Final Up to date:
પાકિસ્તાનના ખેલાડી ઉસ્માન તારિકની બોલિંગ હાલ સોશિયલ મીડિયા પર ઘણું ચર્ચાનું કેન્દ્ર બની છે. તેની બોલિંગને લઈને ઘણા સવાલો ઉઠ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે બોલિંગમાં બોલરે છુટ્ટો ઘા કર્યો તેવું ક્યારે કહી શકાય.
નવી દિલ્હી: T20 વર્લ્ડકપ શરૂ થયો ત્યારથી પાકિસ્તાનની ટીમ ચર્ચામાં છે. પહેલા તો ભારત સાથે મેચ રમવાની વાતને લઈને ચર્ચામાં હતી અને હવે પાકિસ્તાનની ટીમ તેના સ્પિનર ઉસ્માન તારિકને લઈને ચર્ચામાં છે. વર્લ્ડકપની એક મેચમાં ઉસ્માન તારિકે 3 વિકેટ લીધી અને ટીમની જીતમાં તેની મહત્વની ભૂમિકા નિભાવી હતી.જોકે સૌથી વધારે ચર્ચા તેની બોલિંગ સ્ટાઈલને લઈને થઈ છે. સોશિયલ મીડિયાથી લઈને ટીવી ડિબેટ પર પણ એ સવાલ ઊભો થયો છે કે તેની બોલિંગ એક્શન નિયમોના અંતર્ગત છે કે પછી તે છુટ્ટો ઘા કરી રહ્યો છે. ક્રિકેટમાં ક્યારે અને કેવી રીતે બોલિંગને ચકિંગ એટલે કે છુટ્ટો ઘા માનવામાં આવે છે, તેના વિશે આજે અમે તમને જણાવીશું.
યુએસએને પાકિસ્તાને 32 રને હરાવ્યું. આ મેચમાં સ્પિનર ઉસ્માન તારિકે 4 ઓવરમાં 27 રન આપ્યા અને 3 વિકેટ લીધી. તેનું પ્રદર્શન ટીમના જીતનો મહત્વનો ભાગ હતો. જોકે મેચ પૂરી થયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ વચ્ચે તેની બોલિંગની સ્ટાઈલને લઈને ચર્ચા શરૂ થઈ હતી. ઘણા લોકોએ તેની બોલિંગ સ્ટાઈલ પર સવાલો ઉઠાવ્યા હતા.જોકે આ પહેલી વાર નથી કે જ્યારે કોઈ પાકિસ્તાની બોલરના એક્શન પર સવાલો ઉઠ્યા હોય. ક્રિકેટમાં બોલિંગ અને થ્રો એટલે કે છૂટ્ટો ઘા કરવામાં ફર્ક સ્પષ્ટ છે. જ્યારે બોલર બોલને રિલીઝ કરે છે, ત્યારે તે પોતાની કોણીને વધારે સીધી કરે છે કે પછી ઝટકો આપે તો તેને થ્રોઈંગ એટલે સામાન્ય ગુજરાતી ભાષામાં બોલનો છુટ્ટો ઘા કર્યો એવું કહી શકાય. ક્રિકેટની ભાષામાં તેને ચકિંગ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે.
આઈસીસીના નિયમો પ્રમાણે બોલ ફેંકતા સમયે કોણીનો ભાગ 15 ડિગ્રીથી વધારે ન હોવી જોઈએ. એટલે કે બોલર પોતાની કોણીને થોડીક વાળી શકે છે. કારણકે તે કુદરતી છે પરંતુ 15 ડિગ્રીથી વધારે જો કોણીને વાળવામાં આવી તો તેને ખોટી પદ્ધતિ માનવામાં આવે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા બાયોમેકેનિકલ સ્ટડી બાદ આ સીમા નક્કી કરવામાં આવી છે. શોધમાં જાણવા મળ્યું કે બોલરની કોણી બોલ નાખતા સમયે સ્વાભાવિક રૂપે અમુક ડિગ્રી સુધી વળે અને સીધી થાય છે. જેથી 15 ડિગ્રી સુધી છૂટ આપવામાં આવી છે. જો તેનાથી વધારે કોણી વળે ત્યારે તે બોલરની બોલિંગને શંકાસ્પદ માનવામાં આવે છે.
આ મુદ્દે જ્યારે મેદાનમાં હાજર અમ્પાયરને શંકા હોય તો તે બોલરને રિપોર્ટ કરી શકે છે. બાદમાં બાયોમેકેનિકલ ટેસ્ટ થાય છે. ટેસ્ટમાં બોલરની એક્શન નિયમોની વિરુદ્ધમાં જાણવા મળે તો ત્યારે ખેલાડી પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે જ્યાં સુધી તે પોતાની એક્શન સુધારી નહીં. ઘણા લોકો એવું વિચારે છે કે વધારે કોણી વાળીને બોલ ફેંકવાથી સ્વિંગ કે ટર્ન મળે છે. પરંતુ એવું નથી હોતું. ફાસ્ટ બોલર એંગલ બનાવવા માટે ક્રીઝનો ઉપયોગ કરે છે. ઇનસ્વિંગ માટે બોલર ક્રીઝથી નજીકથી બોલિંગ કરે છે અને સીમા દિશા બદલે છે. જેથી બોલ બેટર પાસે જાય.
આઉટસ્વિંગ માટે બોલર વાઈડ ઓફ ધ ક્રીઝથી બોલ નાખે છે. જેથી બોલ બહારની તરફ જાય છે. સ્પિનર કાંડા અને આંગળીઓની વચ્ચે બોલને ફેરવે છે. જેથી બોલની રોટેશન અને સ્પીડમાં બદલાવ આવે અને ટર્ન કરે છે. તે કોણીને વધારે સીધી નથી કરતા.
New Delhi,Delhi
Feb 12, 2026 10:05 PM IST

