Final Up to date:
હવે જમીન માટે અલગથી ‘બિન ખેતી’ (નૉન એગ્રીકલ્ચર – એન.એ.) મંજૂરી લેવાની ફરજ નહીં રહે. સરકારના આ નિર્ણયથી વર્ષોથી ચાલતી વહીવટી જટિલતાઓ દૂર થશે અને જમીન વિકાસ તથા બાંધકામ પ્રક્રિયા વધુ સરળ બનશે.
ગાંધીનગર: ગુજરાત સરકાર રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટા સુધારા લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને દુરગામી નિર્ણય લેવા જઈ રહી છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ (ટી.પી.) અમલમાં આવી ગઈ હોય અથવા આખરી મંજૂરી પ્રાપ્ત થયેલી હોય તેવા વિસ્તારોમાં હવે જમીન માટે અલગથી ‘બિન ખેતી’ (નૉન એગ્રીકલ્ચર – એન.એ.) મંજૂરી લેવાની ફરજ નહીં રહે. સરકારના આ નિર્ણયથી વર્ષોથી ચાલતી વહીવટી જટિલતાઓ દૂર થશે અને જમીન વિકાસ તથા બાંધકામ પ્રક્રિયા વધુ સરળ બનશે.
અત્યાર સુધી અમલમાં રહેલી વ્યવસ્થા મુજબ, કોઈપણ જમીન ભલે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આવતી હોય, પરંતુ બાંધકામ શરૂ કરતા પહેલાં મહેસૂલ વિભાગ પાસેથી એન.એ. પરમિશન લેવી ફરજિયાત હતી. આ પ્રક્રિયામાં ડેવલપરોને શહેરી વિકાસ વિભાગ અને મહેસૂલ વિભાગ—બે અલગ-અલગ તંત્રો સાથે કામ કરવું પડતું હતું. પરિણામે ફાઈલો અટકતી, સમય વેડફાતો અને ઘણી વખત બિનજરૂરી વિલંબ સર્જાતો હતો.
સરકારના નવા નિર્ણય મુજબ, જે જમીન ટી.પી. સ્કીમ અંતર્ગત ફાઈનલ થઈ ગઈ હશે, તે આપોઆપ બિન ખેતી હેતુ માટે યોગ્ય ગણાશે. એટલે હવે ડેવલપર અથવા જમીન માલિકને અલગથી એન.એ. સર્ટિફિકેટ મેળવવાની જરૂર રહેશે નહીં. આથી “ડબલ મંજૂરી”ની પ્રક્રિયાનો સંપૂર્ણ અંત આવશે.
આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો રિયલ એસ્ટેટ ક્ષેત્રને થવાનો છે. પ્રોજેક્ટના નકશા મંજૂર થવામાં ઝડપ આવશે, બાંધકામ સમયસર શરૂ થઈ શકશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે. ખાસ કરીને નાના અને મધ્યમ ગજાના બિલ્ડરો માટે આ નિર્ણય રાહતરૂપ સાબિત થશે, કારણ કે તેઓ અત્યાર સુધી વહીવટી પ્રક્રિયામાં વધારે અટવાતા હતા.
રિયલ એસ્ટેટ નિષ્ણાતો માને છે કે આ ફેરફારથી જમીનના સોદામાં પારદર્શિતા વધશે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બનશે. સાથે જ, સરકારી તંત્ર પરનું ભારણ ઘટશે અને ભ્રષ્ટાચારની શક્યતાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
નિયમ અમલી બન્યા બાદ, ટી.પી. વિસ્તારમાં આવેલા પ્લોટ્સ પર બાંધકામ માટેની મંજૂરી સીધી જ સ્થાનિક સત્તામંડળો—જેમ કે મહાનગરપાલિકા, ઔડા, રૂડા અથવા સંબંધિત વિકાસ સત્તામંડળ—દ્વારા આપવામાં આવશે. સરકાર પ્રીમિયમ ચુકવણી, ફી અને અન્ય કાયદેસર પ્રક્રિયાઓને પણ ઓનલાઇન તથા સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ લાવવાની તૈયારીમાં છે.
Gandhinagar,Gujarat

