Final Up to date:
જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. જમ્મુ-કાશ્મીરના ડોડાના ભદ્રવાહ વિસ્તારમાં ભારતીય સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાન શહીદ થયા હતા.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના ડોડામાં ગુરુવારે એક રોડ અકસ્માતમાં સેનાના 10 જવાનો શહીદ થઈ ગયા. આ દુર્ઘટના પર પીએમ મોદી, વિદેશ મંત્રી અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત કેટલાય દિગ્ગજ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે ડોડામાં થયેલી દુર્ઘટનાથી અમે અત્યંત દુઃખી છીએ, જેમાં આપણે આપણા બહાદુર સૈનિકોને ખોઈ દીધા. રાષ્ટ્ર પ્રત્યે તેમની સેવાને આપણે હંમેશા યાદ રાખીશું. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. પ્રભાવિત લોકોને દરેક શક્ય મદદ આપવામાં આવી રહી છે.
તો વળી વિદેશ મંત્રી એસ જયશંકરે એક્સ પર લખ્યું છે કે જમ્મુ કાશ્મીરના ડોડામાં થયેલી દુઃખદ ઘટનાથી હું અત્યંત વ્યથિત છું, જેમાં આપણા વીર સૈનિકોએ પોતાના પ્રાણની આહુતિ આપી. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. ઘાયલોને જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં થયેલા રોડ અકસ્માતમાં આપણા કેટલાય વીર જવાનોના દિવંગત થવાના સમાચારથી અત્યંત દુઃખદ છે. આખો દેશ આ દુઃખની ઘડીમાં આપના વીર સપૂતોના પરિવારો સાથે ઊભો છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકાકુલ પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઘાયલ જવાનો જલદી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.
અહીં ઉલ્લેખનિય છે કે, જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. જમ્મુ-કાશ્મીરના ડોડાના ભદ્રવાહ વિસ્તારમાં ભારતીય સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાન શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 7 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનોને એકલિફ્ટ કરવામાં આવ્યા છે.
સેનાના અધિકારીઓએ દુર્ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું કે, ગુરુવારે એક સૈન્ય વાહન 17 જવાનોને લઈને ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલી ચોકી તરફ જઈ રહ્યું હતું. ત્યારે ડોડા જિલ્લાના ભદ્રવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ વિસ્તારમાં ખાની ટોપ પાસે 200 ફૂટ ઊંડી ખીણમાં આ વાહન ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં 10 જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Jan 22, 2026 10:51 PM IST

