Final Up to date:
દ્વારકામાં સગીર વયના બાળકોએ ઈન્સ્ટાગ્રામ પર એવું કામ કર્યુું કે પોલીસ પણ દોડતી થઈ હતી. આ ટેણીયાઓએ એક ફિમેલ સિંગરનું એકાઉન્ટ બનાવીને તેમાં જ પ્રોગ્રામના વિડીયો અને અંગત વીડિયોમાં એક કોર્નરમાં નાની સાઇઝમાં કોઈ અન્ય યુવતી તથા પુરુષનો બીભત્સ અશ્લીલ વિડિયો તથા મોર્ફ કરેલા અશ્લીલ ફોટાઓ વાયરલ કરતા હતા. જેને લઈને પોલીસને ફરિયાદ મળતા પોલીસે કુલ 13 જેટલા લોકોને ઝડપી પાડ્યા છે.
દ્વારકા: ઈન્સ્ટાગ્રામ આઈડીમાં ફોલોઅર્સ વધારવા માટે પાંચ સગીર વયના બાળકો સહિત કુલ 13 જેટલા વ્યક્તિઓ દ્વારા મહિલા ગાયક કલાકારના વિડીયોને એડિટ કરી તેમાં અભદ્ર લખાણ કરી વાયરલ કરનારાઓને દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી આ બનાવ હાલ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ખાસ કરીને સગીર વયના બાળકોનો આ બનાવમાં હાથ સામે આવ્યો હોવાની વાત સામે આવતા લોકો નવાઈ પામી ગયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. કે. કોઠીયાના જણાવ્યા અનુસાર, ગાયક કલાકાર ભૂમિ નંદાણીયા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દેવભૂમિ દ્વારકા ખાતે ફરિયાદ આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડીઓ બનાવવામાં આવી છે. તેમજ તેમના સ્ટેજ પ્રોગ્રામના વિડીયો અને અંગત વીડિયોમાં એક કોર્નરમાં નાની સાઇઝમાં કોઈ અન્ય યુવતી તથા પુરુષનો બીભત્સ અશ્લીલ વિડિયો તથા મોર્ફ કરેલા અશ્લીલ ફોટાઓ વાયરલ કરી તેમને સમાજમાં બદનામ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દેવભૂમિ દ્વારકા ખાતે બીએનએસની કલમ 78 (2), 79, 356 (3) તેમજ આઇટી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જામખંભાળિયા ડિવિઝનના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના જણાવ્યા અનુસાર બનાવ સંદર્ભે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ટેકનિકલ માહિતીઓ એકત્રિત કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત અલગ અલગ ત્રણ ટીમો બનાવી કુલ 8 જિલ્લાઓમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા પાંચ બાળકો સહિત કુલ 13 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેમની ઉંમર સગીર વયની વયથી લઈને મહત્તમ 21 વર્ષની જ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા હાલ જે આરોપીઓ પકડવામાં આવ્યા છે તેમાં સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, દાહોદ સહિતના જિલ્લામાંથી ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા બે વાઇફાઇ રાઉટર તેમજ આઠ મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા પોતાના ફોલોઅર્સ વધારવા માટે અથવા તો મહિલાની જાતીય સતામણી કરવા માટે આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ કોઈ ગુના નોંધાયા છે કે કેમ તે બાબતે હાલ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ દ્વારા instagram અને fb ના માધ્યમથી ફેક પેજ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં તેઓ મોર્ફ કરેલા વિડિયો મુકતા હતા.
Dwarka,Jamnagar,Gujarat
March 30, 2025 5:03 PM IST