Final Up to date:
સોશિયલ મીડિયા પર વાયરલ થવાની રેસમાં જીવ જોખમમાં મૂકનારી એક દુ:ખદ ઘટના ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં બની છે. ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતી વખતે 27 વર્ષની એક મહિલાનું મોત થયું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થવાની રેસમાં જીવ જોખમમાં મૂકનારી એક દુ:ખદ ઘટના ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં બની છે. ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતી વખતે 27 વર્ષની એક મહિલાનું મોત થયું છે. આ મહિલા ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવા માટે ફાંસી લગાવવાનું નાટક કરી રહી હતી અને એક નાનકડી ભૂલથી તેનો જીવ જતો રહ્યો.
આ ઘટના બાંદા જિલ્લાના બાબેરુ ગામના કરુઇયા પુરવા વિસ્તારમાં બની. મૃત મહિલાનું નામ મોહિની હતું (પતિનું નામ જગદીશ). તેને સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો શોખ હતો અને તે અવારનવાર વીડિયો બનાવીને અપલોડ કરતી હતી. 6 ફેબ્રુઆરીની સાંજે મોહિની પોતાના રૂમમાં મોબાઇલથી રીલ શૂટ કરી રહી હતી.
આ વીડિયોમાં તેને ફાંસી લગાવવાનું નાટક કરવાનું હતું. તેણે છતના હુક પર દોરડું બાંધ્યું, એક સ્ટૂલ પર ઊભી થઈ અને દોરડું ગળામાં નાખીને એક્ટિંગ શરૂ કરી. રીલ બનાવતી વખતે અચાનક તેનું બેલેન્સ બગડ્યું તેના પગ સ્ટૂલ પરથી લપસી ગયા. પગ લપસતા જ તેને ખરેખરમાં ગળામાં ફાંસી લાગી ગઈ અને થોડીક સેકન્ડમાં જ તેનું મોત થઈ ગયું.
આ દુ:ખદ ઘટનાની ત્યારે ખબર પડી, જ્યારે તેની 4 વર્ષની નાની દીકરી રૂમમાં આવી અને માતાને લટકેલી હાલતમાં જોઈ. બાળકી ખૂબ જોરથી રડવા લાગી. જેથી પરિવારજનો તાત્કાલિક રૂમમાં દોડી આવ્યા. શરૂઆતમાં બધાને લાગ્યું કે મોહિનીએ આત્મહત્યા કરી લીધી છે, પરંતુ તપાસમાં ખબર પડી કે તે રીલ બનાવી રહી હતી અને ત્યારે જ આ દુર્ઘટના સર્જાઈ.
ઘટનાની જાણ થતાં જ બાબેરુ પોલીસ સ્ટેશનની ટીમ અને પોલીસ અધિક્ષક પલાશ બંસલ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. એસ.પી. પલાશ બંસલે જણાવ્યું કે, “પ્રાથમિક તપાસમાં આ રીલ બનાવતી વખતે થયેલો અકસ્માત જણાય છે. પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે.”
આ ઘટના એક વખત ફરી યાદ અપાવે છે કે સોશિયલ મીડિયા પર લાઇક, વ્યૂ અને ફોલોઅર્સ મેળવવાની દોડમાં લોકો કેટલી ખતરનાક હરકતો કરી બેસે છે. વાયરલ થવાની લાલચમાં જીવનને જોખમમાં મૂકવો એ ખૂબ જ જોખમી છે. આવા ટ્રેન્ડ્સ અને નાટકીય રીલ્સ બનાવતા પહેલાં સુરક્ષાનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે, નહીં તો એક નાની ભૂલ જીવન છીનવી લે છે.

