મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના સત્તાવાર કાર્યક્રમ બાદ સાસણ ગામની મુલાકાતે છે. આજે તેમણે ગીરની વિશ્વ પ્રસિદ્ધ જંગલ સફારીની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા હતા. સાથે જ ગીરમાં સિંહના સંવર્ધન માટેની બહુસ્તરીય કામગીરીની માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો. તેઓએ ખુલ્લી જીપમાં સવાર થઈને ગીર સફારીમાં નિર્ભય રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવોને નિહાળ્યા હતા. સાથે જ કડકડતી ઠંડીમાં તાપણાની મજા પણ માણી હતી. જંગલ સફારીની મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંસ્મરણો X એકાઉન્ટ પર શેર કરતા જણાવ્યું કે ગીરની સવાર ખરેખર અદભુત છે! સ્વચ્છ હવા, જંગલ પ્રદેશનું રમણીય પ્રાકૃતિક સૌંદર્ય, અને ગુજરાતની શાન સમા સાવજ.. આજે વહેલી સવારે જંગલ સફારીનો અનુભવ અવિસ્મરણીય બની રહ્યો.
Source link
