Final Up to date:
ફેબ્રુઆરીની શરૂઆતથી જ ગરમીનો અહેસાસ થવા લાગતાં રાજકોટના ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ઉનાળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાપમાન 35 ડિગ્રીને પાર જતાં લોકો એસી અને ફ્રીઝની ખરીદી તરફ વળી રહ્યા છે. બીજી તરફ વેપારીઓ પણ ડિસેમ્બરથી જ સ્ટોક તૈયાર કરીને બેઠા છે. જો ગરમીનો પારો આ રીતે વધતો રહ્યો તો આ વર્ષે પણ એસી અને ફ્રીઝના વેચાણમાં રેકોર્ડતોડ વધારો થવાની શક્યતા છે.
રાજકોટ: ગત વર્ષે ઉનાળાની શરૂઆત સમય કરતાં વહેલી થતાં જ એસી અને ફ્રીઝના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ વર્ષે પણ ફેબ્રુઆરીની શરૂઆતથી જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલના દિવસોમાં તાપમાન 35થી 37 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે અને જો આ જ રીતે ગરમી વધતી રહી તો ઉનાળામાં પારો 45થી 48 ડિગ્રી સુધી પહોંચે તો નવાઈ નહીં. આ સંજોગોમાં લોકો ગરમી સામે તૈયારીમાં લાગી ગયા છે અને એસી તથા ફ્રીઝની ખરીદી શરૂ થઈ ગઈ છે.
બીજી તરફ ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓ પણ પૂરતા તૈયાર છે. મોટાભાગના વેપારીઓએ ડિસેમ્બર મહિનાથી જ એસી અને ફ્રીઝનો સ્ટોક તૈયાર કરી લીધો છે, જેનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝન નજીક આવતાં બજારમાં માંગ વધે છે, પરંતુ આ વખતે ગરમી વહેલી લાગતાં જ વેચાણમાં ગતિ આવી છે. વેપારીઓને આશા છે કે આ વર્ષે પણ એસી અને ફ્રીઝનું રેકોર્ડબ્રેક વેચાણ થશે. દિવાળી દરમિયાન સરકારે એસી અને ફ્રીઝ પર લાગતો જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો હતો. જેના કારણે ગ્રાહકોને મોટી રાહત મળી હતી અને બજારમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ જીએસટી ઘટાડાનો ફાયદો હજુ પણ જૂના સ્ટોક પર મળી રહ્યો છે, પરંતુ વેપારીઓનું કહેવું છે કે આ લાભ ટૂંકા સમય માટે જ રહેશે.

રૂબીકોન ઇલેક્ટ્રોનિકના માલિક કેતનભાઈ કહે છે કે તેઓ 26 વર્ષથી આ વ્યવસાય કરે છે. અત્યારે લોકો ઇન્ક્વાયરી કરી રહ્યાં છે. અત્યારે હજુ ગરમી પડી રહી નથી, એટલે લોકોનો ઘસારો ઓછો છે. અત્યારે માર્કેટ ઘણું અપડાઉન ચાલે છે. એસી અને ફ્રીઝની ખરીદી આવતા મહિનેથી શરૂ થાય તેવી શક્યતા છે. એસીમાં એક ટન, દોઢ ટન અને બે ટન એસીમાં 2800થી 3800 રૂપિયા સુધીનો વધારો આવશે. કિરણ ઇલેક્ટ્રોનિકના રાજુભાઈ પટેલે જણાવ્યું કે, હાલ જે સ્ટોક વેચાઈ રહ્યો છે તેમાં ગ્રાહકોને ફાયદો મળી રહ્યો છે, પરંતુ આગામી 10થી 15 દિવસમાં નવો સ્ટોક આવશે. નવા સ્ટોક પર કંપનીઓએ ભાવમાં 15થી 20 ટકાનો વધારો કર્યો છે. કોપરના ભાવ અને અન્ય કાચા માલના ખર્ચમાં વધારો થતાં એસી અને ફ્રીઝ મોંઘા બનશે. એટલે કે જીએસટી ઘટાડાનો જે લાભ લોકોને મળ્યો હતો, તે નવા સ્ટોકમાં મળશે નહીં.
વેપારીઓએ વધુમાં જણાવ્યું કે કંપનીઓ દ્વારા નવા મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. ગત વર્ષે જે મોડલ ફોર સ્ટાર રેટિંગમાં હતા, તે હવે થ્રી સ્ટાર તરીકે ઉપલબ્ધ થયા છે. આ સાથે ફોર ડોર અને કન્વર્ટેબલ ફ્રીઝની માંગ પણ વધી છે. કન્વર્ટેબલ ફ્રીઝમાં નવી સુવિધા ઉમેરવામાં આવી છે, જેમાં 70 ટકા રેફ્રિજરેટર અને 30 ટકા ફ્રોઝન સિસ્ટમ મળે છે. જરૂર પડે ત્યારે આખું ફ્રીઝ ફુલ્લી રેફ્રિજરેટરમાં પણ કન્વર્ટ કરી શકાય છે. આવા ફ્રેન્ચ ડોર કન્વર્ટેબલ ફ્રીઝની કિંમત અંદાજે રૂા. 1.10 લાખથી શરૂ થશે, જ્યારે ડબલ ડોર ફ્રીઝ રૂા. 25 હજારથી ઉપલબ્ધ રહેશે.
વિજય ઇલેક્ટ્રોનિક્સના અલ્પેશભાઈ પટેલે જણાવ્યું કે દિવાળી બાદથી જ એસી અને ફ્રીઝના વેચાણમાં વધારો થયો છે. જીએસટી ઘટાડાનો લાભ વેપારીઓ અને ગ્રાહકોને મળ્યો હતો, પરંતુ હવે કોપર અને ડોલરના ભાવ વધતા આગામી સમયમાં ભાવવધારો અનિવાર્ય છે. હાલ જૂનો સ્ટોક વેચાઈ રહ્યો છે, પરંતુ 15 ફેબ્રુઆરી બાદ બજારમાં નવો સ્ટોક આવશે અને તેમાં 10થી 15 ટકા સુધી ભાવ વધારો જોવા મળશે. વેપારીઓનું માનવું છે કે આ વર્ષે એસી અને ફ્રીઝના ભાવમાં અંદાજે 3 હજારથી 3,500 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. એટલે કે જે એસી પહેલા રૂપિયા 42 હજારના મળતા હતા, તે જીએસટી ઘટાડ્યા બાદ રૂપિયા 37 હજાર આસપાસ થયા હતા. પરંતુ હવે ફરી ભાવ વધીને રૂપિયા 40 હજારની નજીક પહોંચશે.
ઉનાળાની શરૂઆત પહેલા જ લોકો ખરીદી કરવા લાગતાં એસી ફીટિંગના કારીગરો પણ વ્યસ્ત બન્યા છે. રોજ ચારથી પાંચ ઇન્ક્વાયરી આવી રહી છે અને મહિનામાં 20થી 25 જગ્યાએ એસી ફીટિંગ અને રીપેરિંગ માટે ફોન આવે છે. એસી ફીટિંગનો ચાર્જ અંદાજે રૂા. 1,200 છે, જ્યારે રીપેરિંગ માટે રૂા. 500થી 850 લેવામાં આવે છે. બીજી તરફ આ વર્ષે શિયાળો યોગ્ય રીતે ન પડતાં હિટરનું વેચાણ ઘટ્યું છે. વેપારીઓનું કહેવું છે કે ઠંડીનો ચમકારો ન મળતા હિટરનો સ્ટોક પડી રહ્યો છે. જોકે હવે ઉનાળાના વેચાણ પર વેપારીઓને મોટી આશા છે. વેપારીઓ અને કંપનીઓ બંને માને છે કે આ વખતે એસી, ફ્રીઝ અને કુલરના વેચાણમાં 10થી 15 ટકા સુધીનો વધારો નોંધાઈ શકે છે અને બજારમાં ફરી એકવાર ગરમાવો જોવા મળશે.
