Final Up to date:
મહારાષ્ટ્રના સંભાજીનગર (ઓરંગાબાદ) ખાતેથી છળકપટપૂર્વક એક નવજાત બાળકી મેળવી સુરત શહેરમાં વેચાણ કરવાના ઇરાદે લાવવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
સુરત: સુરત શહેરમાં બાળ તસ્કરી જેવા ગંભીર ગુનાને અંજામ આપવા આવેલા બે મહિલા આરોપીઓને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. મહારાષ્ટ્રના સંભાજીનગર (ઓરંગાબાદ) ખાતેથી છળકપટપૂર્વક એક નવજાત બાળકી મેળવી સુરત શહેરમાં વેચાણ કરવાના ઇરાદે લાવવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અન્ય રાજ્યોમાંથી ગુનાઓ આચરી સુરતમાં આશરો લેતા આરોપીઓને પકડી પાડવાના હેતુથી પોલીસ કમિશ્નર સુરત શહેર દ્વારા ક્રાઈમ બ્રાંચને ખાસ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.બી.ના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો સક્રિય રીતે કામગીરી કરી રહી હતી.
દરમિયાન ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે, બે મહિલાઓ એક નવજાત બાળકી લઈને સુરત શહેરમાં તેને વેચવા માટે પ્રયત્નો કરી રહી છે. આ ગંભીર બાતમીના આધારે તરત જ માહિતીની ખરાઈ કરી, તા. ૩૦/૦૧/૨૦૨૬ના રોજ ક્રાઈમ બ્રાંચની ટીમે સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા વેડરોડ, વિશ્રામનગર સોસાયટી પ્લોટ નંબર-૧૯૬-૧૯૭ સ્થિત રાંદલ પાર્ક એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર G/2 પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ત્યાંથી બે મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી અને તેમની પાસેથી આશરે ૧૦ દિવસની એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકીના જન્મ સંબંધિત હોસ્પિટલના કાગળો કે અન્ય કોઈ માન્ય પુરાવા રજૂ કરવા જણાવતાં આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
પોલીસ દ્વારા યુક્તિપ્રયુક્તિથી કરાયેલ પૂછપરછમાં આરોપી મહિલાઓએ કબૂલાત કરી હતી કે, તેઓ આ નવજાત બાળકી મહારાષ્ટ્રના સંભાજીનગર ખાતેથી એક મહિલા પાસેથી મેળવી સુરત શહેરમાં વેચવા માટે લાવ્યા હતા. આથી સ્પષ્ટ થતાં પોલીસે બંને મહિલાઓ સામે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ મહિલા આરોપીઓના નામ નીચે મુજબ છે: અંજલીબેન નિર્મલભાઈ મિશ્રા, ઉંમર ૩૯ વર્ષ, વ્યવસાય ઘરકામ, રહેવાસી વિશ્રામનગર સોસાયટી, રાંદલ એપાર્ટમેન્ટ, ચોકબજાર, સુરત. મૂળ રહેવાસી ગામ ચિલોલા, તાલુકો જી. રાયબરેલી, ઉત્તરપ્રદેશ. લક્ષ્મીબેન બાલાજી સોનવણે, ઉંમર ૪૪ વર્ષ, વ્યવસાય સાડી કટીંગ, રહેવાસી પી-૧, સુમન વંદન પ્રધાનમંત્રી આવાસ, વણકલા, જહાંગીરપુરા, સુરત. મૂળ રહેવાસી ગામ કુંડન, તાલુકો શીલ્લોડ, જિલ્લા સંભાજીનગર (ઓરંગાબાદ), મહારાષ્ટ્ર.
આરોપીઓ સામે ચોકબજાર પોલીસ સ્ટેશન પાર્ટ-એમાં ફરિયાદ નંબર 0172/2026 નોંધવામાં આવી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 143(1), 143(4) અને 61 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળેલી નવજાત બાળકીનું પૂરું નામ-સરનામું હાલ અજાણ છે. પોલીસે બાળકીની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે, આ બન્ને મહિલાઓ અગાઉ પણ આ રીતે અન્ય રાજ્યોમાંથી બાળકો કે બાળકીઓને છળકપટ કે ચોરી દ્વારા લાવી વેચાણમાં સંડોવાયેલી હતી કે કેમ. આ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાંચની આ કામગીરીએ બાળ તસ્કરીના ગંભીર ગુનાને અટકાવી એક નિર્દોષ નવજાતનું જીવન બચાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Jan 31, 2026 11:57 PM IST

