Final Up to date:
ગૃહ વિભાગ દ્વારા જનસંપર્ક એકમ શરૂ કરવામાં આવ્યો છે. આ ખાસ એકમનો હેતુ નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા માટેનો છે. જેને લઈને નોડલ અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોના ઝડપી, પારદર્શક અને અસરકારક નિવારણ માટે ગૃહ વિભાગે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હાલ અમલમાં રહેલી ફરિયાદ નિવારણ પ્રણાલીને વધુ વ્યાપક અને કાર્યક્ષમ બનાવવા માટે હવે ગૃહ વિભાગ કક્ષાએ અલગ ‘જનસંપર્ક એકમ’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એકમનો મુખ્ય હેતુ એ રહેશે કે અરજદારો પોતાની ફરિયાદો રૂબરૂ રજૂ કરી શકે અને તેનું શક્ય તેટલું ત્વરિત તથા હકારાત્મક નિરાકરણ થાય.
આ અંગે ગૃહ વિભાગ દ્વારા 31 જાન્યુઆરી 2026ના રોજ સચિવાલય, ગાંધીનગરમાંથી સત્તાવાર કાર્યાલય આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, સૂચિત જનસંપર્ક એકમની કામગીરી સુચારુ રીતે સંચાલિત થાય તે માટે આનંદ બિહોલા, સંયુક્ત સચિવ, ગૃહ વિભાગને ‘જનસંપર્ક અધિકારી’ તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓ ગૃહ વિભાગ ખાતે નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોને વ્યક્તિગત રીતે સાંભળશે અને સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપશે.
ગૃહ વિભાગના સૂત્રો મુજબ, છેલ્લા કેટલાક સમયથી એવી માગ ઊઠી રહી હતી કે નાગરિકોને માત્ર લેખિત અરજીઓ પર નિર્ભર રહેવું ન પડે, પરંતુ તેમને રૂબરૂ રજૂઆત કરવાની તક પણ મળે. અનેક કેસોમાં અરજદારોને સ્થાનિક કક્ષાએ સંતોષકારક જવાબ ન મળતા તેઓ સીધા રાજ્ય કક્ષાએ રજૂઆત કરવા ઇચ્છતા હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જનસંપર્ક એકમની કલ્પના કરવામાં આવી છે.
આનંદ બિહોલાએ માત્ર ફરિયાદો સાંભળવાની જ નહીં, પરંતુ તેની નિયમિત મોનિટરિંગ અને સમીક્ષા કરવાની પણ જવાબદારી રહેશે. ફરિયાદો પર થયેલી કાર્યવાહી સમયસર અને યોગ્ય છે કે નહીં, તે બાબતે તેઓ નજર રાખશે. આથી પોલીસ તંત્રની કામગીરીમાં વધુ જવાબદારી અને સંવેદનશીલતા આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ નવી વ્યવસ્થામાં જનસંપર્ક અધિકારીને ફરિયાદ સંબંધિત કામગીરીમાં નાયબ સચિવ (ફરિયાદ) અને ઉપ સચિવ (ફરિયાદ) દ્વારા જરૂરી સહાયતા આપવામાં આવશે. એટલે કે, ફરિયાદોના દસ્તાવેજી કામકાજથી લઈને અનુસંધાન સુધીની પ્રક્રિયા સુસંગત રીતે ચાલે તે માટે આંતરિક સહકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
ગૃહ વિભાગના અધિકારીઓનું માનવું છે કે જનસંપર્ક એકમ શરૂ થતાં રાજ્ય કક્ષાએ ફરિયાદોનું સીધું મૂલ્યાંકન શક્ય બનશે અને અરજદારોને વારંવાર વિવિધ કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નહીં રહે. ખાસ કરીને ગંભીર અથવા લાંબા સમયથી લંબાયેલી ફરિયાદોમાં આ એકમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
Gandhinagar,Gujarat
Feb 06, 2026 10:24 PM IST

