછી ઉગ્ર વિરોધ વ્યક્ત કરી વિવિધ મંડળોએ સરકારમાં આવું કામ નહીં સોંપવાની રજૂઆત કરી હતી. સામાન્ય રીતે સરકાર કોઈપણ સર્વે કરાવે છે ત્યારે તેને શિક્ષકો અને તલાટીઓ જ યાદ આવે છે.
આરટીઆઇમાં જ્યારે અરજદાર માહિતી માગે છે ત્યારે વિભાગના જવાબદાર અધિકારીઓ કોઈને કોઈ બહાને વિગતો આપવાનું ટાળી રહ્યાં છે. તાજેતરમાં જ ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક પારૂલ મણિયારે પણ એવું જ કર્યું છે. તેમણે માહિતી આપવાની જગ્યાએ અરજદાર પાસેથી ગેરકાયદે 530 રૂપિયા વસૂલ કર્યા હતા. એટલું જ નહીં, અરજદારે માગેલી માહિતી અંગે 10 દિવસમાં સ્પષ્ટ જવાબ આપવા નાયબ માહિતી નિયામકને આદેશ કર્યો હતો.
ફરિયાદીએ માહિતી આયોગ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમણે પોતાની અરજીમાં જે માહિતી માગી જ ન હતી તે માહિતીના નામે અધિકારીએ રૂપિયા વસૂલ કરી ખોટી અને અધૂરી ગેરમાર્ગે દોરનારી માહિતીની નકલો આપી હતી. આ કેસની સુનાવણી દરમિયાન અધિકારીએ ગંભીર ભૂલ સ્વીકારવાને બદલે બચાવ કરી અખબારની નોંધણી રજિસ્ટરના પાના આપીને અભિપ્રાય આપ્યો હોવાનો દાવો કર્યો હતો પરંતુ આયોગે તેમની દલીલને કડક શબ્દોમાં નકારી કાઢી હતી. આયોગે કહ્યું હતું કે અભિપ્રાય અને અખબારની નોંધણી રજિસ્ટરની નકલ વચ્ચેનો તફાવત ન સમજવો એ જાહેર માહિતી અધિકારીની ગંભીર અયોગ્યતા અને કાયદાની અજ્ઞાનતાનું પ્રતિબિંબ છે.
