Final Up to date:
રાજકોટમાં ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં મધ્યપ્રદેશના 22 વર્ષીય વિદ્યાર્થી દેવાંશ જોષીની ધરપકડ થઈ છે. તેણે નોકરી છૂટ્યા બાદ બેન્ક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવ્યું હતું. દેલવાડીયા દંપતીને 45 દિવસ ડિજિટલ અરેસ્ટમાં રાખી 1.15 કરોડ રૂપિયા ખંખેરાયા હતા.
રાજકોટ: રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસે ડિજિટલ અરેસ્ટ અને ઓનલાઇન છેતરપિંડીના કેસમાં મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના રહેવાસી 22 વર્ષીય દેવાંશ ઉર્ફે કાનો જોષીની ધરપકડ કરવામાં આવી છે. દેવાંશ બી.સી.એ. ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ કેસમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
વિગતે વાત કરીએ તો, અગાઉ રાજકોટ સેશન્સ કોર્ટમાં આસિસ્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક દિનેશ દેલવાડીયા (ઉંમર 69)એ રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગત 24 ઓગસ્ટ 2025ના રોજ સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેટલાક અજાણ્યા શખ્સોએ વોટ્સએપના માધ્યમથી તેમનો સંપર્ક કર્યો હતો અને પોતે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપી મની લોન્ડરિંગ અને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 45 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા હતા.
ફરિયાદ મુજબ, આરોપીઓએ દિનેશ દેલવાડીયા સહિત તેમની પત્નીને પણ 45 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા હતા અને તા. 10 જુલાઈથી 31 જુલાઈ 2025 વચ્ચે અલગ અલગ બેન્ક ખાતાઓમાં કુલ 88 લાખ રૂપિયાથી વધુની રકમ બળજબરીપૂર્વક ટ્રાન્સફર કરાવી હતી. ઉપરાંત ગોલ્ડ લોનમાંથી મળેલા આશરે 27 લાખ રૂપિયા પણ આરોપીઓને ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ સાઇબર ક્રાઇમની ફરિયાદ મળતા જ રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસે બીએનએસની કલમ 308 (6) ખંડણી (Extortion), 351(2) (ગુનાહિત ધાકધમકી), 319(2) (છેતરપિંડી), 204 (સરકારી અધિકારીનો ઢોંગ કરવો), 318(4) તેમજ આઇટી એક્ટની કલમ 66 ડી મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી અને જુદા જુદા બેન્ક એકાઉન્ટ તપાસ શરૂ કરી હતી.
આ કેસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આ ગુનામાં દસ જેટલા અલગ અલગ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક એકાઉન્ટ દેવાંશ ઉર્ફે કાનો જોષીનું હોવાનું બહાર આવ્યું હતું. દેલવાડીયાના ખાતામાંથી આઠ લાખ રૂપિયા સીધા દેવાંશના ખાતામાં જમા થયા હતા. જેથી પોલીસે તેમની તાત્કાલિક ધરપકડ કરી હતી અને બાદમાં તેની પૂછપરછમાં તેના એકાઉન્ટમાં જમા થયેલ ફરિયાદી દિનેશ દેલવાડીયાના 8 લાખ રૂપિયા જેટલી રકમ બદલ તેને આશરે દોઢ લાખ રૂપિયાનું કમિશન મળ્યું હતું.
આ મામલે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એસીપી ચિંતન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેવાંશે પોતાનું બેન્ક એકાઉન્ટ ખોલીને તેની કીટ પોતાના સંબંધી કેતન જોષીને આપી હતી. જેથી હાલ કેતન જોષીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસ દરમિયાન દેવાંશના બેન્ક એકાઉન્ટ સામે NCRP પોર્ટલ પર અગાઉથી જ 21 ફરિયાદ નોંધાઈ ચૂકી હોવાની વિગતો સામે આવી છે.
વધુમાં એસીપી ચિંતન પટેલે કહ્યું કે, પ્રાથમિક પૂછપરછમાં દેવાંશે જણાવ્યું છે કે તે અભ્યાસ સાથે ખાનગી નોકરી કરતો હતો, પરંતુ નોકરી છૂટી જતા આર્થિક મુશ્કેલી ઊભી થઈ હતી. ત્યારબાદ સંબંધીએ બેન્ક એકાઉન્ટ ભાડે આપવાથી કમિશન મળવાની લાલચ આપતા તેણે પોતાનું એકાઉન્ટ ઉપયોગ માટે આપ્યું હતું. ત્યારે હવે દેવાંશને ગુરુવારે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ઉપરાંત આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેથી આગામી તપાસમાં આ કેસમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.

