Final Up to date:
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 3 વર્ષ પહેલા 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આરોપી સગીરાને રાજસ્થાન લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
અમદાવાદ: શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગત 24 એપ્રિલ 2022ના રોજ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદની વિગતો મુજબ આરોપી ફેઝાન ચૌધરીએ 13 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અમદાવાદથી લઈ જઈ રાજસ્થાનના અજમેર ખાતે ભાગ્યો હતો. બાદમાં અજમેર ખાતે હોટેલમાં રોકાઈ સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા અને બાદમાં અજમેરથી પરત ખાનગી ટ્રાવેલ્સમાં આવી ઘર નજીક એકલી મૂકી ગયો.
આ મામલે સગીરાએ પરિવાર સાથે તમામ હકીકત માતાને વર્ણવી અને ફરિયાદ કરવા તૈયારી દર્શાવી. બીજી તરફ સગીરા નાબાલિક હોવાને કારણે આ કૃત્ય પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો બનતો હોવાથી દાણીલીમડા પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી હતી. તપાસ દરમિયાન દાણીલીમડા પોલીસ દ્વારા જરૂરી પુરાવાઓ એકત્રિત કરીને આરોપી ફેઝાન ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવતા કોર્ટમાં કેસ સુનાવણી પર આવ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે દલીલ કરી હતી કે સગીરાની નિર્દોષતા અને નાજુક વયનો લાભ લઈ આરોપીએ ગંભીર ગુનો આચર્યો છે. આવા ગુનાઓ સમાજ માટે ચેતવણીરૂપ છે અને કડક સજા જરૂરી છે. સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એ.બી. ભટ્ટની અદાલતે સાક્ષીઓના નિવેદન, મેડિકલ પુરાવા અને દસ્તાવેજી સાબિતીઓના આધારે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને ₹50 હજાર વળતરની સજા ફટકારી હતી. આ ઉપરાંત, રાજ્ય સરકારને ગુજરાત વિકટીમ કંપનસેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર સગીરાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કોર્ટે આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોર્ટનો આ નિર્ણય ભોગ બનનારને આર્થિક અને માનસિક સહાય પૂરી પાડવાના હેતુથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્પેશિયલ પોક્સો કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે સગીરાની સુરક્ષા અને સન્માન કાનૂની રીતે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આવા ગુનાઓ સામે નરમાઈ દાખવવી યોગ્ય નથી. આ પોક્સો એક્ટ હેઠળ સગીરાઓ સાથે થતા અમાનવીય વ્યવહાર સામે અદાલતની સખત વલણનો વધુ એક દાખલો માનવામાં આવે છે.
Ahmedabad,Gujarat
Feb 26, 2026 11:26 PM IST

