Final Up to date:
સોશિયલ મીડિયા સેન્સેશન અને બોલિવૂડ સ્ટાર્સના ખાસ મિત્ર ગણાતા ઓરી (Orhan Awatramani) અવારનવાર તેની લાઇફસ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. અત્યાર સુધી લોકોના મનમાં એક જ સવાલ હતો કે, ‘ઓરી આખરે કરે છે શું?’ અને કેટલી કમાણી કરે છે?
ઓરી સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છવાયેલો રહે છે, પરંતુ આજે પણ તે લોકો માટે એક મિસ્ટરી બનેલો છે. ઓરી કોણ છે? અને તે શું કરે છે? આ બે સવાલોના જવાબ આજે પણ કોઈની પાસે નથી. જાન્હવી કપૂર, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, નીસા દેવગન, સારા અલી ખાન જેવા સિતારા હોય કે સ્ટાર કિડ્સ, દરેક વ્યક્તિ ઓરીના ફેન છે. દરેકની ઓરી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે, એક ફોટો ક્લિક કરાવવા માટે ઓરી લાખો રૂપિયા ચાર્જ કરે છે? હાલમાં જ કપિલ શર્માના શોમાં ઓરીએ આ વાતનો ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે.
નેટફ્લિક્સના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં આ વખતે મલાઈકા અરોરા, રવિ કિશન અને સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી પહોંચ્યા હતા. ઓરીએ સ્ટેજ પર ખૂબ મસ્તી કરી અને રવિ કિશનના કહેવા પર ભોજપુરી પણ બોલ્યો હતો. આ દરમિયાન ઓરીએ પોતાનું સિક્રેટ શેર કરતાં જણાવ્યું કે, તે દરેક ફોટોના 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે અને આ કિંમત ડિસ્કાઉન્ટ આપ્યા પછીની છે.
ઓરી બોલિવૂડની દરેક પાર્ટી અને ફંક્શનમાં જોવા મળે છે. ઘણી વાર સોશિયલ મીડિયા પર યુઝર્સ સવાલ પણ કરે છે કે, ઓરી દરેક જગ્યાએ કેવી રીતે પહોંચી જાય છે. હકીકતમાં ઓરીને બોલિવૂડના દરેક લગ્ન અને પાર્ટીનું ઇન્વિટેશન મળે છે અને તે લગ્નમાં જવા માટે પણ પૈસા ચાર્જ કરે છે. એટલું જ નહીં, ઓરી દરેક લગ્ન અને ફંક્શનમાં નવા આઉટફિટ પહેરે છે અને ક્યારેય કોઈ કપડાં રિપીટ કરતો નથી. ઓરીએ પોતે શોમાં આ ખુલાસા કર્યા છે.
‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં ઓરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025માં તેને 80-90 લગ્નોના ઇન્વિટેશન આવ્યા હતા અને તે લગભગ દરેક લગ્નનો હિસ્સો બન્યો હતો કારણ કે તે જ તેનું કામ છે. ઓરીએ એ પણ જણાવ્યું હતું કે, તે ખભા પર હાથ રાખવાવાળી ‘પોઝ’ સાથે ફોટો લેવાના પણ પૈસા ચાર્જ કરે છે. તેણે કહ્યું કે, ડિસ્કાઉન્ટ સાથે એક ફોટોના 15 લાખ રૂપિયા છે. ઓરીએ એ પણ ઉલ્લેખ કર્યો કે, લોકો એવું માને છે કે, તેનો સ્પર્શ મેજિકલ છે. તેણે જણાવ્યું હતું કે, લોકો તેની પાસે આવીને તેને અડકવા માટે કહે છે કારણ કે તેમનું માનવું છે કે, ઓરીના હાથ લગાડવાથી તેમની મુશ્કેલીઓ અને બીમારીઓ પણ મટી જાય છે. ઓરીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, આ દાવો લોકો કરે છે, તે નહીં. તમને જણાવી દઈએ કે, આ પહેલા ઓરીએ ખુલાસો કર્યો હતો કે, 8 વર્ષથી એક કપલને સંતાન નહોતું થઈ રહ્યું, પરંતુ જેવો ઓરીએ તેના પતિને સ્પર્શ કર્યો, કપલને ત્યાં બાળકનો જન્મ થયો હતો. આ માટે પણ ઓરીએ તગડી રકમ ચાર્જ કરી હતી.
દીપિકા-જાન્હવી જેવા મોટા સ્ટાર્સ ઓરી સાથે ફોટો પડાવવાના આપે છે લાખો રૂપિયા! કરોડોની કમાણી અને ‘મેજિકલ ટચ’ વિશે કર્યો ખુલાસો!

