દ્વારકાની કરુણ ઘટના: ગાયના મોંમાં વિસ્ફોટક પદાર્થ ફૂટતા જડબું ફાટ્યું! સારવાર દરમિયાન મોત, ગૌપ્રેમીઓમાં આક્રોશ

દ્વારકાની કરુણ ઘટના: ગાયના મોંમાં વિસ્ફોટક પદાર્થ ફૂટતા જડબું ફાટ્યું! સારવાર દરમિયાન મોત, ગૌપ્રેમીઓમાં આક્રોશ

ધર્મ RELIGION
Spread the love


Final Up to date:

દ્વારકા જિલ્લાના મોખાણા ગામે વિસ્ફોટક પદાર્થ ખાઈ ગયેલી ગાયના મોતથી ગૌપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે, જેથી આવું કૃત્ય કરતા આવારા તત્વો કડક કાર્યવાહી અને પશુ સુરક્ષાની માંગ ઉઠી છે.

ગૌપ્રેમીઓમાં આક્રોશ
ગૌપ્રેમીઓમાં આક્રોશ

દ્વારકા: દિવસે ને દિવસે શ્વાન અને ગાય જેવા પાલતુ પ્રાણીઓ પર અત્યાચારની ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આવી જ એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના દ્વારકા જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં ખેતરમાં જંગલી ભૂંડ (ડુક્કર)થી પાક બચાવવા ખેડૂતે મૂકેલો વિસ્ફોટક પદાર્થ એક નિર્દોષ ગાય ખાઈ જતાં ગૌમાતાના મોંમાં જ ભયાનક વિસ્ફોટ થયો અને તેનું જડબું ફાટી ગયું છે અને બાદમાં તેનું મોત થયું છે. ત્યારે આ કરુણ ઘટના સામે આવતા ગૌપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને આ મામલે કડક કાર્યવાહી થાય તેવી માગ ઊઠી છે.

વિગતવાર વાત કરીએ તો, દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોખાણા ગામના રાણીવાવ વિસ્તારમાં એક ખેડૂતે ખેતરમાં જંગલી ભૂંડ (ડુક્કર)થી પાક બચાવવા વિસ્ફોટક પદાર્થ મૂક્યો હતો. જેને આ નિર્દોષ ગાય ખાઈ ગઈ હતી, ત્યારે તેના મોંમાં જ ભયાનક વિસ્ફોટ થતાં જડબું ફાટી ગયું હતું. ઘટના બની ત્યારે આસપાસના લોકોએ તુરંત જ ગાયને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગૌભક્તોએ ભાણવડના પશુ ચિકિત્સકને જાણ કરી હતી.

બાદમાં ડૉક્ટરે ઘટનાસ્થળે પહોંચીને ગાયની સારવાર શરૂ કરી હતી, પરંતુ મોઢા અને જડબામાં થયેલી અત્યંત ગંભીર ઈજાને કારણે ગૌમાતાનું સારવાર દરમિયાન મોત થયું છે, ત્યારે આ ઘટનાએ આખા વિસ્તારમાં ગૌભક્તોમાં ભારે રોષ ફેલાવ્યો છે. લોકોનું કહેવું છે કે, “જંગલી પ્રાણીઓથી પાક બચાવવાના નામે આવા ખતરનાક વિસ્ફોટકો મૂકવાથી નિર્દોષ પશુઓનો ભોગ લેવાઈ રહ્યો છે. આવું કૃત્ય અત્યંત નિંદનીય છે.”

હાલ આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે કે કેમ તે અંગે સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ ગૌભક્તો અને પશુપ્રેમીઓએ વિસ્ફોટક મૂકનાર ખેડૂત સામે કડક કાનૂની કાર્યવાહી તેમજ પશુઓ સામે આવા અત્યાચાર અટકાવવા સરકારી તંત્ર પાસે કડક નિયમો બનાવવાની માગ ઊઠાવી છે. ત્યારે એક ગૌસેવક દેશર ગઢવીએ પણ આ ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે, “ઘણા બધા આવારા તત્વો છે, જેઓ ગૌમાતા પર એસિડ પણ નાખતા હોય છે. આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.”

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાંથી પણ ગાયો પર અત્યાચારની ઘટના સામે આવી હતી, જેમાં કેટલાક આવારા તત્વોએ ઘણીબધી ગાયોને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે બેથી ત્રણ ફૂટના લાંબા ચેકા પાડી દીધા હતા, જેનાથી ગાયો પર ગંભીર ઘા જોવા મળ્યા હતા અને તે સમયે પણ એક ગાયનું મોત નીપજ્યું હતું, જે સમગ્ર ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગૌપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો, ત્યારે હાલ ફરી એકવાર આવી ઘટના સામે આવી છે.

હાલ દ્વારકાની આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે મૂંગા પશુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે, જેથી આ મામલે તાત્કાલિક પગલા લેવાય તેવી લોકમાગ ઊઠી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *