Final Up to date:
ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 4.26 કરોડના સાયબર ઠગાઈ રેકેટનો પર્દાફાશ કર્યો છે. 26 બેંક ખાતાઓ મારફતે રૂપિયા દુબઈમાં રોકડમાં રૂપાંતરિત થયા હતા. 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો, 4ની ધરપકડ, વધુ તપાસ ચાલુ.
અમદાવાદ: સાયબર ક્રાઈમના ગુનાને નાથવા માટેની ચાલી રહેલી ઝુંબેશમાં ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઠગાઈના નાણા જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોય અને તેમાંથી ક્યાં અને કોના ખાતામાં ગયા તેની ઝીણવટપૂર્વકની તપાસ અને આખી મની ટ્રેલની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આવી જ એક કાર્યવાહી દરમિયાન સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે સાયબર ઠગાઈના નાણા રોકડમાં રૂપાંતરિત કરવાના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
વિગતે વાત કરીએ તો, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમના ધ્યાને આવ્યું છે કે સાયબર ઠગાઈના રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર થયા છે. ત્યાર બાદ દુબઈ ખાતેથી 4.26 કરોડ રૂપિયા રોકડમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે. ફોરેક્સ પ્રિ-પેઈડ કાર્ડ મારફતે દુબઈમાં બેઠેલા સાયબર માફિયાઓ આ ઠગાઈના રૂપિયાને રોકડમાં તબદીલ કરી લીધા હતા અને બાદમાં ચાઇનીઝ માફિયાઓ સુધી આ રૂપિયા પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે આવા જ એક મસમોટા સાયબર ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ કરીને આઠ લોકો સામે ગુનો નોંધીને ચાર આરોપીની ધરપકડ કરીને બાકીના આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ મામલે સૌથી પહેલા દિલ્હી FIU તરફથી ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને માહિતી આપવામાં આવી હતી કે, વેરાવળ જિલ્લામાં આવેલી ખાનગી બેંકના 26 બચત ખાતામાંથી અલગ અલગ તારીખે 1.29 કરોડ રૂપિયા ડિપોઝીટ થયા છે. આ ઉપરાંત 54 જેટલી બેંકના અલગ અલગ કરંટ અને બચત ખાતામાં NEFT, RTGS અને IMPSથી 2.97 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા બાદ જમા થયેલા છે. ત્યાર બાદ આ 26 બેંક ખાતાઓમાંથી ફોરેક્સ પ્રિ-પ્રેઈડ કાર્ડ મારફતે 4.26 કરોડ રૂપિયા દુબઈ ખાતેથી રોકડમાં વિડ્રોલ કરી લેવામાં આવ્યા છે.
આ દિલ્હી FIUએ આપેલી આ માહિતીને આધારે તરફથી ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે તપાસ શરૂ કરીને શંકાસ્પદ 26 સેવિંગ બેંક એકાઉન્ટ સાથે લિંક કરાયેલા ઈ-મેઈલ એડ્રેસના આઈ.પી એડ્રેસ શોધવામાં આવ્યા હતા, તેમજ ખાતા સાથે લિંક મોબાઈલ નંબરોનું ટેકનિકલ એનાલીસીસ કરતા જાણવા મળ્યું કે, વેરાવળમાં મરિયન મસ્જિદ પાસે રહેતા અબ્દુલ હફીઝ પાનવાલા, મુસ્તાક અબ્દુલ ખાલીદ ખાનાણી નામના વ્યક્તિ આ કેસમાં સંડોવાયેલા છે, જેથી તેઓની તાત્કાલિક ધરપકડ કરાઈ હતી.
બાદમાં આ બંનેની પૂછપરછ કરતા અબ્દુલ હફીઝ પાનવાલાએ પોલીસને જણાવ્યું કે, 26 સેવિંગ બેંક ખાતાઓમાંથી 20 સેવિંગ બેંક ખાતાઓ અલગ અલગ વ્યક્તિઓના નામે ખોલાવ્યા હતા. તેમાંથી એક એકાઉન્ટ પોતાનું છે અને તેમાં જુદી-જુદી 54 બેંક ખાતાઓમાંથી NEFT, RTGS અને IMPS મારફતે રૂપિયા મેળવ્યા હતા. બાદમાં ફોરેક્સ પ્રિ-પેઈડ કાર્ડ મારફતે દુબઈથી રોકડ વિડ્રોલ કરી આપતો અને પોતાનું કમિશન મેળવી લેતો હતો. જ્યારે રોકડ રકમ વેરાવળના જ રહેવાસી મકસુદ સોરઠીયા અને સાકીબ હાલાને આપી દેતો હોવાની કબૂલાત આરોપી અબ્દુલ હફીઝ પાનવાલાએ પોલીસ સમક્ષ કરી છે.
બાદમાં ઝડપાયેલા બીજા આરોપી મુસ્તાક અબ્દુલ ખાલીદ ખાનાણીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, જે 26 સેવિંગ ખાતા ખુલ્યા હતા. તેમાંથી તેણે 6 બેંક ખાતા જુદા-જુદા વ્યક્તિઓના નામે ખોલાવ્યા હતા અને તેમાં પણ NEFT, RTGS અને IMPS રૂપિયા મેળવ્યા હતા. બાદમાં ફોરેક્સ પ્રિ-પ્રેઈડ કાર્ડ મારફતેથી દુબઈથી રોકડમાં રૂપાંતરિત કરી પોતાનું કમિશન મેળવીને બાકીની રકમ મુંબઈના મોહમંદ હનીફ ભડેલા અને વેરાવળના સાકીબ હાલા તથા મકસુદ સોરઠીયાને આપી દેતો હતો.
54 બેંક ખાતા વિરુદ્ધ કુલ 289 સાયબર ફ્રોડની અરજીઓ NCCRP પોર્ટલ પર દિલ્હી FIUની સૂચના મુજબ 26 બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવતા તેમાંથી 5 બેંક ખાતાઓ વિરુદ્ધ NCCRP પોર્ટલ પર સાયબર ઠગાઈની અરજીઓ મળી આવી હોવાનું તપાસમાં ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત અન્ય 54 બેંક ખાતાઓ કે જેમા સાયબર ઠગાઈના રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવી હતી. તેમાંના 2 બેંક એકાઉન્ટ વિરુદ્ધ NCCRP પોર્ટલમાં સાયબર ઠગાઈની ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સહિત આ બંને એકાઉન્ટના એક જ માલિક હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસમાં ધ્યાને આવ્યું કે 54 બેંક ખાતા વિરુદ્ધ કુલ 289 સાયબર ફ્રોડની અરજીઓ NCCRP પોર્ટલ પર મળી આવી છે.
આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
- અબ્દુલ હફીઝ પાનવાલા -ધરપકડ
- મુસ્તાક અબ્દુલ ખાલીદ ખાનાણી-ધરપકડ
- શબ્બીર મોહમંદ હનીફ ભડેલા-ધરપકડ
- મોહમંદ તાહા શબ્બીર ભડેલા -ધરપકડ
- મકસુદ સોરઠીયા
- સાકીબ હાલા
- વસીમ મોહમંદ હનીફ ભડેલા
- અફઝલ વરવાણી
Ahmedabad,Gujarat

