શિયાળો વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે અને ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે એકાએક ચોમાસા જેવું વાતાવરણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને ઘઉં, બટાકા, વરિયાળી, રાઈ સહિત શાકભાજીનું વાવેતર વધુ થયું છે, સાથે જ ઘઉં, બટાકા અને ચણાનો પાક હાલ તૈયાર થઈ ગયો છે. આવા સમયે જો માવઠું થાય તો ઘઉંના પાકને સૌથી વધુ નુકસાન થઈ શકે તેમ છે. જો હવામાન ખાતાની આગાહી વચ્ચે ગુજરાતના વિવિધ પંથકમાં મેઘરાજા વરસે તો ખેતરમાં ઊભેલા ઘઉં કાળા પડી જવાનો ભય ખેડૂતોમાં ફેલાયો છે. જો આવું થાય તો તે ઘઉંને માર્કેટમાં સારા ભાવ પણ ન મળી શકે અને ખેડૂતે પાયમાલી ભોગવવી પડે તેમ છે. ત્યારે જગતનો તાત હવે વરસાદ ન પડે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે.
