Final Up to date:
સુરતના ઉધના વિસ્તારમાં ગત 31 તારીખના રોજ એક ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આ કેસમાં આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો છે.
સુરત: શહેરમાં વધતા ચેઇન સ્નેચિંગના બનાવો વચ્ચે ઉધના પોલીસને મોટી સફળતા મળી છે. ગત 31 જાન્યુઆરીના રોજ ઉધના વિસ્તારમાં બનેલા ચેઇન સ્નેચિંગના ગુનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. આ ઘટનામાં મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધના વિસ્તારમાં આવેલી સાંઈ રેસિડેન્સી નજીક એક મહિલા ઘરેથી કચરો નાખવા માટે બહાર નીકળી હતી. તે દરમિયાન મોપેડ પર આવેલા એક અજાણ્યા યુવકે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી લીધી અને પળભરમાં સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
અચાનક બનેલી આ ઘટનાથી મહિલામાં ભય ફેલાઈ ગયો હતો અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.સમગ્ર ઘટના નજીક લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTV ફૂટેજના આધારે ઉધના પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા 200થી વધુ CCTV ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી, જેમાં આરોપીની હલચાલ, મોપેડ અને ઘટનાક્રમ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.
ઘનિષ્ઠ તપાસ બાદ પોલીસે ચેઇન સ્નેચિંગ કરનાર આરોપી શાહિલ ઉર્ફે શાહુ શેખને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન વધુ ખુલાસા થયા હતા. પોલીસને તેની પાસેથી 2 લાખ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે.ઉલ્લેખનીય છે કે આરોપીની ધરપકડથી માત્ર ઉધનાનો જ નહીં પરંતુ અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ-અલગ ચેઇન સ્નેચિંગના ગુનાઓ પણ ઉકેલાયા છે.
આરોપી અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓમાં સંડોવાયેલો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં ગુનાખોરી અટકાવવા CCTV નેટવર્ક મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ઉધના પોલીસની આ સફળ કામગીરીથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાનો ભાવ મજબૂત થયો છે.
Feb 09, 2026 11:55 PM IST
સુરત: ગણતરીના દિવસોમાં ચેઇન સ્નેચિંગના આરોપીને પોલીસે દબોચ્યો, ચાલુ વાહને મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી હતી

