700 વર્ષ જૂની કલા: હોલીવુડ સુધી પહોંચેલી ગુજરાતની ટાંગલિયા કલા, મૂળ ઓળખ અને મૌલિકતાને GI ટેગ મળ્યો

700 વર્ષ જૂની કલા: હોલીવુડ સુધી પહોંચેલી ગુજરાતની ટાંગલિયા કલા, મૂળ ઓળખ અને મૌલિકતાને GI ટેગ મળ્યો

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ટાંગલિયા કલા વર્ષો જૂની છે. આ કલા મૌલિકતા માટે જાણીતી છે. ટાંગલિયા કલાને અનેક લોકો જીવંત રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહીં તેને જીઆઇ ટેગ પણ મળ્યો છે. આ ઉપરાંત હોલીવુડ ફિલ્મ સુધી કલા પહોંચી છે.

+

ગુજરાતની

ગુજરાતની ટાંગલિયા કલા

રાજકોટ: રાજકોટ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં ગુજરાતની 700 વર્ષ જૂની પરંપરાગત ‘ટાંગલિયા’ હસ્તકલા ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી છે. હાથશાળ પર વણાતી આ અનોખી કલા માત્ર કાપડ પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં પેઢી દર પેઢી ચાલતો શ્રમ, સંસ્કૃતિ અને આત્મસન્માન વણાયેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દેદાદરા ગામના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર બળદેવભાઈ રાઠોડ રાજકોટના સ્વદેશી હાટ વિભાગમાં પોતાની ટાંગલિયા કલાનું જીવંત પ્રદર્શન કરી રહ્યા છે, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

બળદેવભાઈ કહે છે કે હાથશાળ પર જ્યારે એક-એક દાણો ગૂંથાય છે, ત્યારે માત્ર કાપડ નથી બનતું, પરંતુ સાત પેઢીનો વારસો જીવંત રહે છે. એક સમય એવો હતો જ્યારે ટાંગલિયા કલા લુપ્ત થવાના આરે હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર અને રાજ્ય સરકારના સતત પ્રોત્સાહનના કારણે આ કલા ફરી વૈશ્વિક ઓળખ મેળવી રહી છે. આજે ટાંગલિયા કાપડની માંગ દેશની સીમાઓ પાર પહોંચી ચૂકી છે. તાજેતરમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની માહિતી આપતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં પણ ટાંગલિયા કલાનો ઉલ્લેખ થયો હતો, જે કલાકારો માટે ગૌરવની વાત છે. એટલું જ નહીં, હોલીવુડની આવનારી ફિલ્મ ‘F1’ માં ટાંગલિયા આર્ટવાળો શર્ટ ઉપયોગમાં લેવાયો હોવાની વાત સામે આવી છે. આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં ટાંગલિયાની વધતી લોકપ્રિયતા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા કલાકારોની વર્ષોની સાધનાનો પુરાવો છે.

ટાંગલિયા કલાને તેની મૂળ ઓળખ અને મૌલિકતા જાળવી રાખવા માટે Geographical Indication એટલે કે GI ટેગ આપવામાં આવ્યો છે. આ કાયદાકીય સુરક્ષાથી હવે માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના અધિકૃત કલાકારો જ ટાંગલિયા નામે ઉત્પાદન વેચી શકે છે. નકલી બનાવટો પર રોક લાગતા કલાકારોને તેમના પરિશ્રમનો યોગ્ય ભાવ મળવા લાગ્યો છે અને ગ્રાહકોનો વિશ્વાસ પણ વધ્યો છે. વચેટિયાઓ વગર સીધા બજાર સુધી પહોંચ થવાથી આ કલા આર્થિક રીતે પણ મજબૂત બની છે.

આ પણ વાંચો: સુરતનો પ્રખ્યાત પોંક! 100 વર્ષથી સ્વાદ અકબંધ, એક કિલોના 360 રૂપિયા ભાવ 

ટાંગલિયા કલાની સૌથી વિશિષ્ટ ઓળખ તેની દાણા ગૂંથણી પદ્ધતિ છે. આ કોઈ મશીનથી થતું કામ નથી કે પછી અલગથી કરેલું ભરતકામ નથી. હાથશાળ પર કાપડ વણાતું હોય ત્યારે જ સૂતર કે ઊન સાથે નાના દાણા ગૂંથીને સુંદર આકૃતિઓ બનાવવામાં આવે છે. આ કાપડની ખાસિયત એ છે કે તેની બંને બાજુએ ડિઝાઇન એકસરખી જ દેખાય છે. આ પ્રક્રિયા લોકોને સમજાય તે માટે બળદેવભાઈએ સ્ટોલ પર ડેમો લૂમ ગોઠવ્યું છે, જ્યાં મુલાકાતીઓ આંખે જોઈ શકે છે કે કેવી રીતે કલાકારની આંગળીઓમાંથી કલા જન્મ લે છે. સમયની સાથે બદલાતી પસંદગીને ધ્યાનમાં રાખીને હવે ટાંગલિયા કલા પણ નવી દિશામાં આગળ વધી છે. એક સમયે માત્ર ધાબળા સુધી સીમિત રહેલી આ કલા હવે કુર્તી, દુપટ્ટા, જેકેટ, મફલર, સાડી અને કુશન કવર જેવી આધુનિક વસ્તુઓમાં પણ જોવા મળે છે. ગરવી ગુર્જરી અને હસ્તકલા સેતુ યોજના હેઠળ સરકાર દ્વારા ડિઝાઇનિંગ અને માર્કેટિંગનું માર્ગદર્શન મળતાં નવી પેઢી પણ આ વ્યવસાય તરફ આકર્ષાઈ રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *