Final Up to date:
અમદાવાદના શિરીશ પટેલે પત્નીની મિત્ર જીગીશા જાદવની કંપનીમાં 3.83 કરોડ રોક્યા હતા, જેમાં 20-30% વળતરનું લોભ આપીને જીગીશાએ શરૂઆતમાં થોડું નફું આપ્યું, પછી બહાના બતાવી રફ્ફુચક્કર થઈ ગઈ. CID Crime તપાસ શરૂ થઈ છે, જીગીશા સામે ગુનો નોંધાયો.
અમદાવાદ: શહેરમાં રહેતો એક ભણેલો ગણેલો યુવક પોતાની પત્નીની બહેનપણીની વાતોમાં આવી કરોડો રૂપિયાની ઠગાઈનો ભોગ બન્યો છે. આ ‘શેર બજારમાં ગેરેન્ટેડ રીટર્ન મળશે તથા 20થી 30 ટકા વળતર મળશે’ તેવી લોભામણી લાલચ આપી 3.83 કરોડથી વધુ રૂપિયા લઈ આ ભેજાબાજ મહિલા રફ્ફુચક્કર થઈ જતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે ગંભીરતા દાખવી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો, અમદાવાદ શહેરના નરોડા હંસપુરા વિસ્તારમાં દહેગામ રોડ નજીક 33 વર્ષીય શિરીશ પટેલ નામનો યુવક પત્ની અને બાળક સાથે રહે છે અને પોતે આયુર્વેદિક પ્રોડક્ટ્સનો વેપાર કરે છે. આ શિરીશભાઈની પત્ની વર્ષ 2009માં ઝુંડાલ ખાતે આવેલી પીટીસી કોલેજમાં અભ્યાસ કરતી હતી. ત્યારે જીગીશા જાદવ નામની યુવતી પણ અભ્યાસ કરતી હતી. જેથી શિરીશભાઈની પત્ની અને આ જીગીશા વચ્ચે મિત્રતા બંધાઈ હતી, આથી શિરીશભાઈ પણ જીગીશાને ઓળખતા હતા.
દરમિયાન આ જીગીશા ફેસબુક અને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર શેર બજારમાં ગેરેન્ટેડ 20થી 30 ટકા દર મહિને પાકતી મુદતે રીટર્ન આપવાનું જણાવીને જાહેરાત પોસ્ટ કરતી રહેતી હોવાનું જોઈને શિરીશભાઈને પણ લાલચ જાગી અને તેઓએ પત્નીની મિત્ર હોવાથી વિશ્વાસ રાખીને જીગીશા જાદવની કંપનીમાં જુન 2023થી માર્ચ 2024 સુધીમાં પોતે અને પરિવાર તથા મિત્ર વર્તુળના કુલ 3.83 કરોડ રૂપિયા ટુકડે ટુકડે રોકાણ કર્યા હતા.
શરૂઆતમાં મહિલાએ શિરીશભાઈને થોડા ઘણાં રૂપિયા નફા અને વળતર પેટે પાછા આપ્યા હતા. ત્યાર બાદ શિરીશભાઈ અન્ય સબંધીઓના અને પોતાના મળીને કુલ રૂ.3.83 કરોડ રૂપિયાનું રોકાણ ‘ગ્રો મની ધ ટ્રેડીંગ પ્લેટફોર્મ કંપની’માં માર્ચ 2024 સુધીમાં રોક્યા બાદ જીગીશા જાદવે વળતર ચૂકવવાની તારીખે વળતર નહીં આપીને અલગ અલગ બહાના બતાવવા લાગી હતી. આખરે કંટાળીને શિરીશભાઈ આ મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે જીગીશા જાદવ (રહે. સુરત) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હાલની તપાસમાં સામે આવ્યું છે કે, આ ભેજાબાજ મહિલા સોશિયલ મીડિયા પર જોરશોરથી જાહેરાત કરીને લોકોને ઠગતી હતી. આ માટે તેણીએ ગ્રો મની ધ ટ્રેડીંગ પ્લેટફોર્મ કંપની ઊભી કરી હતી અને કંપનીનું સૂત્ર રાખ્યું હતું – ‘ઇન્વેસ્ટમેન્ટ મોર ગ્રો મની મોર’. મહિને 20થી 30 ટકા રોકાણ પર નફો મળશે તેવી લાલચ આપી. દર ત્રણ મહિને પાકતી મુદતે નફા સાથે વળતર આપવાની વાત કરતી હતી. આટલું જ નહીં, તે સૌને ફસાવવા માટે ઓનલાઈન મીટીંગ અને સેમીનાર પણ કરતી. જેથી પોલીસે આ તમામ તથ્યોને ધ્યાને લઈને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Ahmedabad,Gujarat
Jan 18, 2026 11:44 PM IST

