Final Up to date:
બનાસકાંઠા ડીસાના જોરાપુરા ગામમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચેની સામાન્ય તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા વેલજી ઠાકોર નામના આશાસ્પદ યુવકની હત્યા થઈ છે. કુટુંબી ભાઈઓએ જ લોખંડની ટોમી, લાકડીઓ, ધોકા અને ધારિયા વડે હુમલો કરી ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે. જે મામલે પોલીસે હાલ ત્રણ ને પકડીને તપાસ શરૂ કરી છે.
બનાસકાંઠા: ડીસાના જોરાપુરા ગામમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે એક આશાસ્પદ યુવકની હત્યા કરાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. કૌટુંબિક ભાઈઓ વચ્ચે સર્જાયેલા આ ખૂની ખેલમાં વેલજીજી ઠાકોર નામના શખ્સે જીવ ગુમાવતા પરિવારમાં આક્રોશ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.
બનાવની મળતી વિગતો અનુસાર, બનાસકાંઠાના ડીસા તાલુકાનું જોરાપુરા ગામ મંગળવારે સાંજે એકાએક મરણિયા હુમલાનું સાક્ષી બન્યું જ્યારે સામાન્ય બોલાચાલીએ હિંસક વળાંક લીધો હતો. પરિવારે આક્ષેપ કર્યો છે કે ગામમાં રહેતા વેલજી ઠાકોર મંગળવારે સાંજે પોતાના ખેતરેથી કામ પતાવી મોટરસાયકલ લઈને ગામમાં ઘરનો સામાન લેવા નીકળ્યા હતા. તેઓ જ્યારે ગામમાં આવેલા ભગવાન શંકરના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે આ લોહિયાળ બનાવ સર્જાયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર, વેલજી ઠાકોરને સગામાં કૌટુંબિક ભાઈ થતા કિશનજી ઓધારજી ઠાકોર, મનુજી ધારજીજી ઠાકોર, શૈલેષજી મથુરજી ઠાકોર અને મુકેશજી ભોમાજી ઠાકોર નામના ચાર શખ્સોએ સામે મળીને ઘેરી લીધા હતા અને રસ્તા પરથી પસાર થવા જેવી એકદમ નજીવી બાબતે આ શખ્સો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જોતજોતામાં આવેશમાં આવેલા આ ચારેય શખ્સોએ પૂર્વનિયોજિત કાવતરું હોય તેમ વેલજીજી પર તૂટી પડ્યા હતા. પરિવારના આક્ષેપ મુજબ હુમલાખોરો પાસે લોખંડની ટોમી, લાકડીઓ, ધોકા અને ધારિયા જેવા જીવલેણ હથિયારો તૈયાર હતા. વેલજીજી કંઈ સમજે તે પહેલાં જ આ ચારેય જણાએ તેમના પર હિંસક હુમલો કરી દીધો હતો અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
બાદમાં લોહીલુહાણ હાલતમાં વેલજીજીને રસ્તા પર જ છોડીને ચારેય આરોપીઓ અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને લોહીથી લથબથ વેલજીજીને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહેલા વેલજીજીએ ટૂંકી સારવાર બાદ દમ તોડ્યો હતો.
યુવાન પુત્રના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. હોસ્પિટલ પરિસરમાં જ પરિવારનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા સ્વજનોએ જ્યાં સુધી તમામ હત્યારાઓની ધરપકડ ન થાય અને તેમની સામે હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પરિવારની એક જ જીદ હતી કે સત્તાધારીઓ અને પોલીસ તંત્ર તેમને ન્યાયની ખાતરી આપે તો જ તેઓ અંતિમવિધિ માટે આગળ વધશે. ગામમાં પણ આ ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોમાં આ હિંસક હુમલાને લઈ ભારે ફિટકારની લાગણી જોવા મળી હતી.
પરિવારના આક્રોશ અને ઘટનાની ગંભીરતાને જોતા ડીસા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના પરિવારજનોની વેદના સાંભળી અને તેમના નિવેદનના આધારે ચાર શખ્સો વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી અને આરોપીઓને કડકમાં કડક સજા અપાવવાની ખાતરી બાદ વાતાવરણ થોડું થાળે પડ્યું હતું.
પોલીસે આ મામલામાં ત્વરિત કાર્યવાહી કરતા અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ આ ચાર પૈકીના ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસની આ સક્રિયતા અને ન્યાયની મક્કમ ખાતરી મળ્યા બાદ આખરે શોકાતુર પરિવારે ભારે હૈયે વેલજીજીના મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. હાલમાં પોલીસ પકડાયેલા શખ્સોની પૂછપરછ કરી રહી છે અને ફરાર એક આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
જોરાપુરાની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ક્ષણિક આવેશ અને નજીવી તકરાર કેવી રીતે હસતા-રમતા પરિવારને વેરવિખેર કરી શકે છે. કૌટુંબિક ભાઈઓ જ જ્યારે એકબીજાના લોહીના તરસ્યા બને ત્યારે સમાજ માટે તે લાલબત્તી સમાન કિસ્સો બની જાય છે. પરંતુ વેલજીજીના પરિવારે જે વ્હાલસોયો પુત્ર ગુમાવ્યો છે તેની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી. હવે જોવાનું એ રહેશે કે કાયદો આ નૃશંસ હત્યા કરનારા તત્વોને કેટલી ઝડપથી અને કેવી આકરી સજા અપાવે છે.
Deesa,Banaskantha,Gujarat

