Final Up to date:
BCGની આગામી ચૂંટણી 6 માર્ચે યોજાશે અને 99 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. 30 ટકા મહિલા અનામતના જોગવાઈઓ સાથે 25 સભ્યોની ટીમ તૈયાર થશે. વકીલ મતદારો માટે આ વખતે બે અલગ-અલગ પોલિંગ સ્ટેશનોની વ્યવસ્થા છે. આ ચૂંટણી વહીવટી પ્રક્રિયા ઉપરાંત વકીલ સમાજમાં પ્રતિનિધિત્વ અને સમાનતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી છે.
અમદાવાદ : BCGની આગામી ચૂંટણી 6 માર્ચે યોજાવાની છે. આ ચૂંટણી દ્વારા આગામી પાંચ વર્ષ માટે BCGની નવી કમિટીની રચના કરવામાં આવશે. કુલ 103 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 99 એડવોકેટના ફોર્મ માન્ય ઠરવામાં આવ્યા છે. બે ઉમેદવારોના ફોર્મમાં ખામીઓ હોવાને કારણે તે રદ્દ કરવામાં આવ્યા છે, જ્યારે બે ઉમેદવારોએ સ્વેચ્છાએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. આ રીતે હવે 99 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે.
આ ચૂંટણીમાં ખાસ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે 30 ટકા મહિલા ઉમેદવારો માટે અનામત જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે. 23 સભ્યો માટેની ચૂંટણીમાં ઓછામાં ઓછા પાંચ મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત કરવામાં આવશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા બે મહિલા ઉમેદવારોની કો-ઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે, જેથી કુલ 25 સભ્યોની ટીમ તૈયાર થશે.
વકીલ મતદારોની સુવિધા વધારવા માટે આ વખતે બે અલગ-અલગ પોલિંગ સ્ટેશન પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. એક પોલિંગ સ્ટેશન ગુજરાત હાઇકોર્ટ ખાતે રહેશે, જયારે બીજું ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના અટલ કલામ હોલ ખાતે રહેવાનું છે. આ રીતે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી આવતા વકીલોને મતદાનમાં સરળતા મળશે.
27 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી જનરલ બોડી મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વરદાન વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા તથા યોગમાયા એમ.જી. વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસના ચુકાદાઓના આધારે આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ ચૂંટણી વહીવટી પ્રક્રિયા સાથે વકીલ સમાજમાં પ્રતિનિધિત્વ, પારદર્શિતા અને સમાનતા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
Ahmedabad,Gujarat
Feb 13, 2026 10:31 PM IST

