Final Up to date:
નવસારીના વિજલપોર વિસ્તારમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા સ્થાપિત થવાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આશાપુરી મંદિર પાસે આવેલા સર્કલ પર બનનારી આ પ્રતિમાના ફાઉન્ડેશનમાં રાજસ્થાનની પવિત્ર ધરતી હલ્દીઘાટી અને કુંભલગઢની માટી અર્પણ કરી એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. આ પ્રતિમા માત્ર શિલ્પ નહીં, પરંતુ સ્વાભિમાન, શૌર્ય અને રાષ્ટ્રભક્તિનું જીવંત પ્રતીક બનશે.
નવસારી: નવસારીના વિજલપોર વિસ્તારમાં મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આશાપુરી મંદિર પાસે આવેલા સર્કલ પર મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવામાં આવશે. આ પ્રતિમાના નિર્માણમાં રાજસ્થાનના હલ્દીઘાટી અને કુંભલગઢની પવિત્ર માટીનો ઉપયોગ કરીને એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. “મહારાણા પ્રતાપના શૌર્યની ગાથા ધરાવતી હલ્દીઘાટી અને તેમના જન્મસ્થળ કુંભલગઢથી ખાસ માટી મંગાવવામાં આવી છે. આ માટીને પ્રતિમાના ફાઉન્ડેશનમાં અર્પણ કરવામાં આવી છે, જેથી આવનારી પેઢીઓને મહારાણા પ્રતાપના આશીર્વાદ અને શૌર્યની સ્મૃતિ મળતી રહે.” વિજલપોરમાં વસતા ઉત્તર ભારતીય, બિહારી, મહારાષ્ટ્રીયન અને સૌરાષ્ટ્રના તમામ રાજપૂત સમાજના લોકોમાં આ પ્રતિમાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રતિમાના નિર્માણ માટે 15 તારીખે જયપુરમાં ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આગામી 2 મહિનામાં પ્રતિમા તૈયાર થઈ જશે અને લગભગ 3 થી 4 મહિનામાં લોકાર્પણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પ્રતિમાના સ્થાપનથી વિજલપોર વિસ્તારમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપની સ્મૃતિ કાયમ માટે જીવંત થશે.
રાજપૂત અગ્રણી રમેશભાઈ જાદવએ જણાવ્યું કે, આજે અમે હલ્દીઘાટી, જ્યાં મહારાણા પ્રતાપના શૌર્યની ગાથા જોડાયેલી છે, અને રાજસ્થાનના કુંભલગઢ, જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો, ત્યાંની પવિત્ર માટી મંગાવીને આ ફાઉન્ડેશનમાં નાખી છે. મહારાણા પ્રતાપની યાદગાર સ્મૃતિ અને તેમનું ગૌરવ આ ફાઉન્ડેશન દ્વારા જળવાઈ રહે અને આવનારી પેઢીને પ્રેરણા મળે તે ઉમદા હેતુથી પ્રતિમા ઊભી કરતા પહેલા ફાઉન્ડેશનમાં આ માટી અર્પણ કરવામાં આવી છે.

વિજલપોરમાં ક્ષત્રિય સમાજના લોકોના ઉત્સાહ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, વિજલપોરમાં વસતા તમામ રાજપૂત સમાજના લોકો, પછી તે ઉત્તર ભારતીય હોય, બિહારી હોય, મહારાષ્ટ્રીયન હોય કે સૌરાષ્ટ્રના હોય, આ પ્રતિમાની સ્થાપનાથી દરેક વ્યક્તિ ખૂબ જ ગૌરવ અનુભવી રહી છે. આ પ્રતિમા ક્યારે જલ્દી તૈયાર થાય અને સ્થાપિત થાય તે માટે સમગ્ર સમાજમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
સર્કલના નિર્માણ સમય અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, પ્રતિમાના નિર્માણ માટે અમે 15 તારીખે જયપુર જઈને મહારાણા પ્રતાપની પ્રતિમાનો ઓર્ડર આપી આવ્યા છીએ. ત્યાંના કારીગરોએ અમને આશરે બે મહિનાનો સમય આપ્યો છે કે જેની અંદર પ્રતિમા તૈયાર થઈ જશે. ત્યારબાદ, જેના હસ્તે ઉદ્ઘાટન કરાવવાનું છે તેમની સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને, અંદાજે ત્રણથી ચાર મહિનાના ગાળામાં આખું કામકાજ પૂર્ણ કરી દેવામાં આવશે. મહારાણા પ્રતાપનો જન્મ 9 મે, 1540ના રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. તેઓ મેવાડના સિસોદિયા રાજપૂત રાજવંશના રાજા હતા. જ્યારે ભારતના મોટાભાગના રાજાઓએ અકબરની શરણાગતિ સ્વીકારી લીધી હતી, ત્યારે પ્રતાપે માતૃભૂમિની રક્ષા માટે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો હતો.
સન 1576માં લડાયેલું હલ્દીઘાટીનું યુદ્ધ ભારતીય ઇતિહાસની સૌથી ભીષણ લડાઈઓમાંથી એક ગણાય છે. આ યુદ્ધમાં મહારાણા પ્રતાપ પાસે મર્યાદિત સૈન્ય હતું, છતાં તેમણે મુઘલ સેનાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો. આ યુદ્ધમાં તેમના વફાદાર અશ્વ ચેતકની ભૂમિકા પણ અવિસ્મરણીય રહી છે, જેણે પોતાના પ્રાણ ત્યાગીને પણ રાણાનો જીવ બચાવ્યો હતો.
યુદ્ધ પછી પણ પ્રતાપે હાર ન માની. તેમણે વર્ષો સુધી જંગલોમાં રહીને સંઘર્ષ કર્યો. કહેવાય છે કે તેમણે ઘાસની રોટલી ખાઈને પણ પોતાના સ્વાભિમાનને જીવંત રાખ્યું હતું. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તેઓ ચિત્તોડગઢ પાછું નહીં મેળવે, ત્યાં સુધી પલંગ પર સૂશે નહીં અને થાળીમાં જમશે નહીં. મહારાણા પ્રતાપ માત્ર એક રાજા જ નહીં, પણ સ્વતંત્રતાના પ્રતીક હતા. તેમણે શીખવ્યું કે ભલે ગમે તેટલી મોટી સત્તા સામે હોય, જો મનમાં દૃઢ નિશ્ચય હોય તો ઝૂકવાની જરૂર નથી. 19 જાન્યુઆરી, 1597ના રોજ આ મહાન પરાક્રમી રાજાનું અવસાન થયું હતું.
Navsari,Gujarat
