Final Up to date:
સુરતમાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કરોડોના કૌભાંડને લઈને પ્રખ્યાત ફાઇનાન્સર બ્રિજેશ ઠક્કરના ઘરે અને તેની ઓફિસે રેડ કરવામાં આવી છે.
સુરત: શહેરના જાણીતા ફાઇનાન્સર બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી પર આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાલ વિસ્તારમાં આવેલી બ્રિજેશ ઠક્કરની ઓફિસ તેમજ રહેણાંક સ્થળોએ સતત બે દિવસ સુધી સઘન તપાસ ચાલી હતી. આ કાર્યવાહી મુંબઈ અને સુરતની આવકવેરા ટીમ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઓપરેશનને આંતરરાજ્ય લેવલની તપાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
IT વિભાગને શંકા છે કે ફાઇનાન્સર દ્વારા કરોડો રૂપિયાની કેશ ડીલ મારફતે હાઈરાઈઝ કોમર્શિયલ ઓફિસો ખરીદવામાં આવી છે. ખાસ કરીને સુરતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં બ્લેક મનીના રોકાણનો એંગલ તપાસના કેન્દ્રમાં છે. તપાસ દરમિયાન બિલ્ડર-ફાઇનાન્સર નેક્સસ, બેકડોર ફાઇનાન્સિંગ અને બિનહિસાબી નાણાંની હેરફેર અંગે અનેક સંકેતો મળ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આવકવેરા વિભાગની ટીમે રેડ દરમિયાન મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ, મોબાઇલ અને અન્ય ડિજિટલ ડેટા, નાણાકીય વ્યવહારો દર્શાવતી કાચી ડાયરીઓ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ તમામ ડેટાનું બારીકાઈથી એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન હવાલા વ્યવહાર અને સટ્ટાબજાર સાથેના સંભવિત જોડાણો સામે આવતા સમગ્ર કેસમાં ચકચાર મચી ગઈ છે.
IT વિભાગ આ એંગલને લઈને પણ અલગથી તપાસ આગળ ધપાવી રહ્યું છે. સૂત્રો મુજબ, જપ્ત કરાયેલા ડેટાનું વિશ્લેષણ પૂર્ણ થયા બાદ સુરતના રિયલ એસ્ટેટ અને ફાઇનાન્સ જગતના કેટલાક મોટા નામો સામે આવી શકે છે. આવનારા દિવસોમાં વધુ રેડ, સમન્સ અને કાર્યવાહી થવાની સંભાવના નકારી શકાતી નથી. સુરત શહેરમાં સતત થઈ રહેલી આવકવેરા રેડથી બિલ્ડર, ફાઇનાન્સર અને રિયલ એસ્ટેટ લોબીમાં ખળભળાટ મચી ગયો છે.
Feb 02, 2026 11:37 PM IST
સુરતમાં આવકવેરા વિભાગ એક્શનમાં, ફાઇનાન્સર બ્રિજેશ ઠક્કરના ઘરે અને ઓફિસમાં દરોડા, કરોડોના કૌભાંડના આશંકા

