Israel-Iran Warfare Information : એક મહિના પહેલા યુદ્ધ શરૂ થયું ત્યારથી વિશ્વનું મોટાભાગનું ફોક્સ હોર્મુઝ સ્ટ્રેટ પર રહ્યું છે અને આનું એક યોગ્ય કારણ છે. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક પ્રવાહી પેટ્રોલિયમ વપરાશ અને વૈશ્વિક એલએનજી વેપારના લગભગ 20 ટકા માટે જવાબદાર છે.
આ સંકટ વચ્ચે હવે ઇરાન સમર્થિત યમનના હૂતીઓ મધ્ય પૂર્વના યુદ્ધમાં પ્રવેશ કરી રહ્યા છે, આ સાથે જ આ ક્ષેત્રની તેલની નિકાસ અને શિપિંગને વધુ જોખમ છે. હુતીઓએ શનિવારે ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલો છોડવાની પુષ્ટિ કર્યા પછી ચિંતા વધી ગઈ છે. યુદ્ધ શરૂ થયા પછી આ તેમનો આ પહેલો હુમલો છે. જૂથે કહ્યું કે તેઓએ સંવેદનશીલ ઇઝરાયલી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા.
હૂતી ઇરાનના એક્સિસ ઓફ રેસિસ્ટેંસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે પ્રાદેશિક પ્રોક્સી જૂથોનું નેટવર્ક છે જેમાં ગાઝામાં હમાસ અને લેબેનોનમાં હિઝબુલ્લાહનો પણ સમાવેશ થાય છે. એ નોંધવું અગત્યનું છે કે બળવાખોર જૂથ યમનની રાજધાની સના ઉપર પણ નિયંત્રણ ધરાવે છે, જે લાલ સમુદ્રમાં બાબ અલ-મંડાબની નજીક છે. આ જ એક મુખ્ય કારણ છે જેથી ચિંતાઓ હવે વધી રહી છે.
બાબ અલ-મંડાબ શું છે?
અરબીમાં ગેટ ઓફ ટીયર્સ તરીકે ઓળખવામાં આવતું બાબ અલ-મંડાબ લાલ સમુદ્રના દક્ષિણ છેડે, યમન અને આફ્રિકાના હોર્ન વચ્ચે સ્થિત છે. તે લાલ સમુદ્રને એડનના અખાત સાથે અને આગળ હિંદ મહાસાગર સાથે જોડે છે. વૈશ્વિક તેલ અને કુદરતી ગેસના શિપમેન્ટનો લગભગ 10 થી 12 ટકા શિપમેન્ટ તેમાંથી પસાર થાય છે.
આ માર્ગને વધુ મહત્વપૂર્ણ બનાવે છે તે એ છે કે તે સુએઝ નહેર સાથે જોડાયેલ છે, જે એક મહત્વપૂર્ણ જળમાર્ગ છે. તે તેને ભૂમધ્ય સમુદ્ર સાથે જોડે છે, તેમજ SUMED પાઇપલાઇન સાથે પણ જાડે છે. આ વ્યૂહાત્મક માર્ગ પર્સિયન અખાતમાંથી પેટ્રોલિયમ અને કુદરતી ગેસના પરિવહનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, ખાસ કરીને તે શિપમેન્ટ્સ માટે જે બાબ અલ-મંડાબ થઈને સુએઝ કેનાલમાંથી પસાર થાય છે.
આ ચિંતાનો વિષય કેમ છે?
હોર્મુઝ સ્ટ્રેટ લગભગ એક મહિનાથી બંધ છે. હવે હૂતીઓ યુદ્ધમાં જોડાતા હોવાથી લાલ સમુદ્રમાં જહાજો પર સંભવિત હુમલાઓ વિશે ચિંતા વધી છે. આ જૂથ અગાઉ પણ આવું કરી ચૂક્યું છે.
જ્યારે ઇઝરાયેલે 7 ઓક્ટોબર, 2023 ના હુમલા પછી ગાઝામાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી ત્યારે હૂતીઓએ લાલ સમુદ્રમાં વેપારી જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. તેઓએ નવેમ્બર 2023 અને જાન્યુઆરી 2025 ની વચ્ચે 100 થી વધુ જહાજો પર હુમલો કર્યો હતો અને બે જહાજો ડૂબાડી દીધા હતા, ત્યારબાદ ગયા નવેમ્બરમાં હુમલો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
એપીના રિપોર્ટ પ્રમાણે ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપના યમનના વરિષ્ઠ વિશ્લેષક અહમદ નાગીએ જણાવ્યું હતું કે જો હૂતી બળવાખોરો વ્યાપારી જહાજો પર હુમલા વધારશે, જેમ કે તેઓએ ભૂતકાળમાં કર્યું છે, તો તે તેલના ભાવમાં વધુ વધારો કરશે અને દરિયાઇ સુરક્ષાને સંપૂર્ણપણે અસ્થિર કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેની અસર માત્ર ઊર્જા બજાર સુધી મર્યાદિત રહેશે નહીં.
PNG, CNG, LPG અને LNG માં શું છે તફાવત, આસાન ભાષામાં સમજો
સીએનએને યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એજન્સીનો હવાલો આપીને જણાવ્યું હતું કે 2023 ના પ્રથમ 11 મહિનામાં, 30 મિલિયન ટનથી વધુ કુદરતી ગેસ, મોટી માત્રામાં કન્ટેનર ટ્રાફિક અને કુલ દરિયાઇ વેપાર કરેલા તેલના લગભગ 12 ટકા સ્ટ્રેટમાંથી પસાર થયા હતા. ચેથમ હાઉસ થિંકટેન્કના મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા કાર્યક્રમના સંશોધક ફરિયા અલ-મુસ્લિમીએ ગાર્ડિયનને કહ્યું કે મધ્ય પૂર્વના વ્યાપક સંઘર્ષમાં જોડાવાનો હૂતીઓનો નિર્ણય ગંભીર અને અત્યંત ચિંતાજનક વૃદ્ધિનો સંકેત છે.
જો આ માર્ગ બંધ કરવામાં આવે તો શું થશે?
જો આ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટની સાથે બંધ કરવામાં આવે છે તો વૈશ્વિક શિપિંગ કંપનીઓએ તેમના જહાજોને કેપ ઓફ ગુડ હોપની ચારેય બાજુ ઘુમાવીને લઇ જવા પડશે. આનાથી મુસાફરીનું અંતર લગભગ 4000 થી 6000 નોટિકલ માઇલ વધશે અને માલવાહક અવરજવરમાં 14 થી 20 દિવસનો વિલંબ થશે. આ ચક્કર માત્ર મુસાફરીનો સમય જ નહીં પરંતુ માલસામાનના ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો કરશે.
તે ભારત માટે પણ મહત્વપૂર્ણ છે
જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ ભારતના ઊર્જા પુરવઠા માટે જરૂરી છે, ત્યારે લાલ સમુદ્રનો માર્ગ તેની નિકાસ માટે, ખાસ કરીને યુરોપ માટે એટલો જ મહત્વપૂર્ણ છે. યુરોપ સાથે ભારતના લગભગ 80 ટકા વેપારી વ્યવહારો આ કોરિડોરમાંથી પસાર થાય છે. એકલા યુરોપિયન યુનિયન ભારતની કુલ વેપારી નિકાસમાં 15 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જેનું મૂલ્ય દર વર્ષે આશરે 450 અબજ ડોલર છે.
