Final Up to date:
દ્વારકાના સુદર્શન બ્રિજ પર બંદૂક સાથે રીલ બનાવનાર યુવકને પોલીસે જેલમાં ધકેલાયો છે. યુવકે ઇન્સ્ટાગ્રામ પર દેશભક્તિના ગીતો સાથે રીલ શેર કરી હતી. પોલીસની કડક કાર્યવાહીથી યુવકને સબક શીખવાડાયો છે.
દેવભૂમિ દ્વારકા: ઓખા અને બેટ દ્વારકાને જોડતા ભવ્ય સુદર્શન બ્રિજ પર હાથમાં બંદૂક રાખીને દેશભક્તિના ગીતો પર રીલ બનાવનાર એક યુવાનને પોલીસે જેલની સળિયા પાછળ ધકેલી દીધો છે. આ યુવકે હાથમાં હથિયાર લઈ, બુલેટ બાઇક પર રોફ જમાવીને દેશભક્તિનાં ગીતો પર રીલ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે ધ્યાને આવતા જ દ્વારકા પોલીસે તેની સામે કડક કાર્યવાહી કરી જેલની હવા ખવડાવી છે.
સોશિયલ મીડિયા પર લાઈક્સ અને કોમેન્ટ મેળવી ફેમસ થવાની ઘેલછામાં આજની યુવા પેઢી ન કરવાના કાંડ કરી નાખે છે, ત્યારે દ્વારકાનો આ યુવાન પણ ફેમ મેળવવાના ચક્કરમાં દ્વારકાના સુપ્રસિદ્ધ સુદર્શન બ્રિજ પર જાહેરમાં હાથમાં હથિયાર લઈને રીલ બનાવી રહ્યો હતો, આટલું જ નહીં તે પોતાને ફોજી અને પોલીસ અધિકારી તરીકે રજૂ કરવાનો દાવો કરતો હતો. જોકે હવે પોલીસે તેને હકીકતમાં જેલની હવા ખવડાવીને સબક શીખવાડ્યો છે.
આ રીલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @Kanzariakurji નામના એકાઉન્ટ પરથી શેર થઈ હતી. જે વીડિયોમાં આ યુવક સુદર્શન બ્રિજ પર ધોળા દિવસે જાહેરમાં હથિયાર બતાવી રોફ જમાવીને રીલ બનાવી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં ‘સંદેશે આતે હે…’ અને ‘હમ ફોજી’ જેવા દેશભક્તિનાં ગીતો ચાલી રહ્યા છે. જે પોલીસને ધ્યાને આવતા જ દ્વારકા પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે.
યાત્રાધામ દ્વારકામાં દરરોજ હજારો ભક્તોની અવરજવર થતી હોય છે, અને ખાસ આ બધા પ્રવાસીઓ સુદર્શન બ્રિજથી જ પસાર થતા હોય છે, ત્યારે ધોળા દિવસે આવી રીતે જાહેરમાં હથિયાર બતાવી રોફ જમાવતો દેખાઈ રહ્યો છે. જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો પણ ભયભીત થઈ રહ્યા છે. જેની જાણ થતા જ દ્વારકા પોલીસ એક્શનમાં આવી, જાહેર સ્થળે હથિયાર બતાવીને ભય ફેલાવવો અને ખોટી રીતે સરકારી અધિકારી તરીકે ઓળખ આપવાનો ગુનો નોંધી તેને જેલમાં ધકેલ્યો છે. આ ઉપરાંત પોલીસે, રીલમાં દેખાતું હથિયાર અને બુલેટ બાઇક પણ જપ્ત કર્યું છે.
નોંધનીય છે કે, હાલના સમયમાં યુવાનો ઘણી વાર પોતાને અને ઘણી વાર બીજાની જિંદગીને પણ જીવના જોખમમાં મૂકી દે છે, તાજેતરમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની લ્હાયમાં યુવાનો દ્વારા કરવામાં આવતી ખતરનાક હરકતો પર આ ઘટનાએ ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે. જાહેર સ્થળે હથિયારો સાથે રીલ બનાવવી એ ન માત્ર ગેરકાયદેસર છે, પરંતુ તે લોકોમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ પણ ઊભું કરે છે. જેથી દ્વારકા પોલીસની આ કડક કાર્યવાહીથી એવો સંદેશો ગયો છે કે આવી હરકતો સામે કોઈ રાહત આપવામાં નહીં આવે.
Dwarka,Jamnagar,Gujarat
August 13, 2025 2:22 PM IST

