યુનાઇટેડ અરબ એમિરેટ્સ (UAE) એક એવો જ દેશ છે, જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ અન્ડર ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ જેવા કોર્સનો અભ્યાસ કરી શકે છે. અહીં ભણવા માટે દુબઈ સૌથી બેસ્ટ શહેર છે. આ શહેર માત્ર જોબ માટે જ પોપ્યુલર નથી, પરંતુ અહીં દુનિયાની કેટલીક શ્રેષ્ઠ યુનિવર્સિટી પણ હાજર છે. ત્યારે ચાલો જાણીએ કે દુબઈમાં ભણવું ભારતીય વિદ્યાર્થીઓ માટે કઈ રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે, તેમજ અહીંથી ડિગ્રી લીધા પછી જોબ માટે કયો વિઝા લેવો પડશે.

દુબઈમાં ભણવાથી શું ફાયદા થશે?
સસ્તું શિક્ષણ: દુબઈમાં શિક્ષણનો ખર્ચ અમેરિકા અને બ્રિટન જેવા પશ્ચિમી દેશોની સરખામણીમાં ખૂબ જ ઓછો છે. આ તે વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓપ્શન છે કે, જેમનું બજેટ ઓછું છે અને વિદેશમાં ભણવા માગે છે.
વિદેશી યુનિવર્સિટીના કેમ્પસ: દુબઈમાં દુનિયાની કેટલીક સૌથી ટોપ લેવલની યુનિવર્સિટીના કેમ્પસ છે. અહીં વિદ્યાર્થીઓ મુખ્ય કેમ્પસની સરખામણીમાં 40-60% સુધી ઓછી ફી આપીને ડિગ્રી લઈ શકે છે.
ભારતથી નજીક: ભારતીય વિદ્યાર્થીઓ માટે દુબઈ જવું સરળ છે. માત્ર 3 કલાકની ફ્લાઇટથી દુબઈ જઈ શકાય છે. આ ઉપરાંત દુબઈની ગણતરી દુનિયાના સૌથી સુરક્ષિત શહેરોમાં થાય છે. અહીં અન્ય દેશોની સરખામણીમાં ગુનાખોરી લગભગ ના બરાબર છે. આ જ કારણસર, અહીં અગાઉથી જ લાખોની સંખ્યામાં ભારતીયો રહે છે.
0% ઇન્કમ ટેક્સ: દુબઈમાં અભ્યાસ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, શિક્ષણ બાદ જો કોઈ વિદ્યાર્થી અહીં જોબ કરશે તો તેને પોતાની સેલેરી પર કોઈ ટેક્સ આપવો નહીં પડે. તમારો પૂરેપૂરો પગાર તમને જ મળશે.

બર્મિંઘમ યુનિવર્સિટી (UK)
વોલાંગોંગ યુનિવર્સિટી (ઓસ્ટ્રેલિયા)
હેરિઅટ-વોટ યુનિવર્સિટી (UK)
મિડલસેક્સ યુનિવર્સિટી (UK)
બિટ્સ પિલાણી (ભારત)
એમિટી યુનિવર્સિટી (ભારત)
રોચેસ્ટર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (અમેરિકા)
ખલીફા યુનિવર્સિટી
અમેરિકન યુનિવર્સિટી ઇન દુબઈ
કેનેડિયન યુનિવર્સિટી દુબઈ
ઝાયદ યુનિવર્સિટી
દુબઈ યુનિવર્સિટી
હવે સવાલ થાય છે કે, જો કોઈ વિદ્યાર્થીએ દુબઈથી ડિગ્રી લઈ લીધો તો હવે તેને અહીં જોબ કઈ રીતે મળશે. સામાન્ય રીતે તો દુનિયાના અન્ય દેશોમાં પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા આપવામાં આવે છે, પરંતુ દુબઈમાં આવું નથી. તેના સ્થાને વિદ્યાર્થીઓ સ્ટૂડન્ટ વિઝાને લંબાવી શકે છે. આ વધારો 6 થી 12 મહિના સુધીનો હોઈ શકે છે. આ ઉપરાંત તમે ‘જોબ સીકર વિઝા’ માટે પણ એપ્લાય કરી શકો છો, જે 120 દિવસનો હોય છે. જો કોઈને 4 હજાર ડોલર સુધીની જોબ મળી જાય, તો તે તરત જ ગ્રીન વિઝા માટે અરજી કરી શકે છે. જે 5 વર્ષ માટેનો હોય છે.
દુબઈમાં નોકરી શોધવાની સૌથી સારી પદ્ધતિ અભ્યાસ દરમિયાન ઇન્ટર્નશિપ કરવી છે. ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓએ નેટવર્કિંગ પર ભાર આપવો જોઈએ. દુબઈમાં મોટા ભાગની યુનિવર્સિટી ‘ફ્રી ઝોન’માં છે. જ્યાં મોટી મલ્ટી નેશનલ કંપનીઓ પણ હાજર છે. ઇન્ટર્નશિપ દ્વારા કંપનીમાં જોબ પણ મેળવી શકાય છે. લિંક્ડઇન, Bayt.com, NaukriGulf અને GulfTalent જેવા પ્લેટફોર્મ્સ પર વિદ્યાર્થીઓ તેમના માટે જોબ શોધી શકે છે.
