Final Up to date:
નર્મદા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં દીપડાના હુમલામાં 4 લોકોના મોત અને 10 લોકો ઘાયલ થયા છે, તેમજ 8 કાળિયાર હરણોના મોત થયા છે. સરકાર દ્વારા મૃતક અને ઈજાગ્રસ્તોને સહાય આપવામાં આવી છે અને વન વિભાગ સતર્ક હોવાની વાત વનમંત્રીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરી છે.
ગાંધીનગર: હાલના સમયમાં રખડતા ઢોર તથા શ્વાનના આતંકની ઘટનાઓ સાથે સાથે જંગલી પ્રાણીઓના જીવલેણ હુમલાની ઘટના પણ વધી રહી છે. ત્યારે આ ગંભીર મુદ્દો હાલ ગાંધીનગર વિધાનસભામાં ચાલી રહેલા ગુજરાત બજેટ સત્ર 2026-27માં ચર્ચાયો હતો. જેમાં ખાસ તો નર્મદા જિલ્લામાં દીપડાનો આતંક વધ્યો હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા બે વર્ષમાં દીપડાના હુમલામાં 4 લોકોના મોત અને 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.
વિગતે વાત કરીએ તો, ગુજરાત વિધાનસભામાં હાલ રાજ્યના 2026-27 માટેનું બજેટ સત્ર ચાલુ રહ્યું છે. જેમાં ગૃહમાં પશુપાલન વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વન અને પર્યાવરણ વિભાગના પ્રશ્નો ગૃહમાં ઉઠ્યા હતા. આ દરમિયાન નર્મદા જિલ્લામાં દીપડા દ્વારા માનવો અને વન્યજીવો પર થતા હુમલાઓની ઘટનામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હોવાનો મુદ્દો ચર્ચાયો હતો.
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મુદ્દે ગૃહમાં પૂછતા રાજ્યના વન મંત્રીએ જવાબમાં જણાવ્યું હતું કે, ગત 1 જાન્યુઆરી 2024થી 20 જાન્યુઆરી 2026 સુધીના સમયગાળામાં દીપડાએ માનવો પર અનેક હુમલા કર્યા છે. જેમાં વર્ષ 2024માં નોંધાયેલા આંકડા અનુસાર દીપડાના માનવ પર હુમલાના 6 બનાવો નોંધાયા હતા, જેમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઉપરાંત વર્ષ 2025માં પણ દીપડાના હુમલાના 6 બનાવો બન્યા હતા, જેમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને 5 લોકો ઘાયલ થયા હતા. જ્યારે વર્ષ 2026ના ફક્ત 20 જાન્યુઆરી સુધી વર્ષના શરૂઆતના 20 દિવસોમાં જ 2 હુમલાના બનાવો સામે આવ્યા છે, જેમાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. આમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં દીપડાના હુમલામાં 4 લોકોના મોત થયા છે અને 10 લોકો ઈજા પામ્યા છે.
વધુમાં માનવ સાથે દીપડાએ કાળિયાર હરણો પર હુમલો બનાવની ઘટના પણ બની છે. માત્ર માનવો જ નહીં, પરંતુ નિર્દોષ વન્યજીવો પણ દીપડાનો શિકાર બની રહ્યા છે. જેના આંકડા જણાવ્યા મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2025માં દીપડાએ કાળિયાર હરણો પર હુમલો કર્યો હતો, જેમાં એક જ બનાવમાં 8 કાળિયાર હરણોના મોત થયા હતા.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવેલી સહાય અંગે પેટા પ્રશ્નમાં વન વિભાગ દ્વારા આ દુર્ઘટનાઓનો ભોગ બનેલા પરિવારોને આર્થિક વળતર અંગેની માહિતી આપી હતી. જે મુજબ માનવ મૃત્યુના કિસ્સામાં વર્ષ 2024માં રૂ. 15 લાખ અને વર્ષ 2025માં રૂ. 10 લાખની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્તો માટે વર્ષ 2024માં રૂ. 45 હજાર તેમજ વર્ષ 2025માં 2.60 લાખ અને 2026ના જાન્યુઆરી માસ સુધીમાં રૂ. 20,000ની સહાય આપવામાં આવી છે.
આમ નર્મદા જિલ્લામાં દીપડાના વધતા જતા હુમલાઓને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જે મામલે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોક માંગને લઈને વન વિભાગ આ મામલે સતર્ક હોવાની વાત રાજ્યના વનમંત્રીએ ગૃહમાં રજૂ કરી હતી.
Narmada,Gujarat

