Final Up to date:
સુરત જિલ્લાના અનાથ બાળકોને પરિવારનો સહારો અને પ્રેમભર્યો ભવિષ્ય મળે તે દિશામાં પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીના હસ્તે સુરતના બે અનાથ બાળકોને મુંબઈના બે ઇચ્છુક દંપતીઓને પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર હેઠળ સોંપવામાં આવ્યા છે. કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકોને પરિવારની છાયામાં પહોંચાડવાની આ પ્રક્રિયા સમાજમાં માનવતા અને સંવેદનાનું સુંદર ઉદાહરણ બની છે.
સુરતઃ સુરત જિલ્લાના અનાથ બાળકોને પરિવારનો સહારો મળી રહે તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીના હસ્તે અનાથ સુરતના બે બાળકોને મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં રહેતા બે ઇચ્છુક દંપતીઓને પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર હેઠળ સોંપવામાં આવ્યા હતા. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સંચાલિત કતારગામ સ્થિત વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રય લઈ રહેલા બે બાળકોને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દત્તકપૂર્વના ઉછેર માટે મુંબઈના બે અલગ અલગ પરિવારોને સોંપવામાં આવ્યા છે.
આ અંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, એડોપ્શન રેગ્યુલેશન-2022ના નિયમો અનુસાર તમામ પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે. મુંબઈના બે દંપતીઓએ એક દીકરો અને એક દીકરીને દત્તકપૂર્વે સ્વીકાર્યા છે. નવા વર્ષના પ્રારંભ સાથે સંતાન વિહોણા પરિવારોમાં દીકરી અને દીકરાના આગમનથી આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે. બાળક દત્તક લેવાની કાનૂની પ્રક્રિયા કેન્દ્ર સરકારની સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA) દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાઓ મુજબ કરવામાં આવે છે. દત્તક લેવા ઇચ્છુક દંપતીએ CARAની સત્તાવાર વેબસાઇટ ‘મિશન વાત્સલ્ય’ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે.

અનાથ બાળક મળ્યા બાદ સૌપ્રથમ તેના વાલી-વારસની શોધખોળ માટે અખબારમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. 0 થી 6 વર્ષના બાળકોને વિશિષ્ટ દત્તક સંસ્થામાં અને 6 થી 18 વર્ષ સુધીના બાળકોને સંબંધિત ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવે છે. જો નિર્ધારિત સમયગાળા દરમ્યાન કોઈ દાવો ન થાય તો બાળ કલ્યાણ સમિતિની મંજૂરી બાદ બાળકને દત્તક માટે મિશન વાત્સલ્ય વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
Jan 21, 2026 12:17 PM IST

