Final Up to date:
અમદાવાદના વસ્ત્રાલમાં AMCની કચરાની ગાડીની બેફામ ડ્રાઈવિંગથી એક્ટિવા પર જઈ રહેલી બે કિશોરીઓને ટક્કર મારી હતી, જેમાંથી એક કિશોરી 10 ફૂટ ઊંચી ફંગોળાઈ હતી. હાલ આ અકસ્માતના CCTV વીડિયો સામે આવી રહ્યા છે.
અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કચરાની ગાડી અને એક્ટિવા વચ્ચેના ભયાનક અકસ્માતના CCTV હાલ સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કચરાની ગાડીના ચાલકની બેફામ ડ્રાઈવિંગને કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યાં રસ્તા પર એક્ટિવા લઈ જઈ રહેલી બે કિશોરીઓને કચરાની ગાડીએ પાછળથી એવી જોરદાર ટક્કર મારતા એક કિશોરી હવામાં અંદાજે 8થી 10 ફૂટ ઊંચી ફંગોળાઈને જમીન પર પટકાઈ હતી. ત્યારે હાલ આ સમગ્ર ઘટનાના રૂંવાડા ઊભા કરી દે તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, અકસ્માતની આ ઘટના ગઈકાલે (5મી ફેબ્રૂઆરીએ) સાંજે સાત વાગ્યે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ પ્રમાણી બંગલો પાસે બની હતી. જ્યાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર બે કિશોરીઓ એક્ટિવા લઈને જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અમદાવાદ મહાનગરપાલિકાની ‘ડોર ટુ ડોર’ વેસ્ટ કલેક્શનની ગાડીએ એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ખતરનાક હતી કે, જેના કારણે એક કિશોરી ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ હતી.
આ ગંભીર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે હાલ આ અકસ્માતના ચોંકાવનારા CCTV વીડિયો પણ સામે આવી રહ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ગાડીની ટક્કર વાગતા જ એક કિશોરી હવામાં ઉછળીને દૂર જઈ પટકાઈ હતી. જ્યારે અન્ય એક કિશોરી અકસ્માતગ્રસ્ત કચરાની ગાડી આગળ થોડા મીટર સુધી ઢસડાય છે. બાદમાં આ ભયાનક દ્રશ્ય જોઈને રોડ પર પસાર થતા અન્ય વાહનચાલકો થંભી ગયા હતા અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
અકસ્માત બાદ સ્થાનિક રહીશોએ અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરતા કચરાની ગાડીના ડ્રાઈવરને સ્થળ પર જ ઝડપી લીધો હતો અને રોષે ભરાયેલા લોકોએ ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. તો બીજી તરફ, બંને કિશોરીઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં બંને કિશોરીઓની હાલત હાલ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
નોંધનીય છે કે, થોડા મહિના અગાઉ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પણ તંત્રની ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન કરતી ગાડીએ ગંભીર અકસ્માત સર્જી એક બાદ એક આઠ જેટલાં વાહનોને અડફેટે લીધાં હતાં. જેમાં એક આધેડ એક્ટિવાચાલક 30 ફૂટ જેટલા ઢસડાયા હતા અને અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારે હાલમાં વસ્ત્રાલમાં કચરાની ગાડીએ સર્જેલા આ જુના અકસ્માતની યાદ તાજા કરાવી છે, જેથી AMCની કચરાની ગાડીના ચાલકોની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે પોલીસે હાલ આ ભયાનક અકસ્માત મામલે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad,Gujarat

