LPG scarcity India : કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની ઉપલબ્ધતા અંગે ફેલાયેલી આશંકાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું હતું કે છૂટક દુકાનો પર સ્ટોક ખતમ થવાની કોઈ ઘટના નોંધાઈ નથી, પેટ્રોલ અને ડીઝલ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
સુજાતા શર્માએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ક્રૂડ ઓઇલ અને રિફાઇનરીઓની વાત છે, અમારી પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો પુરવઠો છે અને આપણી રિફાઇનરીઓ પણ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે. રિટેલ આઉટલેટ્સ પર સ્ટોક ખતમ થવાની કોઈ ઘટના બની નથી, પેટ્રોલ અને ડીઝલ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. આપણી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્થાનિક સ્તરે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન કરીએ છીએ, તેથી આપણે આયાત કરવાની જરૂર નથી.
તેમણે કહ્યું કે જ્યાં સુધી પ્રાકૃતિક ગેસનો સવાલ છે, ગઈકાલે મેં સરકારના તે ઉદ્દેશ્ય તરફ તમારું ધ્યાન દોર્યું હતું કે જ્યાં પણ વાણિજ્યિક ગ્રાહકોને તેમના એલપીજી પુરવઠામાં મુશ્કેલીઓ અથવા વિક્ષેપોનો સામનો કરવો પડી રહ્યો છે, તેમને પીએનજી કનેક્શન પર સ્થાનાંતરિત કરવા જોઈએ. આ ઉદ્દેશ્યને આગળ વધારતા, ગેઇલ (ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ) એ વિવિધ સીજીડી ઓપરેટરો સાથે બેઠક યોજી હતી અને જ્યાં પણ શક્ય હોય ત્યાં તમામ પાત્ર વ્યાપારી ગ્રાહકોને પીએનજી કનેક્શન પ્રદાન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાની સલાહ આપી હતી.
પેનિક બુકિંગ કરવાના મામલા હજુ પણ ખૂબ વધારે છે
એલપીજી સપ્લાય અંગે તેમણે કહ્યું કે મારે કહેવું જોઈએ કે વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને જોતા તે આપણા માટે ચિંતાનો વિષય છે, જો કે હજી સુધી સ્ટોક ખતમ થઈ ગયો હોવાના કોઈ અહેવાલ નથી. તેમણે કહ્યું કે હું એક વસ્તુ પર ફરીથી ભાર મૂકવા માંગુ છું જે પેનિક બુકિંગ કરવાના મામલા હજી પણ ખૂબ વધારે છે. ગઈકાલે મેં જે આંકડો આપને જણાવ્યો હતો લગભગ 75 થી 76 લાખ બુકિંગ હવે વધીને લગભગ 88 લાખ થઈ ગયા છે, આ પેનિક બુકિંગ છે, એટલા માટે મારી વિનંતી છે કે પેનિક બુકિંગ ટાળો અને જરૂર પડ્યે બુકિંગ કરો.
આ પણ વાંચો – ઓમાનમાં ઇરાનના ડ્રોન હુમલામાં 2 ભારતીયોના મોત, 10 ઇજાગ્રસ્ત, વિદેશ મંત્રાલયે પૃષ્ટી કરી
સુજાતા શર્માએ જણાવ્યું હતું કે કોમર્શિયલ સિલિન્ડર વિશે ઘણી ચર્ચા થઈ છે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોમર્શિયલ કન્ઝ્યુમરને થોડો એલપીજી આપવો જોઈએ અને આ સંદર્ભે રાજ્ય સરકારે પણ વાત કરી છે અને લગભગ 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ સિલિન્ડરનું વિતરણ શરૂ થઈ ગયું છે અને તે ગ્રાહકોને મળી રહ્યા છે.
એલપીજી લઈને આવી રહેલા જહાજો 16-17 માર્ચે ભારત આવશે
ભારત સરકારના શિપિંગ મંત્રાલયના રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે ફારસની ખાડી ક્ષેત્રમાં હાજર તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં તેમની સાથે કોઈ અનિચ્છનીય ઘટનાનો કોઈ અહેવાલ નથી. હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમમાં આવેલા ફારસની ખાડીમાં 24 ભારતીય ધ્વજવાળા જહાજો હતા. આમાંથી બે જહાજ શિવાલિક અને નંદા દેવી ભારતીય ધ્વજવાળા જહાજ છે અને બંને એલપીજી કેરિયર છે. આ બંને જહાજો ગઈકાલે મોડી રાત્રે અથવા આજે સવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયા હતા અને હવે તે ભારત તરફ આગળ વધી રહ્યા છે.
સિન્હાએ કહ્યું કે આ જહાજો લગભગ 92,700 મેટ્રિક ટન એલજીપી લઈ જઈ રહ્યા છે, જે મુન્દ્રા અને કંડલા બંદરો પર પહોંચશે. જ્યાં પહોંચવાની સંભવિત તારીખ અનુક્રમે 16 માર્ચ અને 17 માર્ચ છે. હવે ફારસની ખાડીમાં ભારતીય ધ્વજવાળા 22 જહાજો બાકી છે, જેમાં કુલ 611 ખલાસીઓ સવાર છે.
