Final Up to date:
જાબડીયા ગામે DJ પ્રથા ઉલ્લંઘનના આરોપ બાદ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજમાંથી બહાર કરાયા છે, જે બાદ બંને કલાકારોએ આ નિર્ણયને લોકશાહી વિરોધી ગણાવી પ્રતિક્રિયા આપી છે.
બનાસકાંઠા: ડીસાના જાબડીયા ગામે ઠાકોર સમાજ દ્વારા લેવાયેલા એક કડક નિર્ણય બાદ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સમાજે તાજેતરમાં જ બનાવેલ બંધારણ મુજબ, લગ્ન પ્રસંગમાં DJ પ્રથા પર પ્રતિબંધના નિયમનું ઉલ્લંઘન કરી ડીજે (DJ) વગાડવાના આરોપ હેઠળ જાણીતા લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજમાંથી એક વર્ષ માટે બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સામે બંને કલાકારોએ આક્રોશભરી પ્રતિક્રિયા આપી છે.
સમાજની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય બાદ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમને પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવી નથી. કલાકારોએ રોષે ભરાતા કહ્યું કે, “ભારતની ન્યાયની પ્રક્રિયામાં કોર્ટ પણ આરોપીને પૂછે છે, પરંતુ અહીં સમાજના લોકોએ અમને પૂછ્યા વગર જ નિર્ણય લઈ લીધો છે અને નિર્ણય લેતા સમયે અમને બોલાવવામાં પણ આવ્યા નથી.”
બંને કલાકારોએ સ્પષ્ટતા કરી કે, લગ્ન પ્રસંગે સમાજના માન-સન્માન ખાતર તેમણે લાખો રૂપિયાનો ઓર્ડર કેન્સલ કરીને ઘરે રહ્યા હતા. જેથી આ નિર્ણયથી તેમની લાગણી દુભાવવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે, આખા સમાજનો આ નિર્ણય નથી, પરંતુ માત્ર ચાર માણસો મીટિંગમાં ગયા હતા અને તેમણે જ આ નિર્ણય લઈ લીધો છે. જ્યારે “આખું ગામ અમારી સાથે છે” તેમ તેમણે ઉમેર્યું હતું.
ગબ્બર ઠાકોરે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “આ માત્ર અમને નહીં, પણ સમાજના છોકરાઓને દબાવવાની વાત છે.” આટલું જ નહીં, બંને કલાકાર નિર્ણય માટે સમાજના આગેવાનોની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેમની સાથે કોઈ પણ કલાકારે યોગ્ય વાતચીત નહીં કરી હોવાનો દાવો બંને કલાકારોએ કર્યો છે.
હવે આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આગામી સમયમાં તેઓ પોતે એક મોટી મીટિંગ બોલાવશે અને સમાજના લોકો સમક્ષ પોતાની વાત મૂકશે તેવી વાત ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાના મીડિયા સમક્ષના નિવેદનમાં કરી છે, ત્યારે એક તરફ ઠાકોર સમાજ પોતાના નવા 15 મુદ્દાના બંધારણને ચુસ્તપણે અમલી બનાવવા મક્કમ છે, તો બીજી તરફ જાણીતા કલાકારો આ નિર્ણયને લોકશાહી વિરોધી ગણાવતા આ મુદ્દે હાલ ચર્ચાઓ શરૂ થઈ છે.
Banaskantha,Gujarat

