abhishek sharma third duck : ટી-20 વર્લ્ડ કપ 2026માં અભિષેક શર્માનું અચાનક ફોર્મ ગુમાવી દેવું ટીમ ઈન્ડિયા માટે મોટી સમસ્યા બની ગઈ છે. તે સતત ત્રીજી વખત શૂન્ય રને આઉટ થયો છે અને હજુ પણ વર્લ્ડ કપમાં પ્રથમ રન માટે તરસી રહ્યો છે. ભારત માટે ટી 20 વર્લ્ડ કપના 19 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ બેટ્સમેન શૂન્ય રનની હેટ્રિક પર આઉટ થયો છે.
ટી-20 ઇન્ટરનેશનલમાં ભારત માટે અભિષેક શર્મા માત્ર બીજો ખેલાડી છે જે સતત ત્રણ વખત ડક પર આઉટ થયો છે. આ પહેલા વોશિંગ્ટન સુંદર 2019-20માં સતત ત્રણ વખત શૂન્ય પર પેવેલિયનમાં પાછો ફર્યો હતો. આ સિવાય અભિષેક શર્મા ટી-20 ઇન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ શૂન્ય રન પર આઉટ થવાના મામલે પાંચમા સ્થાને આવી ગયો છે. છેલ્લી સાત ઇનિંગ્સમાં આ તેનો પાંચમો શૂન્યનો સ્કોર છે.
એક વર્ષમાં સૌથી વધુ ડક (ટી 20 ઓપનર્સ)
- 6 – સૈમ અયુબ (પાકિસ્તાન, 2025)
- 5 – કાલોમવોંગ ચૈટફાઇસાન (થાઇલેન્ડ, 2024)
- 5 – કુશલ ભુર્તેલ (નેપાળ, 2024)
- 5 – ધર્મા કેસુમા (ઇન્ડોનેશિયા, 2025)
- 5 – પરવેઝ હુસૈન ઇમોન (બાંગ્લાદેશ, 2025)
- 5 – અભિષેક શર્મા (ભારત, 2026)
સુપર 8 પહેલા ભારતની મુશ્કેલીઓ વધી
ત્રણેય મેચમાં અભિષેક શર્માની વિકેટ ડક માટે ગુમાવ્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીરનું ટેન્શન વધારી દીધું છે. ટી-20 વર્લ્ડ કપમાં વિશ્વના નંબર 1 ટી-20 બેટ્સમેનની આવી હાલત જોઈને બધા ચકિત છે. હવે તેનાથી ભારતની ચિંતા વધી ગઈ છે. કારણ કે સંજુ સેમસન પહેલાથી જ આઉટ ઓફ ફોર્મ હતો અને તેના સ્થાને ઇશાનને તક મળી હતી.
આ પણ વાંચો – ભારત વિ નેધરલેન્ડ્સ લાઇવ મેચ અપડેટ્સ
હવે અભિષેક શર્માનું ખરાબ પ્રદર્શન અને સુપર 8ની અઘરી મેચો રમાવાની હોય ત્યારે ટીમ ઈન્ડિયા નિશ્ચિતપણે ચિંતિત રહેશે. આ પર્ફોમન્સ બાદ સંજુ સેમસનને તક આપવાની માંગ પણ ઉઠશે. કારણ કે અભિષેકની વિકેટ સતત ટોપ ઓર્ડર પર દબાણ સર્જી રહી છે. જો સાઉથ આફ્રિકા સામે આવું થશે તો ભારતની મુશ્કેલીઓ વધી શકે છે.
