એડવોકેટ ગજેન્દ્ર જાની જણાવે છે કે આજની તારીખે આખી સિસ્ટમ ડિજિટલાઈઝ થઈ ગઈ છે. વેપારીઓના બુક્સ ઓફ અકાઉન્ટ, બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને તમામ નાણાકીય વ્યવહારો ડિજિટલ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. MSME સેક્ટરના મોટા ભાગના વ્યવહારો GST સિસ્ટમ સાથે સંકળાયેલા હોવાથી દરેક પગલું ટ્રેસેબલ બની ગયું છે.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક નાના નાના MSME યુનિટ્સ કાર્યરત છે, જે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. MSME એક્ટ, 2006 અંતર્ગત જાહેર થયેલી જોગવાઈઓ મુજબ, જો કોઈ માઇક્રો અથવા સ્મોલ યુનિટને 50 લાખ રૂપિયા સુધીની રિકવરી કરવાની હોય તો તે રાજકોટ ખાતે કરી શકાય છે. ઓગસ્ટ 2023માં ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, દ્વારકા, રાજકોટ, ભાવનગર, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ જિલ્લાના MSME ઉદ્યોગકારોને રાજકોટની MSEFC (Micro and Small Enterprises Facilitation Council) હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

આનો અર્થ એ થાય છે કે આ જિલ્લાઓમાં આવેલ કોઈપણ MSME યુનિટને જો 50 લાખ રૂપિયા સુધીની રિકવરી કરવી હોય તો તે સીધી રાજકોટની MSEFC સમક્ષ ફરિયાદ દાખલ કરી શકે છે. જ્યારે 50 લાખથી વધુ રકમની રિકવરી માટે ગાંધીનગર ખાતે ફરિયાદ દાખલ કરવાની વ્યવસ્થા છે. એડવોકેટ ગજેન્દ્ર જાની જણાવે છે કે ઘણી વખત વેપારીઓ પોતાની જ ભૂલને કારણે મુશ્કેલીમાં ફસાઈ જાય છે. ઉદાહરણ તરીકે, કોઈ વેપારીએ 50 લાખનું ટ્રાન્ઝેક્શન કરીને માલ વેચ્યો હોય તો તે તેની ઇનવોઈસ GSTR-1માં દર્શાવે છે. તેના આધારે ખરીદનાર વેપારી GSTR-2માં ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે ખરીદનારે હજી બિલની ચુકવણી કરી નથી છતાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લઈ લીધો હોય છે. આવી સ્થિતિ કાયદેસર રીતે ગુનો ગણાય છે.
નિયમ મુજબ, કોઈપણ વેપારીની ઇનવોઈસ જનરેટ થયા બાદ 45 દિવસની અંદર તેની ચુકવણી કરવી ફરજિયાત છે. જો આ સમયમર્યાદામાં ચુકવણી ન થાય તો વેચનાર વેપારી MSME એક્ટ અંતર્ગત રિકવરી માટે ફરિયાદ કરી શકે છે. ખાસ કરીને જો ખરીદનારે બિલની રકમ ચૂકવ્યા વગર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લીધી હોય અને 180 દિવસની અંદર ચુકવણી ન કરે તો વેચનાર GST વિભાગમાં ફરિયાદ દાખલ કરી શકે છે. આવી ફરિયાદના આધારે GST વિભાગ ડિફોલ્ટર સામે કાર્યવાહી કરે છે. જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગેરકાયદેસર રીતે લેવામાં આવી હોય તે રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે રિકવર કરવામાં આવે છે અને ડિફોલ્ટરને નોટિસ પાઠવવામાં આવે છે.
MSME એક્ટ, 2006ની કલમ 15થી 18 અંતર્ગત માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝને ચુકવણી બાબતે વિશેષ કાનૂની સુરક્ષા આપવામાં આવી છે. કલમ 15 મુજબ, કોઈપણ ખરીદનાર દ્વારા માલ અથવા સેવા પ્રાપ્ત કર્યા બાદ મહત્તમ 45 દિવસની અંદર ચુકવણી કરવી ફરજિયાત છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી ન થાય તો કલમ 16 મુજબ ખરીદનારને બાકી રકમ પર આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા બેંક રેટ કરતાં ત્રણ ગણું વ્યાજ ચૂકવવું પડે છે. કલમ 17 અનુસાર, મુખ્ય રકમ સાથે વ્યાજ ચૂકવવાની કાનૂની જવાબદારી ખરીદનાર પર આવે છે. જ્યારે કલમ 18 અંતર્ગત, આવા ડિલે પેમેન્ટના કેસોમાં માઇક્રો અથવા સ્મોલ યુનિટને MSEFC સમક્ષ ફરિયાદ દાખલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જ્યાં પ્રથમ સમાધાનની પ્રક્રિયા અને ત્યારબાદ આર્બિટ્રેશન દ્વારા ઝડપી ન્યાય અને રિકવરીની વ્યવસ્થા કરવામાં આવી છે.
એડવોકેટ ગજેન્દ્ર જાની જણાવે છે કે GST વિભાગ માત્ર નોટિસ કે નાણાકીય કાર્યવાહી સુધી સીમિત નથી. જરૂરી લાગશે તો ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે. એટલું જ નહીં, ડિફોલ્ટરનું GST નંબર રદ થઈ શકે છે અને બેંક અકાઉન્ટ પણ ફ્રિઝ કરવામાં આવી શકે છે. તેથી MSME સેક્ટરના દરેક વેપારીએ ડિજિટલ સિસ્ટમ, GST નિયમો અને ચુકવણીની સમયમર્યાદાનું કડક પાલન કરવું જરૂરી છે. સમયસર ચુકવણી અને યોગ્ય દસ્તાવેજીકરણ જ વેપારીઓને કાનૂની મુશ્કેલીઓથી બચાવી શકે છે.
MSME એક્ટ, 2006 અંતર્ગત MSEFC દ્વારા આપવામાં આવેલા ઓર્ડર બાદ મામલો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે તે માટે કાયદેસર રીતે નિશ્ચિત પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. જો MSEFC દ્વારા સમાધાન અથવા આર્બિટ્રેશન બાદ એવોર્ડ પાસ કરવામાં આવે અને તેમાં કોઈ પક્ષ અસંતુષ્ટ હોય, તો સૌપ્રથમ તે પક્ષને MSME એક્ટની કલમ 19 મુજબ એવોર્ડ ચેલેન્જ કરવા માટે કુલ રકમનો ઓછામાં ઓછો 75 ટકા ભાગ ડિપોઝિટ કરવો ફરજિયાત છે. આ ડિપોઝિટ વિના કોઈ પણ કોર્ટ દ્વારા અપીલ સ્વીકારવામાં આવતી નથી.
કલમ 19 મુજબ જરૂરી ડિપોઝિટ કર્યા બાદ, અસંતુષ્ટ પક્ષ આર્બિટ્રેશન એવોર્ડને આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ, 1996ની કલમ 34 હેઠળ સંબંધિત જિલ્લા કોર્ટ અથવા હાઈકોર્ટમાં પડકારી શકે છે. કોર્ટ પ્રાથમિક રીતે તપાસ કરે છે કે પ્રક્રિયામાં કોઈ ગંભીર કાનૂની ખામી, નૈસર્ગિક ન્યાયના સિદ્ધાંતોનો ભંગ અથવા અધિકારક્ષેત્રની ભૂલ થઈ છે કે કેમ. જો હાઈકોર્ટનો ચુકાદો પણ અસ્વીકાર્ય હોય, તો સંવિધાનની કલમ 136 અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી શકાય છે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં સીધી અપીલ હક તરીકે મળતી નથી, તે કોર્ટના વિવેકાધિન અધિકાર પર આધારિત હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં MSME એક્ટનો હેતુ ઝડપી રિકવરી અને નાના ઉદ્યોગકારોના હિતોની રક્ષા કરવાનો હોવાથી, કોર્ટ્સ પણ અનાવશ્યક વિલંબ અટકાવવા પર ભાર મૂકે છે.
