Final Up to date:
સુરતના સિંગાણપોર વિસ્તારમાં એક યુવતીને સોશિયલ મીડિયાથી મિત્રતા કેળવવી ભારે પડી છે. યુવતીને સ્નેપચેટ પર ફસાવીને યુવકે લગ્નની લાલચ આપી હતી અને બાદમાં દોઢ વર્ષ સુધી તેનું યૌન શોષણ કર્યું હતું. આખી ઘટના વિશે જાણીને ચોંકી જશો.
સુરત: શહેરના સિંગણપોર વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા થયેલી મિત્રતા એક કોલેજીયન યુવતી માટે ભયાનક સાબિત થઈ છે. પ્રેમના નામે વિશ્વાસ જીતીને યુવતીનું દોઢ વર્ષ સુધી યૌન શોષણ કરનાર આરોપીને સિંગણપોર પોલીસે ઝડપી લીધો છે. આરોપી સામે ગંભીર આક્ષેપો સાથે ગુનો નોંધાયો છે અને હાલ તેને એક દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, પીડિત યુવતી સ્નેપચેટના માધ્યમથી આરોપીના સંપર્કમાં આવી હતી. આરોપીએ પોતે અપરણિત હોવાનું જણાવી યુવતી સાથે નજીકતા વધારી હતી. જોકે હકીકતમાં આરોપી એક પુત્રીનો પિતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વિશ્વાસનો ભંગ કરી આરોપીએ યુવતીનું વારંવાર યૌન શોષણ કર્યું હતું. જ્યારે યુવતીએ સંબંધ અંગે વિરોધ વ્યક્ત કર્યો ત્યારે આરોપીએ તેના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
આ ધમકીઓના કારણે યુવતી માનસિક રીતે તૂટી ગઈ હતી અને મૌન રહેવા મજબૂર બની હતી. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ યુવતીને પોતાના નાના ભાઈ સાથે લગ્ન કરવા દબાણ કર્યું અને લગ્ન થયા બાદ પણ યુવતી સાથે યૌન શોષણ ચાલુ રાખ્યું. લગ્ન બાદ પણ અત્યાચાર ન અટકતા યુવતી કંટાળી ગઈ હતી અને અંતે ઘર છોડીને મામલો પોલીસ મથકે પહોંચાડ્યો હતો. યુવતીએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે.
આરોપી કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયામાં ઓળખાણ બાદ અંધ વિશ્વાસ રાખવાના જોખમોને ઉજાગર કરે છે. પોલીસે યુવતીઓને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની ધમકી કે શોષણ સામે તરત પોલીસનો સંપર્ક કરે.
સુરત: યુવતીને સ્નેપચેટ પર ફસાવીને લગ્નની લાલચ આપી, દોઢ વર્ષ સુધી યૌન શોષણ કર્યું, આખી ઘટના જાણીને ચોંકી જશો

