Final Up to date:
પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીના અનુસાર, પાકિસ્તાન દર વર્ષે લગભગ 40 કરોડ ડોલરની વેક્સિન આયાત કરે છે. જેમાં લગભગ અડધો ખર્ચ GAVI જેવા આંતરરાષ્ટ્રીય ભાગીદાર ઉઠાવે છે. પણ હવે સ્થિતિ બદલાઈ ચૂકી છે.
નવી દિલ્હી: ભારત દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને વધુ એક સંકટ વેઠવાનો વારો આવ્યો છે. વર્ષોથી ભારત પર નિર્ભર રહેલી પાકિસ્તાનની વેક્સિન સપ્લાય પ્રભાવિત થતાં જ ત્યાંની પબ્લિક હેલ્થ સિસ્ટમ પ્રેશરમાં આવી ગઈ છે. ખુદ પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી મુસ્તફા કમાલે કહ્યું કે, સસ્તી વેક્સિનની સપ્લાય રોકાઈ જતાં દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બંને પર અસર પડી રહી છે. આ સંકટ એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાન પહેલાથી આર્થિક પડકાર સામે ઝઝૂમી રહ્યું છે.
પાકિસ્તાન લાંબા સમયથી ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિન એન્ડ ઈમ્યુનાઈઝેશન દ્વારા વેક્સિન માગતું રહ્યું છે. GAVI અંતર્ગત મળતી મોટી સંખ્યામાં વેક્સિન ભારતમાં બનતી હતી. જેનાથી પાકિસ્તાનને ઓછી કિંમતમાં મોટા પાયે રસીકરણ સુવિધા મળતી હતી. કોવિડ-19 મહામારી દરમિયાન પણ કોવેક્સ સુવિધા અંતર્ગત ભારતમાં બનતી વેક્સિન પાકિસ્તાન સુધી પહોંચી ગઈ હતી. હવે ભારતમાંથી સપ્લાય બંધ થયા બાદ આ આખું મોડેલ પડી ભાંગ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રીના અનુસાર, પાકિસ્તાન દર વર્ષે લગભગ 40 કરોડ ડોલરની વેક્સિન આયાત કરે છે. જેમાં લગભગ અડધો ખર્ચ GAVI જેવા આંતરરાષ્ટ્રીય ભાગીદાર ઉઠાવે છે. પણ હવે સ્થિતિ બદલાઈ ચૂકી છે અને પાકિસ્તાનનો કુલ ખર્ચના 51 ટકા ખુદ વહન કરવો પડે છે. મંત્રીએ ચેતવણી આપી છે કે જો ઘરેલુ ઉત્પાદન શરૂ ન થયું તો 2031 સુધી આ ખર્ચ વધીને 1.2 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. ખાસ વાત એ છે કે, 2031 બાદ આંતરરાષ્ટ્રીય મદદ ખતમ થવાની સંભાવના છે, જેનાથી સંકટ વધારે ઘેરું બનશે.
લગભગ 24 કરોડની વસ્તીવાળા પાકિસ્તાનમાં દર વર્ષે લગભગ 62 લાખ બાળકો જન્મ લઈ રહ્યા છે. સરકાર હાલમાં 13 પ્રકારની વેક્સિન નાગરિકોને મફત આપે છે. જો કે એક પણ વેક્સિન તેમના દેશમાં બનતી નથી. વધતી જનસંખ્યાના કારણે રસીકરણની માગ સતત વધી રહી છે. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય મદદ આ બોજને સંભાળવામાં મદદ કરી રહી હતી. પણ ભારતથી સપ્લાય રોકાયા બાદ આ મદદ નબળી પડતી દેખાઈ રહી છે.
ભારતે મે 2025માં પહેલગામ હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાને ટાર્ગેટ બનાવ્યા હતા. જે બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો હતો. ભલે વેક્સિન સપ્લાય ડાયરેક્ટ નિશાના પર નહોતી, પણ આ ઘટનાક્રમે એ બતાવી દીધું કે ભૂ-રાજનીતિક ટકરાવની અસર સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સુધી પહોંચાડી શકે છે.
Feb 08, 2026 10:34 PM IST

