20 હજારની વસ્તીવાળા ગામમાં દોઢ મહિનાથી પીવાનું પાણી નથી આવતું! ગ્રામજનોએ કર્યો રસ્તો ચક્કાજામ

20 હજારની વસ્તીવાળા ગામમાં દોઢ મહિનાથી પીવાનું પાણી નથી આવતું! ગ્રામજનોએ કર્યો રસ્તો ચક્કાજામ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

ઉનાળાની શરૂઆતમાં જ ગીર સોમનાથના ધામળેજ ગામમાં પાણીનું સંકટ દેખાઈ રહ્યું છે. પીવાના પાણી માટે ગ્રામજનો ભટકવા મજબૂર બન્યા છે, ત્યારે આ પ્રશ્નને લઈને આજે ગ્રામજનોએ હાઈવે ચક્કાજામ કરી ભારે વિરોધ નોંધાવ્યો છે.

પાણીની તંગી
પાણીની તંગી

ગીર સોમનાથ: ઉનાળાની શરૂઆત થતા જ પાણીની પોકાર ઉઠી છે. ગીર સોમનાથના સુત્રાપાડાના ધામળેજ ગામે પીવાના પાણીને લઈને લોકોએ સુત્રાપાડા કોડીનાર રોડ ચક્કાજામ કર્યો હતો. છેલ્લા દોઢ મહિનાથી પીવાનું પાણી ના મળતા લોકો ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોએ સાંસદ, કલેક્ટર અને પાણી પુરવઠા વિભાગને અનેકવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા લોકો રોષે ભરાયા છે. ત્યારે આ ચક્કાજામમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે.

સુત્રાપાડા તાલુકામાં આવેલા ધામળેજ ગામમાં છેલ્લા દોઢ મહિનાથી ગંભીર પાણી સંકટનો સામનો કરી રહ્યું છે. આશરે 20 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના પાણીની તંગી એટલી વધી ગઈ છે કે લોકો પાણી માટે ભટકવા મજબૂર બન્યા છે. દરિયાકાંઠે વસેલા આ ગામમાં વર્ષોથી ઉનાળાની ઋતુ શરૂ થતાં જ પાણીની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરે છે, પરંતુ આ વર્ષે સ્થિતિ વધુ જ ગંભીર બની છે. જેના કારણે સ્થાનિકોએ આજે રસ્તો ચક્કાજામ કર્યો છે.

માહિતી મુજબ, ધામળેજ ગામમાં પીવાના પાણી માટે સરકાર દ્વારા નળ કનેક્શન આપવામાં આવ્યા હોવા છતાં છેલ્લા ઘણા સમયથી નળોમાં પાણી આવતું નથી. પરિણામે ગામલોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની ગઈ છે. મહિલાઓ અને વૃદ્ધો સહિતના લોકો રોજિંદા જીવનમાં સૌથી મૂળભૂત જરૂરિયાત એવા પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. ધામળેજ ગામ દરિયા કિનારે આવેલું હોવાથી અહીંના મોટાભાગના કૂવા અને બોરવેલોમાં ખારું પાણી આવે છે, જેના કારણે તે પાણી પીવા યોગ્ય નથી. ગામલોકો કહે છે કે આવી પરિસ્થિતિમાં મીઠું પાણી મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કેટલાક લોકો સરપંચના ઘરે અથવા અન્ય થોડા મીઠાં પાણીના સ્ત્રોતો પાસે પાણી ભરવા જાય છે, પરંતુ ત્યાં પણ માંડ એકાદ ઘડો પાણી જ ભાગે મળે છે.

પાણીની સમસ્યાને લઈને ગામલોકો અને સરપંચ પ્રતિનિધિ દ્વારા અનેક વખત વિવિધ અધિકારીઓ અને તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. સાંસદ, જિલ્લા કલેક્ટર અને પાણી પુરવઠા વિભાગ સહિતના સંબંધિત તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય અને કાયમી ઉકેલ આવ્યો નથી. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને આજે શાળાના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોનું ટોળું સુત્રાપાડા કોડીનાર રોડ પર ઉતરી આવ્યું હતું અને ભારે વિરોધ દર્શાવ્યો હતો.

ગામલોકોનું કહેવું છે કે દોઢ મહિનાથી પાણી માટે ભારે મુશ્કેલી સહન કરી રહ્યા છીએ, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, અને અમારા સુધી પાણી પહોંચતું નથી. ત્યારે હવે આ સ્થિતિ વધુ સહન કરી શકાય તેવી નથી. જેથી પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતાં ગ્રામજનોએ રસ્તા રોકી ચક્કાજામ કર્યો છે. જો હવે આટલા વિરોધ બાદ પણ તેમના પ્રશ્નનો યોગ્ય નિકાલ ન આવે તો સાંસદ કાર્યાલય અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવશે. હવે જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો પરિસ્થિતિ વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *