Final Up to date:
સાપુતારાના ટેબલ પોઇન્ટ પર ધૂમ સ્ટાઇલ બાઈક સ્ટન્ટ કરી ઉપદ્રવ મચવનારા બાઈક સવારો પર પોલીસે કરી કાર્યવાહી
સાપુતારા: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રજાસત્તાક પર્વની રજાઓમાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. આ ભીડનો ગેરલાભ ઉઠાવી, જાહેર માર્ગો અને પર્યટન સ્થળો પર જોખમી રીતે બાઈક સ્ટંટ કરી પ્રવાસીઓમાં ફફડાટ ફેલાવનારા તત્વો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. સાપુતારાના પ્રખ્યાત ટેબલ પોઈન્ટ પર ધૂમ સ્ટાઈલથી સ્ટંટ કરી આતંક મચાવનારા અંદાજે 70 જેટલા બાઈક સવારોને ઝડપી પાડી તેમની મોટરસાઈકલ કબ્જે કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, 26મી જાન્યુઆરીના પર્વ પર સાપુતારામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવ્યા હતા. આ દરમિયાન ટેબલ પોઈન્ટ પર કેટલાક ‘લબરમૂછિયા’ યુવાનો બેફામ ગતિએ બાઈક ચલાવીને જોખમી સ્ટંટ કરી રહ્યા હતા. આ યુવાનો માત્ર પોતાનો જીવ જ નહીં, પરંતુ ત્યાં ફરવા આવેલા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા હતા. બાઈકના કર્કશ અવાજ અને સ્ટંટના કારણે પ્રવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રવાસીઓની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે સાપુતારા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે ટેબલ પોઈન્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં કોર્ડન કરી સ્ટંટબાજોને આંતર્યા હતા. કાયદાનું ઉલ્લંઘન કરનારા અને ટ્રાફિકના નિયમો નેવે મૂકનારા 70 જેટલા બાઈક સવારો સામે લાલ આંખ કરી તેમની બાઈક કબ્જે કરવામાં આવી હતી. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી સ્ટંટબાજોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
પોલીસની આ કાર્યવાહીને પ્રવાસીઓએ વધાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે, સાપુતારામાં વારંવાર આવા તત્વો દ્વારા અશાંતિ ફેલાવવામાં આવે છે. આ દરમિયાન હાલમાં કબ્જે કરાયેલા વાહનોના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

