Final Up to date:
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જયપુરના બે પ્રવાસી વિનોદકુમાર અને કમલેશ કુમાર પાસેથી ₹6 કરોડ 50 લાખના 30 પેકેટ હાઈ-બ્રીડ ગાંજો પકડાયા છે, સુરક્ષા એજન્સીઓએ બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત: ગુજરાતના મેટ્રો સિટીમાં ચાલુ ફેબ્રુઆરી માસમાં બે-ત્રણ વખત કરોડોનો ગાંજો પકડાયા બાદ હાલ ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. આ વખતે સુરક્ષા એજન્સીઓએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બે મુસાફરો પાસેથી 30 પેકેટ હાઈ-બ્રીડ ગાંજો ઝડપી પાડ્યો છે. જેની કિંમત ₹6 કરોડ 50 લાખ આંકવામાં આવી રહી છે, ત્યારે સુરક્ષા એજન્સીઓએ આ મામલે બંને મુસાફરોની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયેલા બંને આરોપીઓ રાજસ્થાનના જયપુરના રહેવાસી છે, જેમની ઓળખ વિનોદકુમાર અને કમલેશ કુમાર તરીકે થઈ છે. એરપોર્ટ પર આ બંને શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાતા સુરક્ષા એજન્સીઓએ તેમની તપાસ કરી હતી, જેમાં તેમના સામાનમાંથી નશીલા પદાર્થનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 30 પેકેટ હાઈ-બ્રીડ ગાંજો મળી આવ્યો હતો. સામાન્ય ગાંજા કરતા આ હાઈ-બ્રીડ વેરાયટી અત્યંત મોંઘી અને નશાકારક હોય છે, જેની વિદેશોમાં મોટી માંગ રહેતી હોય છે. ત્યારે સુરત એરપોર્ટ પરથી પકડાયેલા આ 30 પેકેટ હાઈ-બ્રીડ ગાંજાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ₹6 કરોડ 50 લાખ આંકવામાં આવી રહી છે.
આ મામલે પકડાયેલા મુસાફરોની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બંને મુસાફરો આંતરરાષ્ટ્રીય રૂટ પરથી કેરિયર તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ એર અરેબિયાની ફ્લાઈટ મારફતે વિદેશથી સુરત ઉતરેલા હતા. ત્યારે સુરક્ષા એજન્સીઓએ આ તમામ જથ્થો કબજે કરીને આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે કે, આ માલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અહીં ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો.
આ ઉપરાંત, SOGની એક ટીમે અમદાવાદના સરદારનગર નોબેલનગરમાં પહોંચીને રેડ પાડી અધધ 22 કિલો 780 ગ્રામ જેટલો હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે શખ્સો મળી આવ્યા હતા. જે બંનેની ઓળખ ચેતન પ્રજાપતિ અને જિયા ઉર્ફે જેસિકા પ્રજાપતિ તરીકે થતા SOGએ બજાર કિંમત 7 કરોડ 97 લાખના 22.78 કિલો હાઈબ્રિડ ગાંજા સાથે તેમની ધરપકડ કરી હતી.
Feb 19, 2026 12:57 PM IST

