Final Up to date:
દ્વારકામાં દંપતી આત્મહત્યા ચકચારી કેસમાં, મરવા મજબૂર કરવાના આરોપમાં પત્નીનો પૂર્વ પ્રેમી 9 મહિના બાદ ઝડપાયો છે. ગયા વર્ષે દ્વારકાના મીઠાપુરમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના જીવનમાં ઝેર ઘોળતા પતિ-પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા: ગયા વર્ષે મીઠાપુરમાં પતિ-પત્નીની આત્મહત્યાના ચકચારી કેસમાં હાલ નવી માહિતી સામે આવી રહી છે. ઘટના સમયે મળેલી સુસાઈડ નોટને આધારે પતિ-પત્નીને મરવા મજબૂર કરવાના આરોપમાં ઉત્તરપ્રદેશના પત્નીના પૂર્વ પ્રેમીની આજે 9 મહિના બાદ પોલીસે ધરપકડ કરી છે. ત્યારે એક વર્ષ પહેલાનો શું છે સમગ્ર મામલો? ચાલો વિગતવાર જાણીએ…
પ્રાપ્ત માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં રહેતા એક યુવાને મૂળ ઉત્તરપ્રદેશની યુવતી સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસો સુધો તો તેનું દાંપત્ય જીવન સુખી રીતે ચાલ્યું, પણ ગયા વર્ષે 15 ઓક્ટોબર 2024ના રોજ આ દંપતિએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો સહિત પોલીસ પણ ઘટનાસ્થળે તુરંત દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને દંપતિ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં દંપતિના આ ગંભીર પગલા ભરવા પાછળના કારણનો ઉલ્લેખ કરતા, આત્મહત્યા કરનાર પત્નીના પૂર્વ પ્રેમી પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સુસાઈડ નોટ અનુસાર, પત્નીનો પૂર્વ પ્રેમી રાજીવ ઉર્ફ વિક્કી સક્સેના તેને લગ્ન બાદ પણ ફરીથી સાથે રહેલા દબાણ કરતો હતો.
રાજીવ પોતાની પૂર્વ પ્રેમિકાને ધમકી આપતો કે, ‘તું મારી સાથે સંબંધ રાખ, નહીંતર આપણા બંનેના અંગત પળોનાં વીડિયો હું ફેસબુક પર શેર કરીશ.’ જોકે પૂર્વ પ્રેમી રાજીવ ઉર્ફ વિક્કી સક્સેનાની આ ધમકીઓને પતિ-પત્ની બંને અવગણતા હતા. દરમિયાન એક સમયે આરોપી પૂર્વ પ્રેમીએ ખરેખર અંગત પળોના બિભત્સ વીડિયો-ફોટા ફેસબુક પર શેર કરી નાખ્યા હતા. જેથી સમાજમાં બદનામીનાં ડરથી પતિ-પત્નીએ જીવન ટૂંકાવ્યું હતું.
તે સમયે પરિવારના એકને એક દીકરા તથા તેના પત્નીના આત્મઘાતી પગલાથી પરિવારમાં શોક ફેલાયો હતો અને તેઓ પણ દાવો કરી રહ્યા હતા કે, સુસાઈડ નોટમાં તેમની પુત્રવધૂના પૂર્વ પ્રેમના નામનો પણ ઉલ્લેખ છે. માટે પતિ-પત્ની આ આપઘાત કેસથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.
પોલીસે પણ આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પરંતુ આરોપી પૂર્વ પ્રેમી રાજીવ ઉર્ફ વિક્કી શાતિર હોવાથી તે પોલીસ પકડથી દૂર અત્યાર સુધી નાસતો-ફરતો રહ્યો. જોકે આજે 9 મહિના બાદ મીઠાપુર પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Dwarka,Jamnagar,Gujarat
July 11, 2025 2:17 PM IST